CMOમાં સંજીવકુમારની એન્ટ્રી, અશ્ર્વિની કુમાર-અવંતિકાસિંહની વિદાય

26 આઇ.એ.એસ. અધિકારીઓની બદલી: વિક્રાંત પાંડેનુ સ્ટેટસ બદલાયું, દિલ્હીથી પરત ફરેલા અજય કુમારને મુખ્યમંત્રીના સચિવ બનાવાયા શિક્ષણ વિભાગની બે ભાગમાં વહેંચણી; મુકેશ કુમારને ઉચ્ચ શિક્ષણ…

26 આઇ.એ.એસ. અધિકારીઓની બદલી: વિક્રાંત પાંડેનુ સ્ટેટસ બદલાયું, દિલ્હીથી પરત ફરેલા અજય કુમારને મુખ્યમંત્રીના સચિવ બનાવાયા

શિક્ષણ વિભાગની બે ભાગમાં વહેંચણી; મુકેશ કુમારને ઉચ્ચ શિક્ષણ અને તોરવણેને પ્રાથમિકની જવાબદારી, ઉદ્યોગ-પર્યટનનો હવાલો રાજેન્દ્ર કુમારને

ગાંધીનગરના સચિવાલયમાં મંગળવારે મોટી હલચલ જોવા મળી હતી. ગુજરાત સરકારે વહીવટી માળખામાં મોટાપાયે સર્જરી કરતા 26 વરિષ્ઠ IAS અધિકારીઓની બદલીના આદેશો જારી કર્યા છે. આ ફેરફારોમાં સૌથી વધુ ચર્ચા મુખ્યમંત્રી કાર્યાલય (CMO) ને લઈને છે. વન અને પર્યાવરણ વિભાગના સંજીવ કુમારને હવે મુખ્યમંત્રીના પ્રિન્સિપાલ સેક્રેટરી (અગ્ર સચિવ) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે અવંતિકા સિંઘને CMO માંથી મુક્ત કરી GSPC ની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. આજ રીતે સી.એમ.ઓ.માંથી અશ્ર્વિની કુમારમાંથી વિદાય થઇ છે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 26 જેટલા સિનિયર સનદી અધિકારીઓની બદલીના આદેશો કરવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનાક્રમમાં મુખ્યમંત્રી કાર્યાલયના સેટઅપમાં કરવામાં આવેલા ફેરફારો કેન્દ્રસ્થાને રહ્યા છે.

સરકારે CMOની ટીમમાં નવા ચહેરાઓને સ્થાન આપ્યું છે. 1998 બેચના અનુભવી IAS અધિકારી સંજીવ કુમાર, જેઓ અત્યાર સુધી વન અને પર્યાવરણ વિભાગમાં ફરજ બજાવતા હતા, તેમને હવે મુખ્યમંત્રીના અગ્ર સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની આ નિમણૂક સાથે જ તેમને ગૃહ વિભાગના અગ્ર સચિવનો વધારાનો ચાર્જ પણ આપવામાં આવ્યો છે, જે દર્શાવે છે કે સરકારનો તેમના પર ભરોસો વધ્યો છે.

આ ઉપરાંત, CMOમાં અન્ય બે મહત્વના ફેરફારો થયા છે. ડો. વિક્રાંત પાંડેના હોદ્દાનું નામ બદલીને હવે તેમને “મુખ્યમંત્રીના એડિશનલ પ્રિન્સિપાલ સેક્રેટરી” તરીકે ઓળખવામાં આવશે અને સાથે જ માહિતી અને પ્રસારણ વિભાગનો હવાલો પણ સોંપવામાં આવ્યો છે. જ્યારે ડેપ્યુટેશન પરથી પરત ફરેલા અજય કુમારને મુખ્યમંત્રીના સચિવ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.

