પ્રાદેશિક દિગ્ગજો મમતા, સ્ટાલિન વિજયનની હવે છે અગનકસોટી

કેન્દ્રીય ચૂંટણી પંચે આસામ, કેરળ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ તથા કેન્દ્રોશાસિત પ્રદેશ પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી એ સાથે જ રાજકીય માહોલ ગરમ થઈ ગયો…

કેન્દ્રીય ચૂંટણી પંચે આસામ, કેરળ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ તથા કેન્દ્રોશાસિત પ્રદેશ પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી એ સાથે જ રાજકીય માહોલ ગરમ થઈ ગયો છે. પાંચ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ 824 બેઠકો પર ચૂંટણી થશે અને 17.4 કરોડ મતદારો મતદાન કરશે. પંચની જાહેરાત પ્રમાણે, કેરળ, આસામ અને પુડુચેરીમાં એક જ તબક્કામાં 9 એપ્રિલે મતદાન થશે જ્યારે તમિળનાડુમાં પણ એક જ તબક્કામાં 23 એપ્રિલે મતદાન થશે. આ રાજ્યોમાં સૌથી મહત્ત્વનું પશ્ચિમ બંગાળ છે. બંગાળમાં 2 તબક્કામાં 23 એપ્રિલ અને 29 એપ્રિલે મતદાન થશે. ચૂંટણી પંચે ગુજરાતની ઉમરેઠ સહિત 6 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી પણ આ જ ગાળામાં થવાની છે.

આ રાજ્યો અને છ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીનાં પરિણામ સાગમટે 4 મેએ જાહેર થશે તેથી હવે લગભગ દોઢ મહિના લગી દેશમાં ચૂંટણીનો ધમધમાટ અને રાજકીય ગરમીનો માહોલ રહેશે. આ પાંચ રાજ્યોમાં ચૂંટણીની જાહેરાતની લાંબા સમયથી રાહ જોવાતી હતી કેમ કે 2021માં પંચે 26 ફેબ્રુઆરીએ તમામ પાંચ રાજ્યોની ચૂંટણીની જાહેરાત કરી હતી. પાંચેય વિધાનસભાનો કાર્યકાળ મે-જૂનમાં પૂરો થઈ રહ્યો છે તેથી પંચ પાસે હજુય પૂરતો સમય છે જ તેથી ભલે 20 દિવસ મોડી જાહેરાત થઈ પણ હજુ કશું ખાટુંમોળું થયું નથી. સમયસર જ ચૂંટણી થઈ રહી છે પણ બંગાળમાં માત્ર 2 તબક્કામાં જ ચૂંટણી યોજવાની જાહેરાત કરીને ચોક્કસ આશ્ચર્ય સર્યું છે. તેનું કારણ એ કે, છેલ્લે 2021માં બંગાળમાં 8 તબક્કામાં ચૂંટણી થઈ હતી. એ વખતે એવું કારણ અપાયેલું કે, પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરાબ છે ને જંગલરાજ જેવી જ હાલત છે તેથી ન્યાયી અને નિષ્પક્ષ ચૂંટણી માટે વધારે તબક્કા રાખવા સિવાય આરો નથી. આ વખતે 2 તબક્કામાં જ ચૂંટણી યોજવાની જાહેરાત કરીને ચૂંટણી પંચે આડકતરી રીતે રીતે બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધરી હોવાનું સ્વીકાર્યું છે.

વાસ્તવમાં દેશમાં લોકશાહી છે અને મજબૂત વિપક્ષ છે તેનો અહેસાસ આ રાજ્યોની સરકારોના કારણે જ થાય છે. ભાજપ માટે આસામ જાળવવું આબરૂૂનો સવાલ છે તો કોંગ્રેસ પણ આસામ, કેરળ અને પુડુચેરીમાં સત્તા મેળવવાનાં સપનાં જુએ છે કે જેથી તેને ગંભીરતાથી લેવાય. જો કે અસલી પરીક્ષા મમતા બેનરજી, એમ. કે. સ્ટાલિન અને પિનારાથી વિજયનની છે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસ, તમિળનાડુમાં એમ.કે. સ્ટાલિનની ડીએમકે અને કેરળમાં પિનારાયી વિજયનની સીપીએમના નેતૃત્વ હેઠળની ’ હેઠળની ડાબેરા સરકારે ભાજપ સામે ઝીંક ઝીલીને પણ અસ્તિત્વ ટકાવી રાખ્યું છે. આ એવા પક્ષો છે કે જે 2014થી શરૂૂ થયેલી ભાજપની આંધીમાં પણ અડીખમ રહ્યા છે અને પોતાના ઝંડાને પડવા દીધો નથી.

જયલલિતાના નિધન પછી નોંધારી બનેલી એઆઈએડીએમકે જૂથવાદમાં પતી ગયેલી છે તેથી તેના સહારે ભાજપ ડીએમકેને સત્તામાંથી ખદેડી શકે એ વાતમાં માલ નથી પણ ભાજપને ફિલ્મ સ્ટારમાંથી રાજકારણી બનેલા વિજયનના કારણે આશા જાગી છે. વિજયન પણ ડીએમકેની જેમ તમિળ ગૌરવની ભાષા બોલે છે તેથી ડીએમકેના મત તોડશે એવી ભાજપને આશા છે. બે બિલાડીની લડાઈમાં વાંદરો ફાવી ગયેલો એ રીતે વિજયન સ્ટાલિનની લડાઈમાં પોતાના જોડાણને ફાયદો થશે એવી ભાજપની આશા ફળશે કે નહીં એ ખબર નથી પણ વિજયન એન્ટ્રીના કારણે તમિળનાડુનો જંગ રસપ્રદ બની ગયો છે. કોંગ્રેસ આસામમાં પણ ભાજપના વિજયરથને રોકવાની આશા રાખે છે. આસામમાં હિંદુ વર્સીસ મુસ્લિમ મતોના ધ્રુવીકરણના કારણે ભાજપને હરાવવો મુશ્કેલ લાગે છે . આંતરિક જૂથવાદમાં અટવાયેલી કોંગ્રેસ ભાજપની જીતની હેટ્રિકને રોકી શકે એવી આશા વધારે પડતી છે પણ કોંગ્રેસ આ આશા રાખીને બેઠી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *