ત્રણ દિવસ સુધી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર આકાશી ભઠ્ઠામાં શેકાશે

હાલ ગરમીનો પ્રકોપ રાજ્યભરમાં જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના અનુસાર આજથી ત્રણ દિવસ તાપમાનમાં ત્રણ ડિગ્રી સુધીનો ઉછાળો પણ નોંધાઈ શકે છે. બીજી તરફ…

હાલ ગરમીનો પ્રકોપ રાજ્યભરમાં જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના અનુસાર આજથી ત્રણ દિવસ તાપમાનમાં ત્રણ ડિગ્રી સુધીનો ઉછાળો પણ નોંધાઈ શકે છે. બીજી તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા હાલ સૌરાષ્ટ્ર કચ્છ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં હવામાન ગરમ અને ભેજવાળું રહેશે તેવી ચેતવણી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ગઈકાલે અને શહેરોમાં તાપમાનનો પાળો 40 ડિગ્રી થી વધુ હોવાનું નોંધાયું છે જેમાં રાજકોટ સમગ્ર રાજ્યમાં 42.7 ડિગ્રી તાપમાન સાથે ગરમ શહેર જોવા મળ્યું.

જ્યારે અમદાવાદમાં 41.5 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગે ખાસ કરીને 24 અને 25 એપ્રિલ, 2026 ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની ચેતવણી આપી છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમ અને ભેજવાળા પવનોને કારણે લોકોએ ભારે અસ્વસ્થતાનો સામનો કરવો પડી શકે છે. હાલમાં મધ્ય ટ્રોપોસ્ફિયરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે. તેની સાથે જ દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાનને અડીને આવેલા વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. આ ઉપરાંત, દક્ષિણ-પૂર્વ રાજસ્થાનથી ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર સુધી ગુજરાત પરથી એક ટ્રફ લાઇન પસાર થઇ રહી છે. જેની અસર હવામાન પર જોવા મળી રહી છે.

ગરમ અને સૂકા પવનો ફૂંકાવાને કારણે વાતાવરણમાં અસહ્ય ઉકળાટ અને બફારો અનુભવાઈ રહ્યો છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગ અને આરોગ્ય વિભાગે સંયુક્ત રીતે આગામી 29 એપ્રિલ સુધી ’હીટ એલર્ટ’ જાહેર કર્યું છે.આગામી દિવસોમાં પણ ગરમીનું પ્રમાણ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી હોવાથી વહીવટી તંત્ર દ્વારા લોકોને બપોરના સમયે બિનજરૂૂરી બહાર ન નીકળવા અને પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેવા માટે સાવચેત કરવામાં આવ્યા છે. રાજકોટમાં 42.7 ડિગ્રી, અમદાવાદ 41.5 ડિગ્રી, અમરેલી 42.5 ડિગ્રી, ભાવનગર 37.6 ડિગ્રી, ભુજ 41.2 ડિગ્રી, દ્વારકા 31.3 ડિગ્રી, ગાંધીનગર 40.0 ડિગ્રી, કંડલા 36.9 ડિગ્રી, ઓખા 33.7 ડિગ્રી, પોરબંદર 33.9 ડિગ્રી, વેરાવળ 31.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *