આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયા દાઉદનો ખાસ સલીમ ડોસા ઝડપાયો

ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ દ્વારા આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયાઓ અને ગેરકાયદેસર નશાના કારોબાર સામે એક અત્યંત મોટી અને સફળ કાર્યવાહી કરવામાં આવી છે. એટીએસના વર્ષ 2022ના…

ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ દ્વારા આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયાઓ અને ગેરકાયદેસર નશાના કારોબાર સામે એક અત્યંત મોટી અને સફળ કાર્યવાહી કરવામાં આવી છે. એટીએસના વર્ષ 2022ના બહુચર્ચિત અને હાઈ-પ્રોફાઈલ ડ્રગ્સ કેસમાં લાંબા સમયથી વોન્ટેડ અન્ડરવર્લ્ડ સાથે કનેક્શન ધરાવતા સલીમ ઈસ્માઈલ ડોલાની વિધિવત કસ્ટડી મેળવી લેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે વડોદરાના સિંધરોટ ખાતેથી ઝડપાયેલી એમડી ડ્રગ્સ ફેક્ટરીમાંથી રૂૂ. 438.64 કરોડનું મોટું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. આ સમગ્ર ગેરકાયદેસર નેટવર્કનો મુખ્ય સૂત્રધાર સલીમ ડોલા હતો અને તેની સામે ઈન્ટરપોલ દ્વારા પણ રેડ કોર્નર નોટિસ પણ ઈશ્યૂ કરવામાં આવી હતી. આ હાઈ-પ્રોફાઈલ આરોપીની અટકાયત અને કસ્ટડીથી હવે આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટના અનેક મોટા ખુલાસાઓ થવાની શક્યતા સેવાઈ રહી છે.

વડોદરા જિલ્લાના સિંધરોટ ગામ ખાતે આવેલ એક મેન્યુફેક્ચરિંગ યુનિટ તથા ફેક્ટરી ઉપર ગુજરાત એ.ટી.એસ. દ્વારા તા. 01/12/2022ના રોજ દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં મેફેડ્રોન ડ્રગ્સ બનાવવાની એક ગેરકાયદેસર ફેક્ટરી ઝડપાઇ હતી. આ કાર્યવાહીમાં અંદાજે 87.728 કિલોગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત આશરે રૂૂ. 438.64 કરોડ જેટલી થવા આંકવામાં આવી હતી. આ ગંભીર ગુનામાં અગાઉ કુલ 10 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને ગુજરાત એ.ટી.એસ. ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો.

તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે પકડાયેલા આરોપીઓ મુંબઈના સલીમ ઇસ્માઇલ ડોલાના સંપર્કમાં રહીને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવતા હતા. સલીમ ડોલા વિદેશમાં રહીને આંતરરાષ્ટ્રીય સ્તરે ડ્રગ્સના નેટવર્કનું સંચાલન કરતો હોવાથી ગુજરાત એ.ટી.એસ. દ્વારા તેની સામે ઇન્ટરપોલ મારફતે ’રેડ કોર્નર નોટિસ’ જારી કરાવવામાં આવી હતી. લાંબી કાનૂની અને આંતરરાષ્ટ્રીય સ્તરની સઘન શોધખોળ બાદ તા. 31/10/2026ના રોજ આ વોન્ટેડ આરોપીનો કબ્જો મેળવવામાં સફળતા મળી છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે તે કુખ્યાત ગેંગસ્ટર ઇકબાલ મિર્ચીના સમયથી ડ્રગ્સની હેરાફેરીના કારોબાર સાથે સંકળાયેલો હતો અને દુબઈથી આખો વહીવટ ચલાવતો હતો.

હાલ ગુજરાત એ.ટી.એસ. દ્વારા આરોપીની સઘન પૂછપરછ શરૂૂ કરવામાં આવી છે, જેમાં ડ્રગ્સ બનાવવા માટેનો કાચો માલ ક્યાંથી આવતો હતો, નાણાકીય વ્યવહારો કઈ રીતે થતા હતા અને આ નેટવર્કમાં કયા અન્ય મોટા માફિયાઓ સંડોવાયેલા છે તે તમામ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયા સલીમ ડોલાનો ગુનાહિત ભૂતકાળ વર્ષ 1998માં મુંબઈ એરપોર્ટ પરથી 40 કિલો મેન્ડ્રેક્સ તથા વર્ષ 2012માં 80 કિલો ગાંજા સાથે પકડાવાના કેસોથી શરૂૂ થયો હતો. ડિસેમ્બર 2018માં ફેન્ટાનિલના 100 કિલો પ્રિકર્સર કેમિકલ કેસમાં ધરપકડ બાદ જામીન મેળવીને તે કાયદાની આંખમાં ધૂળ નાખી વિદેશ ભાગી ગયો હતો. વિદેશમાં રહીને પણ તે 2024ના સાંગલી એમડી ડ્રગ્સ કેસ સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતો હોવાથી માર્ચ 2024માં તેની સામે ઈન્ટરપોલ દ્વારા રેડ કોર્નર નોટીસ જાહેર કરવામાં આવી હતી.

નાર્કોટેસ્ટ બ્યુરોના ’ઓપરેશન ગ્લોબલ હંટ’ હેઠળ તેની સફળતાપૂર્વક અટકાયત કરી 28 એપ્રિલના રોજ તુર્કીમાંથી ભારત લાવવામાં આવ્યો હતો. તે તુર્કીમાં ’હમઝા’ નામ ધારણ કરીને અને બલ્ગેરિયાના પાસપોર્ટનો ઉપયોગ કરીને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સનું નેટવર્ક ચલાવતો હતો.

અન્ડરવર્લ્ડ સાથે કનેક્શન ધરાવતો સલીમ આંતરરાષ્ટ્રીય સ્તરે મોટો ડ્રગ માફિયા બન્યો
ડ્રગ્સ તસ્કરીની દુનિયામાં કુખ્યાત નામ ધરાવતો સલીમ ડોલા શરૂૂઆતમાં સામાન્ય ગુના આચર્યા બાદ ધીમે-ધીમે નશાના કારોબારમાં આગળ વધીને મોટો ડ્રગ માફિયા બન્યો હતો. તપાસ દરમિયાન એ પણ સામે આવ્યું છે કે તેના દાઉદ ઈબ્રાહિમના મહત્વના સભ્ય છોટા શકીલ સાથે પણ ગાઢ સંબંધો હતા. શકીલની મદદથી સલીમ શરૂૂઆતમાં મુંબઈમાં ગાંજો સપ્લાય કરતો હતો. ત્યાર બાદ તેણે મોટા પાયે આંતરરાષ્ટ્રીય સ્તરે ડ્રગ્સની હેરાફેરી શરૂૂ કરી હતી. સલીમ ઇસ્માઇલ ડોલા વિરુદ્ધ દેશના અલગ-અલગ શહેરો તથા તપાસ એજન્સીઓ સમક્ષ અગાઉ અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. વર્ષ 1998માં મુંબઈ એરપોર્ટ પરથી મેન્ડ્રેક્સ જથ્થા સાથે તેની ધરપકડ થઈ હતી, તેમજ વર્ષ 2018માં રૂૂ. 1,000 કરોડના ફેન્ટાનિલ ડ્રગ્સ કેસ અને વર્ષ 2022-25 દરમિયાન એન.સી.બી., ડી.આર.આઈ., અને ઈ.ડી. જેવી કેન્દ્રીય એજન્સીઓ દ્વારા પણ તેની વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *