રાજકોટની સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટી શેરી નં. 1માં રહેતા ફાયનાન્સર અને બિલ્ડર બિશુભાઈ બહાદુરભાઈ વાળા (ઉ.વ.63)એ પોતાના મૂળ ગામ ભંગડા ખાતે માતાજીના મઢ બહાર તેમની પરવાનાવાળી પિસ્તોલ માંથી છાતીમાં ફાયરિંગ કરી આપઘાત કરી લીધો હતો. અલ્સરની બીમારીથી કંટાળી આ પગલું ભરી લીધાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ, બિશુભાઈ રવિવારે વહેલી સવારે સૌરાષ્ટ્રકલા કેન્દ્ર ના પોતાના ઘરેથી કાર લઈ તેમના ગામ ભંગડા ગામે પહોંચ્યા હતાં, જ્યાં ગાત્રાળ માતાજીનો મઢ આવેલો છે. મઢમાં જ તેની વાડીનો ભાગિયો રહે છે. તેને પોતાની માટે ખાટલો લઇ આવવાનું કહ્યું હતું. એકાદ કલાક સુધી ખાટલામાં બેસી પૂજા કર્યા બાદ ભાગિયા પાસે ચા મંગાવી પીધી હતી. થોડીવાર બાદ બીજી વખત ચા પીધી હતી.ત્યાર પછી ભાગિયાને ગામમાં રહેતા પોતાના ભાઈને બોલાવી આવવાનું કહ્યું હતું. ભાગિયો બોલાવવા માટે હજુ તો મઢના ગેઇટ પાસે પહોંચ્યો હતો ત્યાં જ બિશુભાઈએ પોતાની પાસે રહેલી લાયસન્સવાળી પિસ્તોલ માંથી છાતીમાં ગોળી ધરબી દીધી હતી.
ઘટના ની જાણ થતાં ભંગડા ગામે રહેતા તેમના પરિવારજનો અને ગ્રામજનો દોડી આવ્યા હતાં.તત્કાળ 108ને જાણ કરવામાં આવી હતી, જેના તબીબે મૃત જાહેર કર્યા બાદ 108ના સ્ટાફે આજી ડેમ પોલીસને જાણ કરતાં પીએસઆઈ આર.એમ. સાખરા સ્થળ પર પહોંચી ગયા હતા. જોયું તો ખાટલામાં જ લોહીથી લથપથ મૃતદેહ પડ્યો હતો. હાથમાં માળા હતી. જે જોતાં માળા કરતાં કરતાં આ આત્મઘાતી પગલું ભરી લીધાનાં તારણ ઉપર પોલીસ પહોંચી છે.આજી ડેમ પોલીસને બિશુભાઈની કારમાંથી સ્યુસાઈડ નોટ મળી આવી છે જેમાં નમારી જાતે જીવન ટૂંકાવું છું એટલું જ લખ્યું છે, નીચે પોતાનું નામ લખ્યું છે.
પોલીસે સ્થળ પર જરૂૂરી કાર્યવાહી બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડાયો હતો.બનાવની જાણ થતાં મોટી સંખ્યામાં પરિવારના સભ્યો તેમન સંબંધીઓ, પરિચિતો દોડી આવ્યા હતાં. આજીડેમ પોલીસ ના સૂત્રોએ જણાવ્યું કે બીસુભાઈ છેલ્લા ઘણા સમયથી અલ્સરની તકલીફ હતી. થોડા સમય પહેલાં તેનું ઓપરેશન પણ કરાવ્યું હતું. આ તકલીફને કારણે રોજ ઘણીબધી ટીકડીઓ લેવી પડતી હતી. એટલું જ સતત પીડા પણ થતી હતી, જેનાથી કંટાળી આ પગલું ભરી લીધું છે. બિશુભાઈને સંતાનમાં બે પુત્રો છે.
