લોકમેળામાં રાઇડ્સ સંચાલકોને બખ્ખા, રમકડાં-ફાસ્ટફૂડના વેપારીઓ નિરાશ

પાંચ દિવસમાં કુલ 14,14,885 મુલાકાતીઓએ મેળો માણ્યો, અંતિમ દિવસે માલ ખાલી કરવા વેપારીઓએ 50% ડિસ્કાઉન્ટની સેલ શરૂ કરી સૌરાષ્ટ્રના સૌથી મોટા અને સુપ્રસિદ્ધ એવા રાજકોટના…

પાંચ દિવસમાં કુલ 14,14,885 મુલાકાતીઓએ મેળો માણ્યો, અંતિમ દિવસે માલ ખાલી કરવા વેપારીઓએ 50% ડિસ્કાઉન્ટની સેલ શરૂ કરી

સૌરાષ્ટ્રના સૌથી મોટા અને સુપ્રસિદ્ધ એવા રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે આયોજિત પાંચ દિવસીય ’વિરાસતથી વિકાસ’ લોકમેળો ગઈકાલે રાત્રે રંગેચંગે સંપન્ન થયો હતો. આ વર્ષે મેળામાં ભારે જનમેદની ઉમટી પડી હતી અને સમગ્ર મેળાવડા દરમિયાન કુલ 14,14,885 લોકોએ લોકમેળાની મુલાકાત લઈને આનંદ-પ્રમોદ માણ્યો હતો. જોકે, મેળાના આર્થિક સરવૈયામાં આ વખતે ભારે વિરોધાભાસ જોવા મળ્યો છે. એક તરફ યાંત્રિક રાઇડ્સના સંચાલકો માટે મેળો અત્યંત કમાઉ સાબિત થયો છે, તો બીજી તરફ ફાસ્ટફૂડ, ખાદ્યસામગ્રી અને રમકડાંના વેપારીઓને અપેક્ષા મુજબનો ધંધો ન મળતાં ભારે નિરાશા સાંપડી છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ મેળામાં આવેલા ખેલૈયાઓ અને મુલાકાતીઓનો સૌથી વધુ ઝુકાવ યાંત્રિક ચકડોળ અને સાહસિક રાઇડ્સ તરફ જોવા મળ્યો હતો. મેળાના પ્રારંભિક દિવસોમાં સુરક્ષા અને મંજૂરી બાબતે રહેલા વિલંબ બાદ જેમ જ રાઇડ્સ શરૂૂ થઈ, તેમ લોકોએ રાઇડ્સની મજા માણવા માટે લાંબી લાઇનો લગાવી હતી. પરિણામે રાઇડ્સ સંચાલકોએ મબલખ આવક રળી હતી.

તેનાથી વિપરીત, ફાસ્ટફૂડના સ્ટોલ ધારકો, ખાણીપીણીની દુકાનો અને રમકડાંના ફેરિયાઓ માટે આ મેળો મોળો સાબિત થયો હતો. વેપારીઓના જણાવ્યા અનુસાર, મોંઘવારી અને લોકોના બજેટમાં થયેલા ફેરફારોને કારણે મુલાકાતીઓએ ખાણીપીણી અને રમકડાંની ખરીદી પર ભારે કાપ મૂક્યો હતો. સ્ટોલનું ઊંચું ભાડું અને મંડપના ખર્ચ સામે ધંધો ઓછો થતાં અનેક નાના-મોટા વેપારીઓની ગણતરીઓ ઊંધી પડી હતી.
મેળાના અંતિમ દિવસે અને મેળો પૂર્ણ થયા બાદ પણ વધેલો સ્ટોક અને રમકડાંનો જથ્થો પરત લઈ જવાનો પરિવહન ખર્ચ બચાવવા માટે ફેરિયાઓ તથા રમકડાંના વેપારીઓએ નવી યોજના અપનાવી હતી. વેપારીઓએ પોતાના સ્ટોલ પર “50% ડિસ્કાઉન્ટ” અને “સેલ”ના બોર્ડ લગાવીને માલ વેચવાનું શરૂૂ કરી દીધું હતું. મેળાના અંતિમ ચરણમાં અને મેળો પૂર્ણ થયા પછીના દિવસે પણ રાહતદરે રમકડાં અને અન્ય વસ્તુઓ ખરીદવા માટે સ્થાનિક લોકોની ભારે ભીડ જામી હતી.

જિલ્લા વહીવટી તંત્ર અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આટલી મોટી સંખ્યામાં આવેલા 14 લાખથી વધુ મુલાકાતીઓની સુરક્ષા અને સુવિધા માટે વ્યાપક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પૂરતો પોલીસ કાફલો, સીસીટીવી સર્વેલન્સ અને હેલ્થ ટીમો સતત કાર્યરત રહી હતી. એકંદરે કોઈપણ મોટી અપ્રિય ઘટના વગર 14,14,885 લોકોની ઉપસ્થિતિમાં આ લોકમેળો સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *