રાજકોટના નસીબ ખુલ્યા, શહેરભરમાં ‘મેકઓવર’ શરૂ

વાઇબ્રન્ટ સમિટના પગલે ઉબડ-ખાબડ રસ્તા હિરોઇનના ગાલ જેવા લીસા થઇ ગયા, ફૂટપાથોના રંગરોગાન-વૃક્ષોના ખામણા પણ રંગી નાખ્યા મોરબી રોડ ઉપર વર્ષોથી જામેલા ગેરકાયદે દબાણો પણ…

વાઇબ્રન્ટ સમિટના પગલે ઉબડ-ખાબડ રસ્તા હિરોઇનના ગાલ જેવા લીસા થઇ ગયા, ફૂટપાથોના રંગરોગાન-વૃક્ષોના ખામણા પણ રંગી નાખ્યા

મોરબી રોડ ઉપર વર્ષોથી જામેલા ગેરકાયદે દબાણો પણ ગાયબ, સરકારી બિલ્ડિંગોમાં સાફ-સફાઇ કરી વર્ષો જૂનો કચરો કઢાયો, પ્રવાસન સ્થળો પણ ચકાચક

આગામી 10 થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાનારી ’વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ’ અંતર્ગત રાજકોટમાં રિજનલ કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ આંતરરાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં દેશ-વિદેશના અગ્રણી ઉદ્યોગપતિઓ, વિવિધ દેશોના પ્રતિનિધિઓ અને ઉચ્ચ અધિકારીઓ રાજકોટની મુલાકાતે આવવાના છે. આ મહાનુભાવોની મુલાકાતને પગલે રાજકોટ મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે.

વર્ષોથી જે રસ્તાઓ અને ફૂટપાથ બિસ્માર હાલતમાં હતા, તે હવે વાઈબ્રન્ટ સમિટના કારણે નવનિર્માણ પામી રહ્યા છે. શહેરના મુખ્ય માર્ગો, પ્રવાસન સ્થળો અને જે-તે રૂૂટ પર આવતી ફૂટપાથોનું રિનોવેશન કામ યુદ્ધના ધોરણે શરૂૂ કરી દેવાયું છે.જાહેર સ્થળો, દીવાલો અને ફૂટપાથ પર નવો કલરકામ કરીને શહેરને રંગબેરંગી રોશની અને ચિત્રોથી સજાવવામાં આવી રહ્યું છે. મુલાકાતીઓના રૂૂટ પર આવતા ઉબડ-ખાબડ રસ્તાઓ પર તાત્કાલિક પેચવર્ક અને ડામર કામ કરી ’નવા નક્કોર’ રસ્તા તૈયાર કરવામાં આવી રહ્યા છે. મહત્વનું છે કે, અત્યાર સુધી જે દબાણો તંત્રની નજરમાં નહોતા આવતા, તે હવે મહેમાનોની સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાના નામે દૂર કરવામાં આવી રહ્યા છે. શહેરના મુખ્ય જંક્શનો અને ફૂટપાથ પર થયેલા ગેરકાયદે દબાણોને હટાવી રસ્તાઓ ખુલ્લા કરવામાં આવી રહ્યા છે. અધિકારીઓ અને સ્થાનિક નેતાઓ જાણે ઊંઘમાંથી જાગ્યા હોય તેમ સતત સ્થળ મુલાકાત લઈ રહ્યા છે.

રાજકોટના વહીવટી તંત્ર દ્વારા એરપોર્ટથી લઈને હોટેલ્સ અને કાર્યક્રમ સ્થળ સુધીના તમામ વિસ્તારોને નવો લુક આપવામાં આવી રહ્યો છે. પ્રવાસન સ્થળો પર વિશેષ સજાવટ અને સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. શહેરના સામાન્ય નાગરિકોમાં એવી પણ ચર્ચા જોવા મળી રહી છે કે, જો આવા કાર્યક્રમો અવારનવાર યોજાય તો જ તંત્ર જાગે છે અને શહેરના રસ્તાઓ સુધરે છે. ’મહેમાન આવે ત્યારે જ ઘર સાફ થાય’ તેવી કહેવત રાજકોટ તંત્ર માટે હાલ સાર્થક સાબિત થઈ રહી છે.આગામી 10 જાન્યુઆરી સુધીમાં સમગ્ર રાજકોટને નવો ઓપ આપવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના સેંકડો કર્મચારીઓ રાત-દિવસ કામ કરી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે આ કરોડોના ખર્ચે થતી કામગીરી સમિટ બાદ કેટલી ટકી રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *