સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશ હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે આપ્યો છે, જેમાં એક ન્યાયિક અધિકારીની બરતરફીને રદ કરી તેમને ફરીથી નોકરીએ લેવાનો ઓર્ડર કર્યો હતો. અધિકારી પર ટ્રેનમાં હોબાળો મચાવવાનો, મહિલા મુસાફરની સામે અભદ્ર વર્તન કરવાનો અને ટ્રેનના ડબ્બામાં પેશાબ કરવાનો આરોપ હતો.સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ ઘટના આઘાતજનક હતી. ન્યાયાધીશ સંદીપ મહેતાએ જણાવ્યું હતું કે, અધિકારીએ ટ્રેનના ડબ્બામાં પેશાબ કર્યો એ સમયે ત્યાં એક મહિલા હાજર હતી. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ મહેતાની બેન્ચે કેસની સુનાવણી કરી.સુનાવણી દરમિયાન આ મામલામાં પ્રતિવાદી (હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ)નું પ્રતિનિધિત્વ કરતા વકીલે કોર્ટને જાણ કરી હતી કે, અધિકારીના તબીબી તપાસ અહેવાલ જણાવે છે કે, ઘટના સમયે તે નશામાં નહોતા.
મામલો એ છે કે મધ્યપ્રદેશમાં એક સિવિલ જજ (સેક્ધડ ક્લાસ) ને 2018માં ટ્રેનમાં હોબાળો મચાવવા બદલ બરતરફ કરવામાં આવ્યા હતા. તેમના પર નશાની હાલતમાં ટ્રેનમાં અન્ય મુસાફરો સાથે ગેરવર્તન કરવાનો અને ટીટીઈ સાથે દુર્વ્યવહાર કરવાનો આરોપ હતો. આરોપો અનુસાર સિવિલ જજે એક મહિલા મુસાફર તરફ અશ્ર્લીલ ઈશારા કર્યા અને સીટ પર પેશાબ કર્યો. તેમણે પોતાનું ઓળખપત્ર બતાવીને ટ્રેનમાં મુસાફરોને ધમકી પણ આપી.
એવો પણ આરોપ છે કે તેઓ પરવાનગી વિના અથવા જિલ્લા ન્યાયાધીશ/નિયંત્રણ અધિકારીને જાણ કર્યા વિના મુસાફરી કરી રહ્યા હતા. આ ઘટના બાદ ન્યાયિક અધિકારી સામે બે કાર્યવાહી (ફોજદારી અને વિભાગીય) શરૂૂ કરવામાં આવી હતી. તેમની ધરપકડ પછી તેમને જામીન આપવામાં આવ્યા હતા. પરંતુ તેમણે તેમના નિયંત્રણ અધિકારીને ઘટના વિશે જાણ કરી ન હતી.
તેમને ફોજદારી કાર્યવાહીમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા કારણ કે સાક્ષીઓ ફરી ગયા હતા. વિભાગીય કાર્યવાહી દરમિયાન ઘણા લોકોએ સિવિલ જજના અભદ્ર વર્તન અને સત્તાના દુરુપયોગની જાણ કરી હતી.
તપાસ અધિકારીને આરોપો સાચા લાગ્યા પછી વહીવટી સમિતિએ સિવિલ જજને પદ પરથી હટાવવાની ભલામણ કરી. હાઈકોર્ટની પૂર્ણ ખંડપીઠે ન્યાયાધીશ પર લાદવામાં આવેલી સજાને મંજૂરી આપી. રાજ્યપાલે તેમની સામે બરતરફીનો આદેશ જારી કર્યો. ત્યાર બાદ સિવિલ જજે હાઈકોર્ટમાં અપીલ કરી. હાઈકોર્ટની એક ડિવિઝન બેન્ચે રાજ્યપાલ દ્વારા જારી કરાયેલ બરતરફીના આદેશને રદ કરી ફરીથી નોકરીએ રાખવાનો આદેશે આપ્યો.
હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલે આ આદેશને પડકારતી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે ઘટના સમયે ન્યાયિક અધિકારીનું વર્તન ન્યાયાધીશને સંપૂર્ણપણે અયોગ્ય હતું. ઘટનાના મીડિયા કવરેજથી ન્યાયતંત્રની ગરિમાને નુકસાન થયું.
