વિકાસકામોના કરોડોના બિલ અટકયા, પૂર્વ એન્જિનિયરના ભવાડાનો ભોગ બનતા લોકો
જૂનાગઢ મેંદરડા તાલુકા પંચાયત કચેરી ખાતે વહીવટી તંત્રની હેરાનગતિ અને વિકાસના કામો ઠપ્પ થઈ જવાના વિરોધમાં તાલુકાના તમામ 42 ગામના સરપંચો અચોક્કસ મુદતની ભૂખ હડતાલ પર બેસી ગયા છે. સરપંચોનો આક્ષેપ છે કે વહીવટી તંત્ર જાણીજોઈને વિકાસ કાર્યો રોકી રહ્યું છે, જેના કારણે પ્રજામાં તેમની છબી ખરડાઈ રહી છે.
બીજી તરફ, તાલુકા પંચાયતના સેક્શન ઓફિસર વિશાલ પોકરે આ સમગ્ર વિવાદ પાછળ પૂર્વ એન્જિનિયર દ્વારા આચરવામાં આવેલી ગંભીર ગેરરીતિઓ, ખોટા એસ્ટીમેટો અને એસ.ઓ.આર.ના નિયમોના ઉલ્લંઘનને મુખ્ય કારણ ગણાવ્યું છે. પૂર્વ એન્જિનિયર સામે હાલ જિલ્લા કક્ષાએથી 29 જેટલી સત્તાવાર તપાસ ચાલતી હોવાથી કરોડો રૂૂપિયાના બિલો અટવાયા હોવાનો સ્ફોટક ખુલાસો તંત્રે કર્યો છે.
સરપંચ યુનિયનના ઉપપ્રમુખ જે. ડી. ખાવડુએ જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ મહિનાથી ગામડાઓમાં થયેલા કામોના એક પણ બિલ ચૂકવવામાં આવ્યા નથી અને છ મહિનાથી નવા કામોની એસ્ટીમેટો ફાઈલોમાં ધૂળ ખાઈ રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા સરપંચોને એક પણ નવું એસ્ટીમેટ આપવામાં આવતું નથી અને નવા કામો શરૂૂ કરવા દેવાતા નથી.
આ બાબતે જિલ્લાના રાજકીય આગેવાનો, વિસ્તારના ધારાસભ્ય અને તાલુકા પંચાયતના પ્રમુખને પણ રૂૂબરૂૂ મળીને રજૂઆત કરવામાં આવી છે. આ આગેવાનો જ્યારે સરપંચોની સાથે આવીને જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરે છે, ત્યારે અવારનવાર માત્ર એવું આશ્વાસન જ આપવામાં આવતું હતું કે બે દિવસમાં એસ્ટીમેટો મંજૂર થઈ જશે અને બિલો થઈ જશે. પરંતુ આજ તારીખ સુધી વહીવટી તંત્રે કોઈ પણ પ્રકારના બિલ પાસ કર્યાં નથી. તેમણે વધુમાં ઉમેર્યું કે, આ વહીવટી શિથિલતાના કારણે અમુક કામોની સત્તાવાર મુદત પણ પૂરી થઈ ગઈ છે અને મુદત વધારો પણ આપવામાં આવતો નથી.
આજે 42 ગામના સરપંચો કચેરી ખાતે એકત્રિત થયા છે કારણ કે ગ્રામ્ય સ્તરે વિકાસના કામો રૂૂંધાયા છે. ગામના લોકો સરપંચો ઉપર ઢોળે છે કે સરપંચો ઈરાદાપૂર્વક કામ કરતા નથી, પરંતુ વાસ્તવિકતા એ છે કે સરકારી વહીવટી તંત્ર જ તેમને કામ કરવા દેતું નથી. આ પરિસ્થિતિથી કંટાળીને અગાઉ 17 તારીખ સુધીનું અલ્ટીમેટમ આપ્યું હતું, જે પૂર્ણ થતાં આજે તમામ સરપંચો ભૂખ હડતાલ ઉપર બેઠા છે.
જૂના ઈજનેરે ખોટા બિલ બનાવ્યા
મેંદરડા તાલુકા પંચાયતના જઘ વિશાલ પોકરે જણાવ્યું કે, મેંદરડા તાલુકાના અનેક વિકાસ કાર્યોના એસ્ટીમેટ પૂર્વ એન્જિનિયર દ્વારા ભૂલભરેલા અને ખોટા બનાવવામાં આવ્યા હતા. ગત 12મી જાન્યુઆરીના રોજ તેમને બદલી અહીં થયા બાદ તેમણે ફાઇલોની ચકાસણી કરી તો માલુમ પડ્યું કે આ તમામ બિલો ઓક્ટોબરથી ડિસેમ્બર માસના સમયગાળાના હતા, જે જૂના એન્જિનિયરના કાર્યકાળમાં થયા હતા. માર્ગ અને મકાન વિભાગ ના નિયમ અનુસાર, જે તે એન્જિનિયરે જે કામ કરાવ્યું હોય, તે જ તેનું બિલ બનાવી શકે અને માપણી પણ તેના દ્વારા જ થઈ શકે, જેના કારણે તે બિલો પેન્ડિંગ રાખવા પડ્યા છે.
