રેગ્યુલર વિદ્યાર્થીઓ સેમ-3માં, એક્સટર્નલ B.A., M.A. સેમ-1ની પરીક્ષાની રાહમાં

  કોંગ્રેસના વિદ્યાર્થીનેતા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સૌરાષ્ટ્ર ઝોનના પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી પ્રદ્યુમનભાઈ વાજાને ઇમેઇલ મારફત રજૂઆત કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા…

 

કોંગ્રેસના વિદ્યાર્થીનેતા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સૌરાષ્ટ્ર ઝોનના પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી પ્રદ્યુમનભાઈ વાજાને ઇમેઇલ મારફત રજૂઆત કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહેલી પરીક્ષા, પરિણામ અને મૂલ્યાંકન વ્યવસ્થાની ગંભીર વહીવટી અવ્યવસ્થા અંગે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે.

રજુઆતમાં જણાવવામાં આવ્યું છે કે એક્સ્ટર્નલના સ્નાતક કોર્ષ બી.એ. (B.A.) તેમજ અનુસ્નાતક કોર્ષ એમ.એ. (M.A.) સેમેસ્ટર-1ની પરીક્ષાઓ નોંધણી થયાના લગભગ એક વર્ષ બાદ પણ યોજાઈ નથી. સામાન્ય રીતે એક સેમેસ્ટરની પરીક્ષા પાંચથી છ મહિનામાં યોજાતી હોવા છતાં લગભગ આઠ મહિના બાદ પણ પરીક્ષા ન લેવાતા હજારો વિદ્યાર્થીઓનું એક શૈક્ષણિક વર્ષ બગડવાની સ્થિતિ સર્જાઈ છે.

આજે શૈક્ષણિક વર્ષ એવી સ્થિતિમાં પહોંચી ગયું છે કે રેગ્યુલર વિદ્યાર્થીઓ સેમેસ્ટર-3ની પરીક્ષાઓ આપવા જઈ રહ્યા છે, જ્યારે એક્સ્ટર્નલના B.A., M.A. ના વિદ્યાર્થીઓએ હજુ સુધી સેમેસ્ટર-1ની પરીક્ષાઓ પણ આપી નથી. આ સ્થિતિ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગંભીર વહીવટી નિષ્ફળતાનું જીવંત ઉદાહરણ છે, જેના કારણે હજારો વિદ્યાર્થીઓનું એક આખું શૈક્ષણિક વર્ષ જોખમમાં મુકાયું છે.

રજુઆતમાં વધુમાં જણાવાયું છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની રેગ્યુલર પરીક્ષાઓના અંદાજે 70થી વધુ પરિણામો હજુ જાહેર કરવાના બાકી છે, જ્યારે રી-અસેસમેન્ટના મોટા ભાગના પરિણામો પણ જાહેર થયા નથી એટલે અંદાજે 100 જેટલા પરિણામો લાંબા સમયથી પેન્ડિંગ છે.પરિણામોમાં થતા લાંબા વિલંબના કારણે વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ, ભરતી પ્રક્રિયાઓ અને અન્ય શૈક્ષણિક તકોમાં ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે.

રોહિતસિંહ રાજપૂતે રજૂઆતમાં મૂલ્યાંકન પ્રક્રિયામાં રહેલી ગંભીર ખામીઓનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે જણાવ્યું કે જવાબવહીઓનું યોગ્ય અને ગુણવત્તાસભર મૂલ્યાંકન ન થવાના કારણે અનેક મહેનતુ વિદ્યાર્થીઓને અન્યાય થાય છે અને તેમને રી-ચેકિંગ તથા રી-અસેસમેન્ટ માટે વારંવાર અરજી કરવાની ફરજ પડે છે.
રોહિતસિંહ રાજપૂતે શિક્ષણમંત્રીને માંગ કરી છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા, પરિણામ અને મૂલ્યાંકન વ્યવસ્થાની ઉચ્ચસ્તરીય તપાસ કરાવવામાં આવે, સમયબદ્ધ શૈક્ષણિક કેલેન્ડરનો કડક અમલ સુનિશ્ચિત કરવામાં આવે, હાજર વિદ્યાર્થીઓને ગેરહાજર દર્શાવવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેમજ વહીવટી બેદરકારી માટે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે.

તેમણે વધુમાં માંગ કરી છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષા, પરિણામ અને મૂલ્યાંકન પ્રક્રિયા પારદર્શક, સમયસર અને સુવ્યવસ્થિત રીતે થાય તે માટે શિક્ષણ વિભાગના કોઈ વરિષ્ઠ અધિકારીને વિશેષ જવાબદારી સોંપી નિયમિત દેખરેખની વ્યવસ્થા કરવામાં આવે, જેથી વિદ્યાર્થીઓને ભવિષ્યમાં આવી મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *