દરિયાકાંઠે તાપમાનનો પારો 41 ડિગ્રીએ પહોંચ્યો, 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
રાજકોટ સહિત ગુજરાતમાં આજે પણ ગરમીએ બોકાસો બોલાવ્યો છે અને આજે રાજકોટ તથા સુરેન્દ્રનગર જિલ્લામાં તાપમાનનો પારો 42 ડિગ્રી ઉપર પહોંચી જતાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. આગામી સાત દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં તાપમાન સામાન્ય કરતાં ઉંચુ રહેવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આજે રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ગરમીનું રેડએલર્ટ આપ્યું છે. જ્યારે 11 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં આજે ગરમીનો પારો 42 ડિગ્રીએ પહોંચી શકે. દિવસે આકરી ગરમીનો સામનો કરનારા અમદાવાદીઓને રાત્રે પણ રાહત નહીં મળે. હવામાન વિભાગે આજે વોર્મ નાઈટનું એલર્ટ પણ આપ્યું છે.
સામાન્ય રીતે દીવમાં માર્ચ મહિનામાં 37 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાતું હોય છે. પરંતુ, હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે,0 આ વર્ષે અહીં 100 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. દીવમાં તાપમાનનો પારો 41 ડિગ્રીએ પહોંચ્યો છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસના જણાવ્યા અનુસાર, માર્ચ મહિનામાં છેલ્લા 100 વર્ષમાં રેકોર્ડ બ્રેક ગરમી દીવમાં નોંધાઈ છે. ખાસ કરીને સમર વેકેશનમાં લોકો સૌથી વધારે દીવ ફરવા જવાનું પ્રિફર કરતા હોય છે. ત્યારે આ વખતે દીવમાં માર્ચ મહિનામાં જ 41.3 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાતા ગયા સો વર્ષનો રેકોર્ડ તોડી દીધો છે.
લોકોને SMS કરી એલર્ટ કરાયા
રાજકોટ-સુરેન્દ્રનગરમાં આગામી 24 કલાકમાં સિવિયર હિટવેવની હવામાન ખાતા દ્વારા લોકોને મોબાઈલ ઉપર ખાસ મેસેજ મોકલી તકેદારી રાખવા સુચના અપાઈ છે.
