ગોંડલ તાલુકાના કેશવાળા ગામે ગૌચર અને સરકારી જમીન ઉપર ભૂમાફિયાઓ બેફામ
ગોંડલ તાલુકાના કેશવાળા ગામમાં ગૌચર જમીન અને સરકારી પડતર જમીન પર ભૂમાફિયાઓ અને ’ગીર ગંગા ટ્રસ્ટ’ના નામે ગેરકાયદેસર ખોદકામ કરવામાં આવતું હોવાની ગંભીર ફરિયાદ ઉઠી છે. આ મામલે ગામના પશુપાલકો અને માલધારી સમાજના લોકોએ જિલ્લા કલેક્ટર અને મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે.
આવેદનમાં જણાવ્યા અનુસાર, નાયબ કાર્યપાલક ઈજનેર(ગોંડલ) દ્વારા કેશવાળા ગામના તળાવમાંથી કાંપ ઉપાડવાની પરવાનગી આપવામાં આવી હતી. પરંતુ, આ પરવાનગીનો દુરુપયોગ કરીને ભૂમાફિયાઓ દ્વારા ગૌચર જમીનમાંથી મોરમ અને માટીનું મોટા પાયે ગેરકાયદેસર ખોદકામ કરવામાં આવી રહ્યું છે. નિયમ મુજબ ખોદકામ ડૂબ વિસ્તારમાં જ કરવાનું હોય છે, પરંતુ આ ભૂમાફિયાઓ દ્વારા ગોચર જમીનને નષ્ટ કરી દેવામાં આવી છે, જેના કારણે ગામના પશુઓના ચરિયાણ માટે ગંભીર પ્રશ્ન ઉભો થયો છે.
માલધારી પરિવારોએ ગામના સરપંચ, તલાટી કમ મંત્રી અને સ્થાનિક ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ પર મિલીભગતનો આરોપ લગાવ્યો છે. તેઓએ સ્પષ્ટ કર્યું છે કે જો તાત્કાલિક અસરથી આ ગેરકાયદેસર ખોદકામ બંધ કરવામાં નહીં આવે અને દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી નહીં થાય, તો માલધારી સમાજ દ્વારા ગાંધીનગરમાં મુખ્યમંત્રી કાર્યાલય ખાતે ઉગ્ર આંદોલન અને ઉપવાસ કરવામાં આવશે.
પોલીસને બોલાવી 24 કલાક જેલમાં પૂરી દીધા!
સ્થાનિક માલધારીઓએ આક્ષેપ કર્યો છે કે જ્યારે તેમણે આ ગેરકાયદેસર કામનો વિરોધ કર્યો, ત્યારે તેમને તંત્રના નામે ધમકાવવામાં આવ્યા હતા. આવેદનમાં ઉલ્લેખ છે કે થોડા દિવસ પહેલા ગોંડલના પીઆઈ દ્વારા સત્તાનો દુરુપયોગ કરીને ગામના ત્રણ વ્યક્તિઓને બોલાવી માર મારવામાં આવ્યો હતો અને 24 કલાક સુધી જેલમાં પૂરી રાખવામાં આવ્યા હતા. આટલું જ નહીં, ખોદકામનું કામ ચાલુ રાખવા માટે દબાણ કરી ગામ છોડી જવાની ધમકી આપવામાં આવી હતી.