લાંબા સમયથી મુખ્યમંત્રી કાર્યાલયમાં એડિશનલ પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા અશ્ર્વિની કુમારની બદલી એનર્જી અને પેટ્રોકેમિકલ્સ વિભાગ હેઠળ કરવામાં આવી છે. તેમને ગુજરાત સરકારના પ્રતિષ્ઠિત સાહસ ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન (GSPC ) ના મેનેજિંગ ડિરેક્ટર તરીકે મૂકવામાં આવ્યા છે. આ સાથે તેઓ GSPC LNG લિમિટેડ અને ગુજરાત ગેસ લિમિટેડના ખઉ તરીકેનો વધારાનો હવાલો પણ સંભાળશે.
નાગરિકોને સીધી સ્પર્શતી સેવાઓમાં પણ ફેરફારો કરાયા છે. ટેક્સ વિભાગમાં મોટા ફેરફારો કરનાર સ્ટેટ ટેક્સ કમિશનર તરીકે ફરજ બજાવતા રાજીવ ટોપનોને હવે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્ર સચિવ બનાવવામાં આવ્યા છે. શિક્ષણ વિભાગમાં બે ભાગમાં વહેંચણી કરવામાં આવી છે; મુકેશ કુમારને ઉચ્ચ અને તકનીકી શિક્ષણના અગ્ર સચિવ તરીકે, જ્યારે મિલિંદ તોરવણેને પંચાયત વિભાગમાંથી લાવીને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે.

કૃષિ અને સહકાર વિભાગમાં પણ મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. બંદરો અને પરિવહન વિભાગના અગ્ર સચિવ તરીકે ફરજ બજાવતા રમેશ ચંદ મીણા, IAS ને બદલી કરીને કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અગ્ર સચિવ તરીકે મુકવામાં આવ્યા છે. આ વિભાગમાં અરુણકુમાર એમ. સોલંકી, ઈંઅજને અધિક મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને તેઓ ગુજરાત રાજ્ય વેરહાઉસિંગ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર તરીકેનો વધારાનો હવાલો પણ સંભાળશે.

મહેસૂલ અને નાણાં વિભાગમાં પણ જવાબદારી બદલાઈ છે. રાજેશ માંઝુ, IAS ને સ્ટેમ્પ્સ અને નોંધણી મહાનિરીક્ષકનો વધારાનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે, જ્યારે આરતી કંવર, IAS ને નાણાં વિભાગ (આર્થિક બાબતો) ના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

આરોગ્ય, શ્રમ અને સામાજિક ન્યાય વિભાગમાંથી સંધ્યા ભુલ્લર, IAS ને આરોગ્ય કમિશનર (શહેરી) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે હર્ષદકુમાર પટેલ, ઈંઅજને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના સચિવ તરીકે મુકવામાં આવ્યા છે. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના સચિવ તરીકે લોચન સેહરાની નિમણૂક કરવામાં આવી છે.ઉદ્યોગ, પર્યટન અને નાગરિક ઉડ્ડયન વિભાગમાં ફેરફાર કરતા રાજેન્દ્ર કુમારને પરિવહન કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે કુલદીપ આર્યને ઉદ્યોગ અને ખાણ વિભાગના સચિવ તરીકે મુકવામાં આવ્યા છે. તેઓ ધોલેરા SIR તથા મંડલ-બેચરાજી SIR ના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકેનો વધારાનો હવાલો પણ સંભાળશે.આ ઉપરાંત ક્લાયમેટ ચેન્જ વિભાગમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. રાહુલ બાબુલાલ ગુપ્તાની બદલી કરવામાં આવી છે અને તેઓ આગામી આદેશો સુધી ક્લાયમેટ ચેન્જ વિભાગના સચિવ પદનો વધારાનો કાર્યભાર પણ સંભાળશે. જ્યારે સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગના મુખ્ય સચિવ તરીકે ફરજ બજાવતા મોહમ્મદ શાહિદને બદલી કરીને આદિજાતિ વિકાસ વિભાગના મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *