વીરપુરમાં સ્પીડ બ્રેકરના વિરોધમાં રિક્ષાચાલકોની સજ્જડ હડતાળ

પ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં (જલારામ) સ્થાનિક રિક્ષાચાલકોએ તંત્રની લાપરવાહી અને મનસ્વી કામગીરી સામે મોરચો માંડ્યો છે. વીરપુર રિક્ષા એસોસિએશન દ્વારા માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ,…

પ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં (જલારામ) સ્થાનિક રિક્ષાચાલકોએ તંત્રની લાપરવાહી અને મનસ્વી કામગીરી સામે મોરચો માંડ્યો છે. વીરપુર રિક્ષા એસોસિએશન દ્વારા માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ, જેતપુરના નાયબ કાર્યપાલક ઈજનેરને એક વિસ્તૃત લેખિત અરજી પાઠવવામાં આવી છે. આ અરજીમાં એસ.ટી. સ્ટેન્ડ, ગોંડલ રોડ અને રેલવે સ્ટેશનથી જલારામ મંદિર તરફ જતા મુખ્ય માર્ગો પર તાજેતરમાં મોટી સંખ્યામાં બનાવવામાં આવેલા બિનજરૂૂરી અને ગેરકાયદેસર સ્પીડ બ્રેકર કાયમ માટે દૂર કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે.

રિક્ષાચાલકોની ફરિયાદ મુજબ, આ સ્પીડ બ્રેકર નિયમ મુજબના નથી અને ખૂબ જ ઊંચા તેમજ અયોગ્ય જગ્યાએ બનાવવામાં આવ્યા છે. જેને કારણે માત્ર વાહનચાલકો જ નહીં પરંતુ મુસાફરોને પણ ભારે મુશ્કેલી પડે છે. વાહનોને ભારે નુકશાન પહોંચી રહ્યું છે અને અકસ્માત થવાની પૂરેપૂરી સંભાવના રહે છે. ખાસ કરીને બીમાર લોકો કે ડિલિવરીના ઇમરજન્સી કેસમાં દર્દીઓને દવાખાને લઈ જતા સમયે રસ્તામાં સમયસર પહોંચી શકાતું નથી અને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. રેલવે સ્ટેશનથી લઈને જલારામ મંદીર તેમજ બસ સ્ટેન્ડ રોડ સહિતના 11 જેટલા સ્થળો પર આવા સ્પીડ બ્રેકર્સ અસ્તિત્વમાં છે. આ અશાસ્ત્રીય સ્પીડ બ્રેકર્સને કારણે રિક્ષાચાલકોને રોજિંદી આર્થિક નુકસાની વેઠવી પડે છે.

રીક્ષા એસોસિએશન દ્વારા અવારનવાર માર્ગ અને મકાન વિભાગની કચેરીમાં રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ જ સાંભળવામાં ન આવતા, અંતે કંટાળીને રિક્ષાચાલકોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. છેલ્લા બે દિવસથી તમામ રિક્ષાચાલકોએ પોતાના વાહનોના પૈડાં થંભાવી દીધા છે અને સજ્જડ હડતાળ પર ઉતરી ગયા છે.

જ્યારે સરકારી તંત્રએ આંખ આડા કાન કર્યા છે, ત્યારે નિરાશ થયેલા તમામ રિક્ષાચાલકોએ એકઠા થઈને રીક્ષાઓ સાથે રેલી યોજી શ્રી રામધૂન બોલાવી પૂજ્ય જલારામ બાપાના શરણે જઈને મંદિરે અરજી ધરી છે કે જેથી વહીવટી તંત્રની ’આંખ ઉઘડે’ અને તેમની સમસ્યાનો ઉકેલ આવે. જો વહેલી તકે આ તમામ સ્પીડ બ્રેકર્સનું યોગ્ય નિરીક્ષણ કરી તેને દૂર કરવામાં નહીં આવે તો રિક્ષા એસોસિએશને નાછૂટકે આગામી દિવસોમાં વધુ જલદ રજૂઆત અને કાર્યવાહી કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. સ્પીડ બ્રેકર વાહનચાલકો માટે મુશ્કેલીરૂૂપ હોય તો તંત્ર દ્વારા તેની રચના, ઊંચાઈ અને યોગ્ય સ્થળ અંગે તપાસ કરી જરૂૂરી સુધારા કરવા જોઈએ, પરંતુ માત્ર વાહનચાલકોને પડતી મુશ્કેલીના કારણે સ્પીડ બ્રેકર હટાવી દેવા યોગ્ય નથી.!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *