ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી પાંચ મેચોની ટી-20 સીરીઝમાં ભારતની વિજયકૂચ પર બ્રેક લાગી છે. વિશાખાપટ્ટનમના ACA VDCA ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ચોથી ટી-20 મેચમાં પ્રવાસી ન્યુઝીલેન્ડ ટીમે વળતો પ્રહાર કરીને ભારતને 50 રનથી કારમી હાર આપી છે. ભારતીય ટીમની આ હારમાં કોઈ એક કારણ જવાબદાર નથી, પરંતુ પાંચ મોટા ખેલાડીઓના નિરાશાજનક પ્રદર્શને મેચનું પાસું પલટી નાખ્યું હતું.
1. સંજુ સેમસન : તક વેડફી નાખી : વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસનનું બેટ આખી સીરીઝમાં શાંત રહ્યું છે. જ્યારે ટીમને મોટી ઇનિંગની જરૂૂર હતી, ત્યારે ફરી એકવાર તે નિષ્ફળ ગયો. તેણે સારી શરૂૂઆત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ 15 બોલમાં માત્ર 24 રન બનાવીને પેવેલિયન ભેગો થયો. તેની સતત નિષ્ફળતા ટીમ માટે ચિંતાનો વિષય બની છે.
2. સૂર્યકુમાર યાદવ : કેપ્ટનશીપ ઇનિંગનો અભાવ : ઓપનર અભિષેક શર્મા ઇનિંગના પહેલા જ બોલે આઉટ થયા બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવ પર ટીમને સંભાળવાની જવાબદારી હતી. પરંતુ ’મિસ્ટર 360’ તરીકે ઓળખાતા સૂર્યા દબાણમાં વિખેરાઈ ગયા. તે માત્ર 8 બોલમાં 8 રન બનાવીને જેકબ ડફીનો શિકાર બન્યો. કેપ્ટનના આઉટ થવાથી મિડલ ઓર્ડર પર દબાણ વધી ગયું હતું.
3. હાર્દિક પંડ્યા : અનુભવ કામ ન આવ્યો : સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પાસેથી રન ચેઝમાં સૌથી વધુ અપેક્ષા હતી. પરંતુ તે બેટિંગમાં સાવ ફ્લોપ રહ્યો. કટોકટીના સમયે જ્યારે ટકીને રમવાનું હતું ત્યારે હાર્દિક માત્ર 5 બોલમાં 2 રન બનાવીને આઉટ થઈ ગયો. તેનું આઉટ થવું મેચનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયું.
4. હર્ષિત રાણા : બોલિંગ અને બેટિંગ બંનેમાં ફ્લોપ : યુવા ખેલાડી હર્ષિત રાણા માટે આજનો દિવસ ભૂલવા જેવો રહ્યો. બોલિંગમાં તેણે કિવી બેટ્સમેનોને છૂટો દોર આપ્યો. પોતાની 4 ઓવરમાં તેણે એક પણ વિકેટ લીધા વિના 54 રન લૂંટાવી દીધા. બેટિંગમાં પણ તે કંઈ કમાલ કરી શક્યો નહીં અને 13 બોલમાં 9 રન બનાવીને આઉટ થયો.
5. રવિ બિશ્નોઈ : સ્પિનનો જાદુ ન ચાલ્યો : વિશાખાપટ્ટનમની પીચ પર સ્પિનર રવિ બિશ્નોઈ પાસેથી વિકેટની અપેક્ષા હતી, પરંતુ તે ખૂબ મોંઘો સાબિત થયો. તેણે પોતાની 4 ઓવરના સ્પેલમાં 49 રન આપ્યા અને માત્ર 1 સફળતા મેળવી શકી. મિડલ ઓવર્સમાં રન રોકવામાં નિષ્ફળતા ભારતને ભારે પડી.
