ગુજરાતી રંગભૂમિના બહુમુખી પ્રતિભા ધરાવતા કલાકાર રાજુ બારોટનું અવસાન

ગુજરાતી કલા જગત માટે આજે એક અત્યંત દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. ગુજરાતી રંગભૂમિના અગ્રગણ્ય કલાકાર, દિગ્દર્શક અને ગાયક રાજૂ બારોટનું નિધન થયું છે. ઉત્તરાખંડના…

ગુજરાતી કલા જગત માટે આજે એક અત્યંત દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. ગુજરાતી રંગભૂમિના અગ્રગણ્ય કલાકાર, દિગ્દર્શક અને ગાયક રાજૂ બારોટનું નિધન થયું છે. ઉત્તરાખંડના પ્રવાસે ગયેલા રાજૂ બારોટને ત્યાં અચાનક હૃદયરોગનો હુમલો આવતા તેમનું અવસાન થયું છે.

રાજૂ બારોટ માત્ર એક કલાકાર નહોતા, પરંતુ ગુજરાતી નાટ્ય જગતની એક સંસ્થા સમાન હતા. તેમણે વર્ષ 1977માં ભારતની પ્રતિષ્ઠિત નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (NSD)માંથી અભ્યાસ પૂર્ણ કર્યો હતો. અભ્યાસ બાદ તેઓ ગજઉ રિપર્ટરી કંપનીના સભ્ય પણ રહ્યા હતા. રાષ્ટ્રીય સ્તરે ઉજ્જવળ કારકિર્દીની તકો હોવા છતાં તેમણે પોતાની માતૃભૂમિ ગુજરાત પરત ફરવાનું પસંદ કર્યું અને પોતાનું સમગ્ર જીવન ગુજરાતી રંગભૂમિના ઉત્થાન માટે સમર્પિત કરી દીધું.

તેઓ એક કુશળ દિગ્દર્શક અને અભિનેતા તરીકે અનેક યાદગાર નાટકો સાથે જોડાયેલા રહ્યા હતા. અભિનય ઉપરાંત સંગીત ક્ષેત્રે પણ તેમનું પ્રદાન અભૂતપૂર્વ હતું. તેમણે અનેક સંગીત કાર્યક્રમો રજૂ કર્યા હતા તેમના કલાત્મક યોગદાનની નોંધ લેતા તેમને અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારોથી નવાજવામાં આવ્યા હતા. જેમાં ગુજરાત સંગીત નાટક અકાદમીનો “ગૌરવ પુરસ્કાર”, વર્ષ 2000 માટે “શ્રેષ્ઠ પ્લેબેક સિંગર” એવોર્ડ અને રાજ્ય સરકાર તરફથી “શ્રેષ્ઠ ફિલ્મ ડોક્યુમેન્ટરી” એવોર્ડનો સમાવેશ થાય છે.

રાજૂ બારોટના અવસાનથી ગુજરાતી રંગભૂમિએ એક તેજસ્વી કલાકાર અને સાચો માર્ગદર્શક ગુમાવ્યો છે. સોશિયલ મીડિયા પર અનેક કલાકારો અને ફેન્સ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે. ગુજરાતી નાટ્ય જગત હંમેશા તેમના પ્રદાન માટે ઋણી રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *