મુંબઈ ઇન્ડિયન્સે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2027 માટે નવા કોચિંગ ગ્રુપની નિમણૂકની જાહેરાત કરી છે. હેડ કોચ કાયરન પોલાર્ડના કોચિંગ સ્ટાફમાં રોબિન ઉથપ્પા બેટિંગ કોચ, મિચલ મેક્લેનેગ બોલિંગ કોચ, ટી. દિલીપ ફીલ્ડિંગ કોચ અને ધવલ કુલકર્ણી ડેવલપમેન્ટ બોલિંગ કોચ તરીકે જોડાયા છે.
IPLમાં 6 ટીમો માટે રમનાર 40 વર્ષનો રોબિન ઉથપ્પા લીગની પહેલી જ સીઝનમાં મુંબઈ ઇન્ડિયન્સનો ભાગ હતો. તેણે 2014માં કોલકાતા નાઇટ રાઇડર્સ અને 2021માં ચેન્નઈ સુપર કિંગ્સ સાથે ટાઇટલ જીત્યું હતું. 205 IPL મેચોમાં રોબિન ઉથપપ્પાએ 27 ફિફ્ટીની મદદથી 4952 રન કર્યા હતા. ન્યુ ઝીલેન્ડનો ભૂતપૂર્વ ફાસ્ટ બોલર મિચલ મેક્લેનેગ 2015થી 2020 વચ્ચે મુંબઈ માટે રમીને ચાર વખત IPL ટ્રોફી ઉપાડી ચૂક્યો છે. IPLમાં માત્ર મુંબઈ માટે જ રમીને તેણે 56 મેચોમાં 71 વિકેટ લીધી હતી.
ભારતીય પુરુષ ટીમ સાથેના સફળ કાર્યકાળ પછી ટી. દિલીપ મુંબઈ ઇન્ડિયન્સની ફીલ્ડિંગ સમસ્યામાં સુધારો કરશે. બે T20 વર્લ્ડ કપ અને એક ઈંઈઈ ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર ભારતીય કોચિંગ સ્ટાફનો તે ભાગ રહ્યો છે. મુંબઈનો 37 વર્ષનો ધવલ કુલકર્ણી IPLમાં 3 ટીમો માટે રમીને 92 મેચમાં 86 વિકેટ લઈ ચૂક્યો છે. 2008થી 2013 અને 2020-2021 વચ્ચે મુંબઈ માટે રમીને તેણે 2013 અને 2020માં ટ્રોફી પણ ઉપાડી હતી. મુંબઈ ક્રિકેટમાં જાણીતું નામ હોવા ઉપરાંત તે બહોળો અનુભવ, ભારતીય પરિસ્થિતિઓની ઊંડી સમજ અને મુંબઈ ઇન્ડિયન્સ સાથે ગાઢ જોડાણ ધરાવે છે.
