સૌરાષ્ટ્ર એસોસિએશનમાં ચાલતી ગેરરીતિઓ તેમજ સૌરાષ્ટ્રના દરેક જિલ્લાના ક્રિકેટ એસોસિએશનને મતદાન હકથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. તેની સામે હાઇકોર્ટમાં થયેલી એક અપીલના ભાગરૂૂપે આજે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં હોદ્દેદારોને બદલે એડમિનિસ્ટ્રેટરની નિમણૂક કરવામાં આવે તેવી માંગણીઓ વચ્ચે આજે હાઇકોર્ટે ચુકાદો આપવાનો હતો પરંતુ છેલ્લી ઘડીએ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા પૂર્વ જસ્ટિસ એમ આર શાહના 68 પાનાના રિપોર્ટની સામે ખુલાસા અને ચોખવટ કરતો 1000 પાનાનો જવાબ હાઇકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા બાદ હાઇકોર્ટે હવે આ કેસની સુનાવણી 11 સપ્ટેમ્બરે નિયત કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર એસોસિએશન સામે અનેક ગંભીર ફરિયાદો થઈ છે. નાણાકીય ગેરરીતિ, પદનો ગેરઉપયોગ સહિતની ફરિયાદો કરવામાં આવી છે. ત્યારે પોરબંદર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા થયેલી ફરિયાદની સુનાવણીના ભાગરૂૂપે આજે હાઇકોર્ટમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સામે ચુકાદો હતો, પરંતુ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના વકીલો દ્વારા 24 ઓગસ્ટના એફિડેવિટ ફાઇલ કરવાની બદલે 29 તારીખે એફિડેવીટ ફાઇલ કરવામાં આવ્યું અને 31 તારીખે હાઇકોર્ટ સમક્ષ કેસનું હિયરિંગ થતાં હાઇકોર્ટે એક વધુ તારીખ આપી છે અને હવે આ અંગેનો નિર્ણય 11 સપ્ટેમ્બરે થશે.
હાઇકોર્ટમાં ચાલેલા આ કેસ સંદર્ભે પૂર્વ ન્યાયાધીશ એમ આર શાહની દરેક ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પદાધિકારીઓને સાંભળવા માટે નિયુક્તિ કરવામાં આવી હતી. રાજકોટના સર્કિટ હાઉસ ખાતે પૂર્વ જસ્ટિસ એમ.આર.શાહ દરેક જિલ્લાના ક્રિકેટ એસોસિયેશનના પ્રતિનિધિઓને સાંભળ્યા હતા. ત્યારબાદ પૂર્વ જસ્ટિસ એમ આર શાહ એ 68 પાનાનો એક રિપોર્ટ હાઇકોર્ટને સોંપ્યો છે. આ રિપોર્ટ અનુસાર પૂર્વ જસ્ટિસ એમ.આર.સાયે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં ચાલતી વિવિધ ગેરરીતિ, પરિવારવાદ મિત્રો, સગા સંબંધીઓને પ્રોત્સાહન તેમજ ઇન્ટરેસ્ટ ઓફ કોન્ફલિક્ટ મુદ્દે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ની ગંભીર ટીકા કરી છે તેમજ ક્રિકેટ એસોસિએશનના ઓડિટર પણ લાઈફ ટાઈમ ક્રિકેટ એસોસિએશનના મેમ્બર હોવાને કારણે ઓડિટની વિશ્વસનીનિયતા પર પણ સવાલ ઊભા કર્યા છે.
આ રિપોર્ટ મુજબ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના જે સભ્યો બન્યા છે તેમાં પણ સગા સંબંધી અને પરિવાર વાદ જોવા મળે છે. ખુદ નિરંજન શાહના અનેક સગા સંબંધીઓ ક્રિકેટ એસોસિએશનના વર્ષોથી મેમ્બર છે અને વોટિંગ રાઈટ ધરાવે છે. જ્યારે વિવિધ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ સેક્રેટરીને કોઈ વોટિંગ રાઈટ્સ મળેલ નથી. ઉપરોક્ત રિપોર્ટ આવ્યા બાદ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા પણ હાઇકોર્ટમાં 1000 પાનાનો એક જવાબ ફાઇલ કરવામાં આવ્યો છે જેમાં પૂર્વ જસ્ટિસ એમ આર શાહના અર્થઘટન સામે ચોખવટ અને ખુલાસા કરવામાં આવ્યા છે. હવે આ મુદ્દે 11 સપ્ટેમ્બરે બંને વકીલો ને સાંભળ્યા બાદ ચુકાદો આવી શકે છે.
