જામનગરમાં લુખ્ખા બેફામ : દરેડ ગામમાં ગાળો બોલવાની ના પાડતા માતા-પુત્ર-પુત્રી પર હુમલો

જામનગર નજીક દરેડ ગામમાં પાણીના ટાંકા પાસે રહેતા એક પરિવારના સભ્યોને ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાયેલા શખસે લાકડાના ધોકાથી હુમલો કરી યુવક, તેની માતા અને…

જામનગર નજીક દરેડ ગામમાં પાણીના ટાંકા પાસે રહેતા એક પરિવારના સભ્યોને ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાયેલા શખસે લાકડાના ધોકાથી હુમલો કરી યુવક, તેની માતા અને બહેનને ઈજા પહોંચાડ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે.

દરેડ ગામમાં પાણીના ટાંકા પાસે રહેતા અને મજૂરીકામ કરતા અજયસિંહ નારૂૂભા રાઠોડ (ઉંમર 40)ની ફરિયાદ મુજબ, ગત તા. 21 ઓક્ટોબરની રાત્રે આશરે 10 વાગ્યે તેઓ ઘરે હતા ત્યારે બાજુમાં આવેલી ખોલીના માલિક વિજયભાઈ રબારી તથા અન્ય ચાર-પાંચ વ્યક્તિઓ મુરલીધર કોલ્ડ્રિંક્સ નામની દુકાન પાસે ઊભા રહી દુકાનના માલિક વિમલભાઈ આહીરને ગાળો ભાંડી રહ્યા હતા. આથી અજયસિંહે બહાર આવી ગાળો બોલવાની ના પાડી હતી. ત્યારબાદ તેઓ પોતાના ઘર તરફ જતા હતા ત્યારે વાદળી અને કાળા રંગના ચોકડીવાળો શર્ટ પહેરેલા શખસે ઉશ્કેરાઈને ત્યાં પડેલો લાકડાનો ધોકો ઉઠાવી તેમના ડાબા હાથમાં માર્યો હતો.

આ દરમિયાન અજયસિંહનાં માતા નંદુબા તેમને છોડાવવા વચ્ચે પડતાં આરોપીએ તેમના ડાબા હાથમાં પણ ધોકો માર્યો હતો. ત્યારબાદ આરોપી ત્યાંથી ભાગવા લાગતાં અજયસિંહનો ભાણેજ યુગરાજ તેની પાછળ ગયો હતો. અજયસિંહનાં નાનાં બહેન સોનલબા પણ આરોપીની પાછળ દોડ્યાં હતાં. થોડે આગળ જતાં આરોપીએ યુગરાજને મારવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે વચ્ચે પડેલાં સોનલબાને ડાબા હાથમાં ધોકો મારી ઈજા પહોંચાડી હતી અને ત્યારબાદ આરોપી નાસી છૂટ્યો હતો.

ત્રણેય ઈજાગ્રસ્તોને 108 મારફતે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં અજયસિંહને ડાબા હાથની બે આંગળીઓમાં ફ્રેક્ચર જેવી ઈજા, સોનલબાને ડાબા હાથના કાંડાના ભાગે ફ્રેક્ચર જેવી ઈજા અને નંદુબાને ડાબા હાથની કાંડીએ મૂઢમારની ઈજા થઈ હોવાનું તબીબી તપાસમાં જાણવા મળ્યું હતું. ફરિયાદમાં વધુમાં જણાવ્યા મુજબ, બાજુમાં રહેતા વિજયભાઈ રબારીએ હુમલો કરનાર શખસનું નામ જયદીપભાઈ આહીર હોવાનું જણાવ્યું હતું. પરિવારના સભ્યો સારવારમાં રોકાયેલા હોવાથી હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *