પૃથ્વીરાજકપુર, માર્કંડ ભટ્ટ અને જશવંત ઠાકર જેવા નાટ્યમહર્ષિઓ પાસે ’દીક્ષિત’ થનાર અને નાટ્યક્ષેત્રે અભિનેતા- લેખક તરીકે તેમ જ ગુજરાતી ફિલ્મોના પટકથા-સંવાદ લેખક તરીકે એક અદકેરું સ્થાન અંકિત કરનાર રામજી વાણિયા સ્થૂળ દેહે હયાત હોત તો આ વર્ષ 2025માં ’શતાયુ’ થયા હોત.
પોતાનું જન્મવર્ષ 1925 પણ જેમને માંડ માંડ યાદ હતું એવા આ ’અભણ’ ઓલિયાનો જન્મ મોરબી પાસેનાં ખરેડા ગામે એક ગરીબ, દલિત પરિવારમાં પણ સંજોગોવશાત્ મોસાળમાં રાજકોટ ખાતે પરિવાર સ્થળાંતરિત થયો.બાળપણમાં રાજકોટની શેરીઓમાં મોડી રાત સુધી સંતવાણી અને ભવાયાના ખેલને માણતા થઈ ગયેલ અને ચોપડિયું વાંચતા થઈ ગયેલ આ બાળકને ભણતરને બદલે કમાણીને પ્રાથમિકતા આપવાનું અનિવાર્ય બનતાં, રાજકોટના જ્યુબિલિ ગાર્ડનમાં આવેલ ઐતિહાસિક ’લેંગ લાયબ્રેરી’નાં પગથિયે બેસીને ’બુટપોલિશ’ કરનાર આ બાળક નવરાશની પળોમાં લાયબ્રેરીનાં કબાટમાં શોભતી ’મોંઘી કિતાબો’ને વિસ્ફારિત નેત્રોથી નિહાળ્યાં કરે અને જાણે કે ’મરિઝ’નો શેર મનમાં ગણગણ્યાં કરે :
હસીનોને મેં જોયાં છે સદા એવી ઉદાસીથી, રસિક જે રીતથી જોયા કરે મોંઘી કિતાબોને.
બાળપણનાં એ દોહ્યલાં દિવસોમાંય કળા તરફનું અદમ્ય આકર્ષણ અકબંધ રાખનાર રામજી વાણિયા લખે છે:
–” બુટપોલિશના ચાર-છ પૈસા મળે એ પૈસામાંથી ’હરિશ્ચંદ્ર ’ સિનેમામાં મૂંગી ફિલ્મો જોવા જાઉં ત્યારે ક્યાં ખબર હતી કે એક દિવસ આ ફિલ્મના પડદા ઉપર મારુંય નામ આવશે ! ” પુસ્તકોની લારીમાંથી પુસ્તકો ભાડે લઈને વાચનશોખને પોષતા રહેલા રામજીભાઈએ રાજકોટના કલાગુરુ સ્વ.ગિજુભાઈ પિયુષપાણિના પ્રેમાગ્રહથી ’ભૂલાયેલાં ભાંડુ’ નાટકમાં માત્ર 17 વર્ષની વયે ઓઢણી ઓઢીને યુવતિનું પાત્ર આબાદ ભજવ્યું. નાટ્યક્ષેત્રે રામજી વાણિયાનું આ મંગલાચરણ.
કાઠિયાવાડના મેળાઓ અને લોકોત્સવો માણતા રહેલા રામજીભાઈ લોકજીવનને , તેના વિધ વિધ આયામને, સાંસ્કૃતિક ધરોહરને અને તેના વલોપાતને નજીકથી નિહાળતા રહ્યા અને એ રીતે લોકસંસ્કૃતિ-લોકજીવન સાથેનાં તેમનાં અંતરમનનાં તાણાવાણાં વણાતાં રહ્યાં.
નાટ્યમહર્ષિ પૃથ્વીરાજકપુર ’પૃથ્વી થિયેટર્સ’નાં ’પઠાણ-દિવાર-કિસાન- આહુતિ- શાકુંતલ-ગદ્દાર’ વગેરે નાટકો લઈને 1949માં સૌરાષ્ટ્રની સફરે નીકળ્યા ત્યારે રામજીભાઈએ રાજકોટમાં આ તમામ નાટકો રસપૂર્વક નિહાળ્યા અને પૃથ્વી થિયેટર્સમાં જોડાવાની ઈચ્છા થતાં એ માટે પૃથ્વીરાજકપુરને મળ્યાય ખરા પણ મેળ ન પડ્યો.અંતે, પાંચેક વર્ષ બાદ પુન: 1954માં પૃથ્વીરાજકપુર નાટકો લઈને રાજકોટ આવ્યા ત્યારે જશવંત ઠાકર, મકરંદ દવે અને બાબુભાઈ વૈદ્યની ભલામણથી પૃથ્વીરાજકપુર સાથે રામજીભાઈ ઉપડ્યા મુંબઈ !
પૃથ્વી થિયેટર્સ સાથે જોડાઈને રામજીભાઈએ નાટકનાં વિવિધ પાસાઓ ( મેક અપ, પ્રકાશ, સાઉન્ડ, સંગીત, સન્નિવેશ, પાત્રાલેખન, સંવાદ- અદાયગી, કથાવસ્તુની કળાત્મક ગૂંથણી, દ્રશ્યોની ભજવણી વગેરે )નો બારીકાઈથી અભ્યાસ કર્યો. ’પૃથ્વી થિયેટર્સ’માં તેઓ શૌકત આઝમી જેવાં દિગ્ગજ અભિનેત્રી પાસેથી ઉર્દૂ શબ્દોનાં શુદ્ધ ઉચ્ચારણ, આરોહ-અવરોહ તેમ જ શેર-શાયરી વગેરેનું જ્ઞાન મેળવીને માહ્યલાને સદ્ધર કરતા રહ્યા.ઉપરાંત પૃથ્વીરાજકપુર સાથે તેમણે ’પૃથ્વી થિયેટર્સ’નાં નાટકો લઈને ઉત્તર ભારતનો પ્રવાસ પણ ખેડ્યો. વળી પૃથ્વીરાજકપુરને અવારનવાર મળવા આવતા કવિ નિરાલા, કવિ નિરજ અને ફિરાક ગોરખપુરી જેવા દિગ્ગજો સાથે પણ તેમનો ગાઢ પરિચય કેળવાયો.
પરંતુ- જેમ મેઘાણીને કલકત્તાના કોલાહલમાં એકદા ગોધૂલીવેળાએ સૌરાષ્ટ્રનો ગોવાળ સાદ પાડતો સંભળાયો એમ રામજીભાઈને જશવંત ઠાકરનો પત્ર આવ્યો :
–” આવતો રે ! આ ધરતી તને સાદ કરે છે !”
આ સાદના પ્રતિસાદ રૂૂપે ’લિ.હું આવું છું’ની માફક રામજી વાણિયા પણ મોહમયી મુંબઈ અને ’પૃથ્વી થિયેટર્સ’નું પ્રાંગણ પડતું મૂકીને એકાદ વર્ષમાં જ રાજકોટ પરત થયા.
જશવંત ઠાકરના જ આગ્રહથી પછી રામજીભાઈ થોડો સમય અમદાવાદ પણ ગયા અને ત્યાં ’નટમંડળ’ સાથે જોડાઈને જયશંકર ’સુંદરી’ અને પ્રાણસુખ નાયક, દીના પાઠક વગેરે મહારથીઓનાં સાન્નિધ્યમાં નાટ્યકળાના ’પાઠ’ ભણીને રામજી વાણિયા રાજકોટ પરત થયા અને આજીવન ત્યાં જ રહ્યા.
જયમલ પરમાર વગેરે કલામર્મજ્ઞોના પ્રયા ઓથી 1956માં તત્કાલીન સૌરાષ્ટ્ર સરકાર દ્વારા રાજકોટ ખાતે સ્થપાયેલ ’સૌરાષ્ટ્ર સંગીત નાટક અકાદમી’ના નાટ્યવિભાગના વડા તરીકે નિમણૂક પામેલ નાટ્યવર્ય માર્કંડ ભટ્ટના પ્રેમાગ્રહથી રામજીભાઈ એ સંસ્થામાં જોડાયા અને ત્યાર બાદ નાટ્યશિક્ષણની તાલીમના ભાગરૂૂપે રામજીભાઈની કલમમાંથી સર્જાયું લોકપ્રિય નાટક ’શેતલના કાંઠે’, જેમાં માર્કંડ ભટ્ટ( દેવરો), ઊર્મિલા ભટ્ટ (આલણ), બાપાલાલ રાવળ (ઢોલરો) તથા કંઠના કળાયેલ કલાપી હેમુ ગઢવીએ છાકો પાડી દીધો.આ નાટકની તોતીંગ સફળતાને પરિણામે રામજી વાણિયાએ સૌરાષ્ટ્રની લોકકથા- લોકસંગીત આધારિત ઘણાં નાટકો લખ્યાં અને સફળતાપૂર્વક મંચસ્થ પણ થયાં.
આ પછી મેઘાણીજી સંપાદિત કથા આધારિત વધુ એક નાટક ’વસુંધરાનાં વહાલાં દવલાં’ માર્કંડ ભટ્ટે જ દિગ્દર્શિત કરીને ’ત્રિવેણી’ના નેજા હેઠળ ભજવ્યું અને સુપરહીટ રહ્યું. બાદમાં સોમનાથની સખાવતે જતાં શહીદ થયેલ વીર હમીરસિંહજી ગોહેલ અને વેગડા ભીલનાં સુખ્યાત કથાનકને વણી લેતું રામજી વાણિયાનું નાટક આવ્યું ’ધન્ય સૌરાષ્ટ્ર ધરણી’, જે બાદમાં ’રાજલ’ નામે રેડિયો-નાટક સ્વરૂૂપે આકાશવાણીનાં રાષ્ટ્રીય પ્રસારણમાં સ્થાન પામીને પ્રથમ પારિતોષિક રળી લાવ્યું.રસપ્રદ હકીકત એ પણ છે કે બાપાલાલ રાવળ, અમૃત જાની, ઈલા માંકડ, હર્ષા માંકડ અને હેમુ ગઢવીની કમાલપૂર્ણ કળાથી ઓપતાં આ લોકપ્રિય નાટકનાં સૌરાષ્ટ્રમાં અસંખ્ય પ્રયોગો થયેલ, એટલું જ નહીં, ઉક્ત નાટકમાંથી ઉપજેલ રોકડ રકમ તથા સોનાનાં ઘરેણાં પણ 1962નાં ભારત-ચીન યુદ્ધમાં શહીદ થયેલ જવાનો માટેના ભારત સરકારના ’વોર ફંડ’માં જમા કરાવીને દેશભક્તિનું ઉમદા ઉદાહરણ પૂરું પાડેલ આ નાટકના તમામ કલાકાર- કસબીઓએ.
’સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર’ રાજકોટના નેજા હેઠળ રામજીભાઈનું વધુ એક યશોદાયી નાટક ભજવાયું ’વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં’, જેમાં મનસુખભાઈનાં કુશળ દિગ્દર્શન, પહાડી કંઠના ગાયક ઈસ્માઈલ વાલેરાનાં મીઠડાં સંગીત નિયોજન અને ઉષા ચિનોયના સૂરીલા સ્વરે કમાલ સર્જી.આ નાટક નવી દિલ્હી ખાતે યોજાયેલ ’ગુજરાતી સાહિત્ય પરિષદ’નાં 19માં અધિવેશનમાં 8 ઓક્ટોબર,1967ના રોજ મંચસ્થ થયું અને ગુજરાતી સાહિત્યના દિગ્ગજોએ રામજી વાણિયાની કલમકૌશલ્યનાં હરખપૂર્વક પોંખણાં કર્યાં. ઉપરાંત આ નાટકના રાજકોટ ખાતે એકધારા 9 પ્રયોગો હાઉસફુલ રહ્યા, જે રાજકોટની રંગભૂમિનો રેકોર્ડ હજુ અકબંધ છે.
દરમ્યાન, તત્કાલીન ગુજરાતી નાટ્યજગતના દિગ્ગજ નટવર્ય પ્રવીણ જોષીએ રામજી વાણિયા પાસે રૂૂબરૂૂ આવીને સૌરાષ્ટ્રની માટીની મહેકથી મઘમઘતું કથાનક ધરાવતાં એક નવોન્મેષપૂર્ણ નાટકની માગણી કરી અને પરિણામે સર્જાયું ’મોતી વેરાણાં ચોકમાં’ ! આઈ.એન.ટી.દ્વારા નિર્મિત અને સરિતા જોષી દ્વારા અભિનિત આ નાટકને માર્કંડ ભટ્ટ ઉચિત રીતે જ રામજી વાણિયાની નાટ્યકાર તરીકેની કારકીર્દીના ’કીર્તિ- કળશ’ સમાન ગણાવે છે. રંગમંચની સમાંતરે રામજીભાઈએ આકાશવાણી રાજકોટ સાથે સાતત્યપૂર્વક સંકળાયેલ રહીને અસંખ્ય રેડિયો-નાટકો અને રેડિયો-રૂૂપકોનું સર્જન કર્યું.
’સ્વપ્નશિલ્પી,મોરે રહિમા રામ ભયી, લાલ અમૂલા,લાલવાદી ફૂલવાદી, વગેરે લોકપ્રિય રેડિયો નાટક-રૂૂપકમાં રામજી વાણિયાની જ્ઞાનસમૃદ્ધ સર્જકપ્રતિભા દ્રષ્ટિગોચર થાય છે.આકાશવાણી રાજકોટની બે લોકપ્રિય કાર્યક્રમ- શ્રેણી (1) ’લોકનાટ્ય ભવાઈ’ (2) ’રામસાગરના રણકારે’ની લોકપ્રિયતામાં રામજીભાઈની લેખિનીનું નોંધપાત્ર પ્રદાન છે. આ ઉપરાંત ’કલેજે કટારી, ’દાતાર જમિયલ શા, દાસ હોથી, બુખારાનો બાદશાહ, દીનશા દરવેશ’ ઈત્યાદિ સૂફી-સંતકવિઓની લેખશ્રેણી પણ રામજીભાઈની કલમમાંથી અવતરી. આકાશવાણી રાજકોટની ’કાર્યક્રમ સલાહકાર સમિતિ’માં રહીને રામજીભાઈ કાર્યક્રમોનાં આંતરબાહ્ય કલેવર અને સત્ત્વ-તત્ત્વ વિશે મૂલ્યવાન સૂચનો કરતા રહ્યા. આકાશવાણી રાજકોટે લોકસાહિત્ય- સંતસાહિત્ય, લોકસંગીત, સંગીત રૂૂપક, નાટક ક્ષેત્રે જે યશોદાયી કામગીરી કરેલ છે તેમાં રામજી વાણિયા જેવા જાણતલ અને મર્મી મનેખનું નોંધપાત્ર યોગદાન છે.
