ગીરગઢડા તાલુકાના દ્રોણેશ્વર ડેમમાં નાહવા ગયેલા ઉત્તરપ્રદેશના એક સાધુનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં ગીરગઢડા પોલીસ અને સ્થાનિક તરવૈયાઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, સનાતનપુરી બાપુ ઉર્ફે શિવમ દેવસરમણ પાઠક (ઉંમર 28), મૂળ હંસાપુરી જોરાઈ, મોહમદપુરા, સુલતાનપુર, ઉત્તરપ્રદેશના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તેઓ છેલ્લા બે-ત્રણ વર્ષથી ગીરગઢડા પંથકમાં અલગ-અલગ જગ્યાએ રહી સાધુ જીવન વિતાવતા હોવાનું જાણવા મળ્યું છે.આજે તેઓ દ્રોણેશ્વર ડેમ ખાતે નાહવા ગયા હતા. દરમિયાન પાણીમાં જતા પગ લપસી જતાં તેઓ ડેમના પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. બનાવની જાણ થતાં સ્થાનિક તરવૈયાઓ તથા ગીરગઢડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. શોધખોળ બાદ સાધુનો મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.
પોલીસે મૃતદેહનો કબજો મેળવી ગીરગઢડા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. બનાવ અંગે પોલીસે અકસ્માતે મોતની નોંધ સહિતની કાર્યવાહી હાથ ધરી છે અને ઘટનાના કારણ અંગે વિવિધ દિશામાં તપાસ શરૂૂ કરી છે. ગીરગઢડા પીએસઆઇ સિંધવે જણાવ્યું હતું કે, મૃતક સાધુ ઉત્તરપ્રદેશના રહેવાસી હોવાની ઓળખ થઈ છે. તેમના પરિવારજનોને બનાવ અંગે જાણ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
