કોર્ટમાં કેસની સુનાવણીમાં વર્ચ્યુઅલી (વીડિયો કોન્ફરન્સથી) જોડાયેલા અરજદારે કાર્યવાહી દરમિયાન સિગારેટ પીતા હાઇકોર્ટે તેની સામે સખત નારાજગી વ્યક્ત કરી ક્ધટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં શુક્રવારે હાઇકોર્ટના જસ્ટિસ એ.એસ. સુપૈયા અને જસ્ટિસ નિશા ઠાકોરની ખંડપીઠે અરજદારને કોર્ટના તિરસ્કારનો દોષિત ગણી રૂ.50 હજારનો દંડ ફટકાર્યો હતો. દંડની રકમ બે સપ્તાહમાં ગુજરાત સ્ટેટ લિગલ સર્વિસ ઓથોરિટીમાં જમા કરવાનો હુકમ પણ ખંડપીઠે કર્યો છે. આમ અરજદારને સિગારેટનો પકશથ મારવો 50 હજારમાં પડ્યો છે.
ગુજરાત હાઇકોર્ટમાં રાજકોટથી એક અરજદારે આગોતરા જામીન અરજી ફાઈલ કરી હતી. તેના ઉપર રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ ખાતે નોંધાયેલી ફરિયાદ મુજબ બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવાનો આરોપ હતો. જો કે અરજદારે હાઇકોર્ટની લાઈવ સ્ટ્રીમિંગમાં ભાગ લેતી વખતે સિગારેટ પીધી હતી. જેની ગંભીર નોંધ હાઇકોર્ટે લીધી હતી. સિંગલ જજની બેન્ચ દ્વારા આ મામલે ક્ધટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી માટે ડિવિઝન બેંચને કેસ રિફર કર્યો હતો.
જેની સુનાવણી શુક્રવારે જસ્ટિસ એ.એસ.સુપૈયા અને જસ્ટિસ નિશા ઠાકોરની બેન્ચ સમક્ષ થઇ હતી. જેમાં બે લાખ રૂૂપિયા દંડ ભરવાની ટકોર કરવામાં આવી હતી. હાઇકોર્ટે નોંધ્યું હતું કે 11 માર્ચ 2025ના રોજ સિંગલ જજની બેંચ સમક્ષ અલગ અલગ સમયે અરજદાર અડધો કલાક લાઈવ સ્ટ્રીમિંગમાં જોડાયો હતો. તેણે ગુજરાત હાઇકોર્ટ લાઈવ સ્ટ્રીમિંગના નિયમોનો ભંગ કર્યો હતો. કોર્ટના ડેકોરમ અને ડિસિપ્લિન જાળવ્યું નહોતું. જો અરજદાર કોર્ટમાં ફિઝિકલ હાજર હોત અને તેણે સિગારેટ સળગાવવાની હિંમત કરી હોત તો તુરંત તેને એરેસ્ટ કરીને જેલ પાછળ ધકેલી દેવામાં આવ્યો હોત.
જો કે અરજદારના વકીલે રજૂઆત કરી હતી કે અરજદાર પોતાના કેસને લઈને ખૂબ જ ચિંતામાં હતો. તેનો કેસ 12મી તારીખે હતો, પરંતુ સ્થાનિક વકીલે તેને 11મી તારીખે લિંક મોકલી દીધી હતી. લિંક મળતા તેને ખબર નહોતી કે આ લિંકમાં જોડાવાથી કોર્ટ અને યુ ટ્યુબ ઉપર લોકો તેને જોઈ શકશે. તે આલ્કોહોલિક ડિસઓર્ડર અને પર્સનાલિટી ડિસઓર્ડરથી પીડાઈ રહ્યો છે. તેના મેડિકલ રિપોર્ટ કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યા હતા. વળી આ ઘટના બાદ પોલીસે તેની સામે નોંધાયેલી ફરિયાદ સંદર્ભે ધરપકડ કરીને રિમાન્ડ પણ મેળવ્યા હતા. અરજદારના વકીલની રજૂઆતને ધ્યાનમાં રાખીને હાઇકોર્ટે તેને 50 હજાર રૂૂપિયાનો દંડ કર્યો હતો. જેની રકમ બે અઠવાડિયામાં ગુજરાત હાઇકોર્ટ લીગલ સર્વિસ ઓથોરિટીમાં જમા કરાવવા હુકમ કર્યો હતો.
