રાજકોટ શહેરના લક્ષ્મી વાડી ક્વાર્ટર વિસ્તારમાં રહેતી 22 વર્ષીય યુવતીએ પોતાના ઘરે ફીનાઇલ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.બનાવ બનતા જ પરિવારજનો દ્વારા તેને તાત્કાલિક અસરે સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં તેની સારવાર શરૂૂ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, યુવતી પોતાના પરિવારમાં એક નાના ભાઈની મોટી બહેન છે. તાજેતરમાં જ તેનું સગપણ એક ગામડામાં નક્કી થયું હતું અને આગામી દિવાળીના તહેવાર બાદ તેના લગ્ન નિર્ધારિત કરવામાં આવ્યા હતા. યુવતી ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સતત સક્રિય રહીને રીલ્સ બનાવવાની શોખીન હતી.
લગ્ન નજીક આવી રહ્યા હોવાથી પરિવારે તેને મોબાઈલની ટેવ છોડી ઘરકામ તેમજ રસોઈ અને રોટલા બનાવતા શીખી જવાની શિખામણ આપી હતી. પરિવારની આ વાતનું યુવતીને માઠું લાગી આવ્યું હતું, જેના કારણે તેણે આવેશમાં આવીને આ પગલું ભરી લીધું હતું. હાલમાં હોસ્પિટલ તબીબોની દેખરેખ હેઠળ યુવતીની સારવાર ચાલી રહી છે અને પોલીસે બનાવ અંગે આગળની કાનૂની તપાસ હાથ ધરી છે.
