કોમર્સિયલ ગેસની સપ્લાય બંધ થતા ગુજરાતની 10 હજાર જેટલી રેસ્ટોરન્ટમાં તોળાતી તાળાબંધી, લાખો કર્મચારીઓ બેકાર થવાનો ભય
સ્ટ્રીટ ફૂડ વેંચી રોજનું રળી ખાતા હજારો ધંધાર્થીઓની હાલત ચિંતાજનક, ગેસના બાટલા નહીં મળતા ધંધા ઠપ
ઈરાન સાથે અમેરિકા-ઈઝરાયલના ચાલી રહેલા યુદ્ધની અસર દુનિયાભરમાં દેખાવા લાગી છે.ત્યારે ગુજરાતમાં કોમર્શિયલ સિલિન્ડરનો ઉપયોગ કરતા હોટેલ,રેસ્ટોરન્ટ અને ફ્રુડ સ્ટ્રીટ(લારી વાળા ઓ)ની મુશ્કેલીમાં પણ રાતોરાત વધારો થયો છે.ગુજરાતની તમામ હોટલમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની સપ્લાય ખોરવાતા જે રેસ્ટોરન્ટ પાસે પાઈપ ગેસની સુવિધા નથી તેઓની મુશ્કેલી વધી છે.કેટરર્સ સંચાલકોએ પણ પોતાના ઓર્ડર પૂરા કરવા મુશ્કેલ બની શકે છે.કોમર્શિયલ સિલિન્ડરની સપ્લાય બંધ થતા રેસ્ટોરન્ટ ઉદ્યોગ પર ગંભીર અસર થવાની શરૂૂ થઈ ગઈ છે.કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો સપ્લાય બંધ થતા ગુજરાતની 10000 જેટલી રેસ્ટોરન્ટ બંધ થવાની ભીંતિ સર્જાઈ છે.હોટેલ બંધ થવાને લીધે ઘણા શ્રમિકો બેરોજગાર થાય તેવો ભય છે.
કોમર્શિયલ સિલિન્ડરનો પુરવઠો ખોરવાઈ ગયો છે ત્યારે જેની સીધી અસર હોટલ, રેસ્ટોરન્ટ, કેટરર્સ તેમજ ફરસાણના કારખાનાઓ પર પડી રહી છે. જો કે અન્ય રાજ્યમાં કોમર્શિયલ સિલિન્ડરની સપ્લાય પર રોક લગાવી દેવામાં આવતા ઘણી હોટલ બંધ થઈ ગઈ છે.જો કે હવે અમદાવાદ,રાજકોટ અને સુરત સહિતના જિલ્લામાં પણ આવી સ્થિતિ બે ત્રણ દિવસમાં સર્જાય તો પણ નવાઈ નથી.હોટલ સંચાલકોના જણાવ્યા અનુસાર કોઈને પણ અંદાજ ન હતો કે સપ્લાય બંધ થઈ જશે જેથી કોઈએ પણ સ્ટોક કરી રાખ્યો નથી. જરૂૂર હોય તે પ્રમાણે લોકો મંગાવીને ઉપયોગ કરતા હતા.
જેથી હવે અચાનક સપ્લાય બંધ થઈ જતા હોટલ સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થતા રાજકોટના હોટલ અને રેસ્ટોરન્ટ બિઝનેસ સાથે જોડાયેલા વેપારીઓ માટે કપરી પરિસ્થિતિ ઊભી થઈ છે.હાલ કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ રૂૂ.1925 થઈ ગયો છે.જે નાના ધંધાર્થીઓ માટે ખતરાની ઘંટી સમાન છે.જો આવી પરિસ્થિતિ લાંબો સમય સુધી ચાલશે તો રંગીલા રાજકોટ વાસીઓ માટે હોટલ અને રેસ્ટોરન્ટમાં જમવું મોંઘુ થશે અને આ બિઝનેસ બંધ કરી વેપારીઓ અન્ય બિઝનેસ તરફ વળે તો પણ નવાઈ નહીં.
બીજી બાજુ યુધ્ધને કારણે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે.જો લાંબા સમય સુધી ભાવ વધારો રહેશે અને હજી પણ ગેસના બાટલાના ભાવમાં વધારો થશે તો તમામ ગુજરાતની 10 હજાર જેટલી હોટલ અને રેસ્ટોરન્ટ બંધ કરવા પડે તેવી પરિસ્થિતિ ઉભી થશે.સામાન્ય લોકો જે ઘરમાં રહે છે તેઓને પણ હવે ભાવ વધારો પોષાય તેમ નથી.તેમજ હાલ હોટેલના ધંધામાં કોમર્શિયલ ગેસના બાટલાનો સપ્લાય બંધ થતાં હોટેલ ઉદ્યોગ મરણ પથારીએ છે અને હોટેલમાં કામ કરતા લાખો શ્રમિકો બેરોજગાર થવાનો ભય છે.તેમજ ખાણી પીણીની લારી ચલાવતા હજારો ધંધાર્થીઓને પોતાનું ઘર ચલાવવું અને જીવન નિર્વાહ કરવું મુશ્કેલ બની ગયું છે.તેઓનું કહેવું છે કે જો ચીજ વસ્તુઓમાં ભાવ વધારો કરીએ તો ધંધો ભાંગી જાય.જેથી આ પરિસ્થિતિ જલ્દી સુધરે તે જરૂૂરી છે.કોમર્શિયલ ગેસના બાટલા માટે હાલ અમદાવાદ,વડોદરા અને સુરતમાં હોટેલ અને નાના ખાણી પીણીના ધંધાર્થીઓ સવારથી લાંબી લાઈનોમાં ઉભા રહ્યા હોવાના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.
ઓછો ગેસ વપરાય અને મેનુ બદલવાનો નિર્ણય લેવો પડે તેમ છે:નિરજભાઈ ગોહેલ
ગિરનાર ટોકીઝ પાસે પંકજ હોટેલ ધરાવતા નિરજભાઈ ગોહેલે જણાવ્યું કે,કોમર્શિયલ ગેસનો સપ્લાય બંધ થતાં અમુક હોટલ સંચાલકોએ રસ્તાઓ કાઢવાની તૈયારી શરૂૂ કરી દીધી છે.અમુક હોટલ સંચાલકોએ મેનુ બદલવાનો અને ઓછો ગેસ વપરાય તેવા ખોરાક બનાવવામાં નિર્ણય કર્યો છે.તેમજ જો સપ્લાય નહીં મળે તો કોરોના સમયગાળાની જેમ એક ટાઈમ હોટલ ચાલશે,તો કેટલીક હોટલ બંધ થાય તો પણ નવાઈ નહીં.જેથી વહેલી તકે કોમર્શિયલ સિલિન્ડર સપ્લાય શરૂૂ કરવામાં આવે તેવી માંગ છે.
ફરસાણના ભાવમાં વધારો કરવો પડશે: વેપારી
રાજકોટમાં એસ્ટ્રોન ચોક પાસેના કૈલાશ ફરસાણના વેપારી પરેશભાઈ લીંબાસીયાએ જણાવ્યું હતું કે, કોમર્શિયલ બાટલાના ભાવમાં વધારો થતા ફરસાણના વેપારીઓને ખૂબ તકલીફ પડી છે. હાલ દર મહિને 10 ગેસ સિલિન્ડરની જરૂૂરિયાત છે, પરંતુ તેની સામે 6 ગેસ સિલિન્ડર જ મળે છે. જેને લીધે ગ્રાહકો માટે જે લાઇવ વસ્તુઓ રાખીએ છીએ તે બંધ કરી દેવી પડી છે. ફાફડા, સમોસા અને કચોરી લાઇવ આપીએ છીએ, પરંતુ ગેસ સિલિન્ડરના ભાવ વધતા માત્ર ફાફડા જ લાઇવ ચાલુ રાખ્યા છે. હાલ ફાફડા અને વણેલા ગાંઠિયાના કિલોના ભાવ રૂૂ. 560 છે. ફરસાણના ભાવ રૂૂ.320થી રૂૂ. 500 સુધી છે.જો લાંબો સમય આ રીતે ગેસ સિલિન્ડરનો ભાવ વધુ રહેશે તો તેની અસર ગ્રાહકોને પણ પડશે. જેથી ફરસાણના ભાવમાં પણ રૂૂ.20થી રૂૂ.40 નો વધારો કરવો પડશે.
કેટરિંગ વ્યવસાયને સૌથી મોટી અસર, ધંધા જ બંધ થઈ જાય તેવી સ્થિતિ
અમદાવાદ: અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધની સ્થિતિની અસર હવે રોજિંદા વપરાશની ચીજવસ્તુઓ પર પડી રહી છે. ખાસ કરીને કોમર્શિયલ LPG ગેસની અછતના કારણે દેશના કેટલાક રાજ્યોમાં રેસ્ટોરન્ટ સર્વિસ બંધ કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે.
યુદ્ધની સ્થિતિને પગલે બેંગ્લોર, રાજસ્થાન, અને મુંબઈમાં હોટલ રેસ્ટોરન્ટ બંધ રહેવાના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે હોટલ રેસ્ટોરન્ટ એસોસિયેશન ગુજરાતના પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ જણાવ્યું કે, અમદાવાદ અને ગુજરાતના 80 ટકા રેસ્ટોરન્ટ બિઝનેસને ગેસ લાઇનથી ગેસ સપ્લાય થાય છે. જેથી મોટી રેસ્ટોરન્ટ કે હોટલને ગેસ સિલિન્ડરની અછતની કોઈ અસર નહીં થાય. તેઓએ એમ પણ જણાવ્યું કે, અત્યારે કંપનીઓ દ્વારા કોમર્શિયલ ગેસ સિલિન્ડર સપ્લાય ઉપરથી બંધ છે તેવું કહેવાયું છે. નાના રેસ્ટોરન્ટ અને કેટર્સ બિઝનેસ જે કોમર્શિયલ બોટલથી ચાલે છે એમને અસર થશે. અમે રાજ્ય સરકારને રજૂઆત કરશું કે હોટલ માટે પુરવઠો ચાલુ રાખે. જો બંધ થાય તો રોજગારી પર પણ એનાથી અસર થઈ જશે.
આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે, કેટરિંગને સૌથી મોટી અસર થશે. નાના નાના ખાણીપીણી બજાર છે જે કોમર્શિયલ ગેસના સિલિન્ડર પર ચાલે છે. જો તેઓને ગેસ સિલિન્ડર નહીં મળે તો એવા બિઝનેસ બંધ થઈ જશે. માણેક ચોક ખાણીપીણી બજાર અને તેના જેવા 1ગુજરાતમાં 10 હજાર જેટલા નાના રેસ્ટોરન્ટ અને કેટર્સ વેપારીઓના ધંધાને અસર થશે.
રાજકોટની અતુલ ગેસ એજન્સીમાં 3 દિવસનો જ સ્ટોક,દરરોજ 150થી 175 બાટલાનું બુકીંગ
રાજકોટના સરદારનગર મેઈન રોડ ઉપર આવેલી અતુલ ગેસ એજન્સીના સંચાલક ઉમંગ લાઠીયાએ જણાવ્યું હતું કે, 45 વર્ષથી અમે ગેસ એજન્સી ચલાવીએ છીએ. કોમર્શિયલ ગેસ સિલિન્ડરના બુકિંગમાં ખૂબ જ તકલીફ છે અને સરકાર દ્વારા સ્ટોક પૂરો થઈ ગયો હોવાનું કહેવામાં આવ્યું છે. હાલમાં હોટલ અને રેસ્ટોરન્ટધારકો તરફથી બુકિંગ વધ્યું છે. જો કે, અમારી પાસે બેથી ત્રણ દિવસ ચાલે તેટલો જ સ્ટોક છે.કોમર્શિયલમાં દરરોજ 40થી 50 જેટલા ગેસ સિલિન્ડરનું બુકિંગ આવે છે. જ્યારે ઘરેલું ગેસમાં બુકિંગની સિસ્ટમ ડાઉન છે. જેમાં દરરોજ 150થી 175 ગેસ સિલિન્ડરનું બુકિંગ આવે છે. ઘરેલું રાંધણ ગેસમાં બુકિંગ કરાવ્યાના એક બે દિવસમાં ડિલિવરી મળી જતી હોય છે.ઘરેલું ગેસમાં એ નિયમ આવી ગયો છે કે, ગ્રાહકોએ ગેસ રિફિલિંગ કરાવ્યું હોય તેના 25 દિવસ બાદ જ તે નવું બુકિંગ કરી શકશે. રૂૂ. 60ના વધારા સાથે હાલ ઘરેલું ગેસ સિલિન્ડરનો ભાવ વધીને રૂૂ. 918 થયો છે.
ભાવ ઘટવાને બદલે દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો હોવાથી નાના માણસોની મુશ્કેલીમાં વધારો:ગ્રાહક
રાજકોટના ગ્રાહક હરેશભાઈ વડાલીયાએ જણાવ્યું હતું કે, હું છેલ્લા 22 વર્ષથી અતુલ ગેસ એજન્સીમાંથી ગેસનો સિલિન્ડર લઉં છું. અગાઉ રાંધણ ગેસના બાટલાનું બુકિંગ 21 દિવસના અંતરે થતું હતું. જોકે હવે 25 દિવસનો નિયમ આવી જતા નાના માણસોને ખૂબ જ તકલીફ પડે છે. પહેલા રૂૂપિયા 500ની આસપાસ ગેસનો બાટલો મળતો હતો. જોકે હવે તે ભાવ રૂૂ. 918એ પહોંચી ગયા છે. નાના માણસોને રાંધણ ગેસ વિના ચાલે નહીં. ભાવ ઘટવાને બદલે દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. જેથી ગેસના ભાવમાં ઘટાડો આવે તો નાના માણસોની તકલીફ ઓછી થાય.
…તો ગ્રાહકોને ઢોસા-ઇડલીનો સ્વાદ માણવા નહીં મળે !
દક્ષિણ ગુજરાતમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની ભારે અછત સર્જાતા હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ પર સંકટ આવી પડ્યું છે. ’ધી સધર્ન ગુજરાત હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન’ દ્વારા આ મામલે ખાસ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. ગેસનો વપરાશ ઘટાડવા માટે હવે રેસ્ટોરન્ટના મેનૂમાંથી સ્ટીમ ઈડલી, ઢોસા અને ઉત્તપ્પા જેવી વધુ ગેસ વાપરતી વાનગીઓને કામચલાઉ ધોરણે દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.જે વાનગીઓ બનાવવામાં વધુ સમય લાગે છે અથવા સ્લો કુકિંગની જરૂૂર પડે છે,તેવી વસ્તુઓ મેનૂમાંથી હટાવી દીધી છે.ખાસ કરીને સ્ટીમથી બનતી ઈડલી અને લોઢી પર બનતા ઢોસા-ઉત્તપ્પા હવે ગ્રાહકોને પીરસવામાં આવશે નહીં.
કોમર્સિયલ સિલિન્ડરના ભાવમાં વધારો અને હવે સપ્લાય બંધ,વસ્તુમાં ભાવ વધારીએ તો ગ્રાહકોને પણ ન પોષાય : ધ્રુવભાઈ પટેલ
રાજકોટમાં છેલ્લા પાંચેક વર્ષથી ફૂડ ફાસ્ટના બિઝનેસ સાથે જોડાયેલા ધ્રુવભાઈ પટેલ(ટ્રેન્ડી ફૂડ)એ જણાવ્યું હતું કે, કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂૂ.115 નો વધારો થયો છે.હાલ રૂૂ.1925 ભાવ છે.તેની અસર હોટલ અને રેસ્ટોરન્ટના બિઝનેસ સાથે જોડાયેલા લોકોને ખૂબ જ વધારે પડી રહી છે.હાલ મોંઘવારી ખૂબ જ વધારે છે. અમે જો ખાણીપીણીની ચીજવસ્તુઓના ભાવ વધારીએ તો ગ્રાહકોને પોષાય તેમ નથી. તેમણે જણાવ્યું કે,અમારી પાસે મોટા ભાગે મિડલ ક્લાસના ગ્રાહકો હોય છે.અમુક 25 ટકા જેટલા ગ્રાહકો જ એવા હોય કે જેઓને ભાવ વધારીએ તો કોઈ વાંધો ન આવે.જેથી આ યુગમાં હોટલ અને રેસ્ટોરન્ટનો બિઝનેસ કરવો ખૂબ જ અઘરો બની ગયો છે.નાના ધંધાર્થીઓમાંથી મોટા ભાગનો બિઝનેસ બંધ થઈ જાય તેવી પરિસ્થિતિ છે.
કોમર્સિયલ ગેસ સિલિન્ડરના કાળાબજાર, રૂા.1600ના સીધા 3000
મુંબઈમાં અત્યારે 20 ટકા રેસ્ટોરાં બંધ થઈ ગઈ છે અને આગામી બે દિવસમાં પરિસ્થિતિ વણસે એવા અંદાજને લીધે મોટા ભાગની રેસ્ટોરાં અને હોટેલો બંધ કરવાનો વારો આવશે. ઇન્ડિયન હોટેલ એન્ડ રેસ્ટોરાં અસોસિએશન (AHAR)એ મુંબઈના હોસ્પિટેલિટી ક્ષેત્રને જોખમમાં મૂકી રહેલા ગેસ-સંકટ અંગે કેન્દ્ર સરકારને તાત્કાલિક મદદ કરવાની અપીલ કરી છે. પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મિનિસ્ટ્રીને લખેલા પત્રમાં ખ્ણ્ખ્ય્ના પ્રમુખ વિજય શેટ્ટીએ પાઇપ્ડ નેચરલ ગેસ (PNG)નો પુરવઠો પચીસ ટકા ઘટાડવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે. જો આ ટકાવારી વધશે અથવા ગેસ-પુરવઠો ઠપ થશે તો હોટેલ-ઇન્ડસ્ટ્રી અને એના પર નિર્ભર લાખો કામદારો બન્નેને અસર થશે એવું પણ જણાવાયું છે. 48 કલાકમાં મુંબઈની પચાસ ટકા હોટેલો બંધ થશે એવી ચિંતા વિજય શેટ્ટીએ વ્યક્ત કરી હતી. લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG)નાં સિલિન્ડરોની વધેલી ડિમાન્ડને પગલે બજારમાં એક સિલિન્ડર જેની કિમત 1600 રૂૂપિયા હતી એના હવે 3000 રૂૂપિયા બોલાય છે એવો ઉલ્લેખ પણ તેમણે કર્યો હતો. સરકાર અને ગેસ-એજન્સીઓ દાવો કરે છે કે દેશમાં ગેસની અછત નહીં થાય, પણ હોટેલ બિઝનેસમાં સાથે સંકળાયેલા લોકોના જણાવવા મુજબ વાસ્તવિકતા જુદી જ છે.
હોટેલ એન્ડ રેસ્ટોરાં અસોસિએશન-વેસ્ટર્ન ઇન્ડિયા (HRAWI)ના વાઇસ પ્રેસિડન્ટ પ્રદીપ શેટ્ટીએ જણાવ્યું હતું કે પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ મિનિસ્ટ્રીએ પાંચમી માર્ચે નોટિફિકેશન જાહેર કર્યા પછી અનેક સપ્લાયર્સ અને ડિસ્ટ્રિબ્યુટર્સે હોટેલ, રેસ્ટોરાંમાં કમર્શિયલ LPG સિલિન્ડર સપ્લાય કરવાનું બંધ કરી દીધું છે. આની સૌથી મોટી અસર એકલા રહેતા અને રેસ્ટોરાં કે ક્લાઉડ કિચનમાંથી જ નિયમિત ભોજન લેતા વિદ્યાર્થીઓ અને ટૂરિસ્ટ્સને થશે.
