મહિલાઓનું મતદાન પુરૂષો કરતા વધતા ભાજપ મોજમાં, કેરલના તમામ જિલ્લામાં 75%થી વધુ મતદાન, ચૂંટણીપંચે પોતાની પીઠ થાબડી
ગુરુવારે (9 એપ્રિલ) અસમ, કેરલા અને પુડુચેરીમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીઓમાં રેકોર્ડ મતદાન નોંધાયું છે. અસમમાં 85.38%, પુડુચેરીમાં 89.83% (લગભગ 90%) અને કેરલામાં 78.03% મતદાન થયું છે. આ આંકડા અગાઉની ચૂંટણીઓ કરતાં નોંધપાત્ર વધારો દર્શાવે છે. મુખ્ય ચૂંટણી પંચના વડા જ્ઞાનેશ કુમારે આને ભારત તેમજ સમગ્ર લોકતાંત્રિક વિશ્વ માટે ઐતિહાસિક સિદ્ધિ ગણાવીને દરેક મતદારની પ્રશંસા કરી છે.
અસમમાં 126 વિધાનસભા બેઠકો માટેના મતદાનમાં આ વખતે 85.38% મતદાન નોંધાયું, જે રાજ્યનો અત્યાર સુધીનો સર્વોચ્ચ આંકડો છે. 2016ના 84.67% અને 2021ના 82.4% કરતાં વધુ છે. મહિલાઓનું મતદાન 85.96% જ્યારે પુરુષોનું 84.80% રહ્યું. વાતાવરણ ભારે વાદળછાયું અને વરસાદી હોવા છતાં મતદાન કેન્દ્રો પર લાંબી કતારો જોવા મળી. દલગાંવમાં સૌથી વધુ 94.57% મતદાન નોંધાયું. શ્રીનજંગરામ, જલેશ્વર અને મનકાચાર જેવી બંગાળી મૂળના મુસ્લિમ વસ્તી વાળી બેઠકોમાં પણ 94%થી વધુ મતદાન થયું. શહેરી વિસ્તારોમાં જો કે મતદાન ઓછું રહ્યું ન્યૂ ગુવાહાટીમાં 71.27%, દિસપુરમાં 73.98% અને ગુવાહાટીમાં 75.23%. મતદાન થયું.પુડુચેરીમાં 89.83% મતદાન થયું, જે રાજ્યનો અત્યાર સુધીનો રેકોર્ડ છે. 2011ના 86.19% અને 2021ના 83.4% કરતાં ઘણો વધારો. અહીં મહિલાઓનું મતદાન 91.33% અને પુરુષોનું 88.09% રહ્યું.
કેરલામાં 140 વિધાનસભા બેઠકો માટે 78.03% મતદાન નોંધાયું, જે 2021ના 76% કરતાં વધુ છે. તમામ 14 જિલ્લાઓમાં 75%થી વધુ મતદાન થયું અને અનેક બેઠકોમાં 80%થી વધુ મતદાન નોંધાયું. મહિલાઓનું મતદાન અહીં પણ વધારે 80.86% વિરુદ્ધ પુરુષો 75.01%.
આ ચૂંટણીઓ વિશેષ તીવ્રતાથી યોજાઈ છે. કેરલા અને પુડુચેરીમાં ફેબ્રુઆરી 2026માં પૂર્ણ થયેલા ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (એસઆઇઆર) પછીની આ પ્રથમ વિધાનસભા ચૂંટણી છે. આ રિવિઝનમાં દસ્તાવેજી ચકાસણીને કારણે કેરલામાં મતદારોની સંખ્યા 8.63% અને પુડુચેરીમાં 10.12% ઘટી છે. અસમમાં 2023ના પુનનિર્ધારણ (ડિલિમિટેશન) પછીની આ પ્રથમ ચૂંટણી છે.
મતદાન મોટા ભાગે શાંતિમય રહ્યું. કેટલાક અલગ અલગ ઘટનાઓ સિવાય કોઈ મોટી અઘટિત ઘટના નોંધાઈ નથી. ચૂંટણી પંચે હજુ કેટલાક પોલિંગ સ્ટેશનોના આંકડા અપડેટ કરવાના બાકી છે. આ રેકોર્ડ મતદાનને લોકતંત્રની મજબૂતી તરીકે જોવામાં આવી રહ્યું છે. તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં આગામી તબક્કામાં મતદાન થવાનું છે અને તમામના પરિણામો 4 મે 2026ના રોજ જાહેર થશે. આ ઉચ્ચ મતદાનથી રાજકીય વર્તુળોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મતદારોની વધેલી જાગૃતિ અને વ્યવસ્થિત વ્યવસ્થાએ આ સફળતા મેળવી છે
