સુરત એરપોર્ટ પર બે કલાકમાં નવ ફલાઇટ લેન્ડિંગનો રેકોર્ડ

મુંબઈમાં અચાનક બદલાયેલા હવામાન અને ભારે તોફાની પવન ફૂંકાવાને કારણે હવાઈ સેવાઓ સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી. મુંબઈ એરપોર્ટ પર ઉતરાણ જોખમી બનતાં એર ટ્રાફિક કંટ્રોલ…

મુંબઈમાં અચાનક બદલાયેલા હવામાન અને ભારે તોફાની પવન ફૂંકાવાને કારણે હવાઈ સેવાઓ સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી. મુંબઈ એરપોર્ટ પર ઉતરાણ જોખમી બનતાં એર ટ્રાફિક કંટ્રોલ (ATC) દ્વારા ગત સાંજે 06:50 થી રાત્રે 08:45 વાગ્યાના ગાળામાં મુંબઈ જતી એક પછી એક 9 ફ્લાઇટ્સને તાબડતોબ સુરત એરપોર્ટ તરફ વાળી દેવામાં આવી હતી. સુરત એરપોર્ટ પ્રશાસને ત્વરિત ગ્રીન સિગ્નલ આપીને તમામ 9 વિમાનોમાં સવાર 1,482 મુસાફરોનું સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું હતું. આ સફળ ઓપરેશન સાથે સુરત એરપોર્ટે દેશના એવિયેશન મેપ પર પોતાની સજ્જતા અને ક્ષમતાનો જબરદસ્ત પરચો આપ્યો છે.

હાલ આ તમામ વિમાનોનું સુરત એરપોર્ટ પર સેફ લેન્ડિંગ કરાવી પાર્ક કરવામાં આવ્યા છે અને મુંબઈમાં વાતાવરણ સામાન્ય થયા બાદ જ તેમને રવાના કરવામાં આવ્યા હતા. દરમિયાન અચાનક આવી પહોંચેલા મુસાફરોને કોઈ અગવડ ન પડે તે માટે સુરત એરપોર્ટ ઓથોરિટી દ્વારા પીવાના પાણી અને રિફ્રેશમેન્ટ સહિતની તમામ જરૂૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે ગઇકાલનો દિવસ એક નવો સીમાચિહ્ન સાબિત થયો છે. આ અગાઉ 2 જૂન 2026ના રોજ અમદાવાદમાં ખરાબ હવામાનને કારણે એકસાથે 7 ફ્લાઇટ્સ સુરત ડાયવર્ટ કરવામાં આવી હતી. જ્યારે આજે મુંબઈની એકસાથે 9 ફ્લાઇટ્સનું સફળ લેન્ડિંગ કરાવીને સુરતે પોતાનો જ જૂનો રેકોર્ડ તોડી નવો ઇતિહાસ રચ્યો છે. સુરત હવે માત્ર નજીકનું અલ્ટરનેટિવ એરપોર્ટ જ નથી રહ્યું, પરંતુ ગમે તેવી ઈમરજન્સી કે મોટા એરક્રાફ્ટના એકસાથે ધસારાને સરળતાથી હેન્ડલ કરી શકતું સક્ષમ એવિએશન હબ બની ચૂક્યું છે.
ડાયવર્ટ થયેલી 9 ફ્લાઇટ્સમાં ઇન્ડિગોની 6 અને એર ઇન્ડિયા ગ્રૂપની 3 ફ્લાઇટ્સ સામેલ હતી.

ટેકનિકલ દ્રષ્ટિએ સુરત એરપોર્ટ માટે આ સૌથી મોટો પડકાર હતો, કારણ કે લેન્ડ થયેલા વિમાનોમાં મોટા કદના એડવાન્સ્ડ એરક્રાફ્ટ સામેલ હતા. જેમાં એરબસ A321Neo 7 વિમાનો અને એરબસ A320Neo (A20N): 2 વિમાનોનો સમાવેશ થાય છે. એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફ અને પાર્કિંગ બેઝ દ્વારા આટલા મોટા વિમાનોનું સરળ સંચાલન કરાયું હતું. છેલ્લે રાત્રે 08:45 વાગ્યે ઉતરેલી કોઇમ્બતૂર-મુંબઈ ફ્લાઇટને એરપોર્ટના બે નંબર-04 પર સુરક્ષિત પાર્ક કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *