ખેડૂત અશોકભાઈ સાવલિયા ડાયાલિસિસ કરાવવા જતાં હતાં ને રસ્તામાં બ્રેઈન હેમરેજ થઈ ગયું, સુરતની હોસ્પિટલની ટીમ એર એમ્બ્યુલન્સથી ધુળેટીના દિવસે લીવર લેવા આવી
માનવતાનો સૌથી મોટો ધર્મ ’પરોપકાર’ છે અને આ વાતને સાંગણવા ગામના એક સાધારણ ખેડૂત પરિવારે સાચી કરી બતાવી છે. 52 વર્ષીય અશોકભાઈ સાવલિયા, જેઓ પોતે છેલ્લા 6 વર્ષથી કિડની ફેલ્યુર જેવી ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા અને નિયમિત ડાયાલિસિસ પર હતા. તેમની વિદાય વેળાએ તેમના પરિવારે લીવરનું દાન કરી એક અન્ય વ્યક્તિને મરણ પથારીએથી બેઠી કરી છે. ધૂળેટીના પાવન પર્વે જ્યારે આખું જગત રંગોથી રમી રહ્યું હતું, ત્યારે અશોકભાઈના પરિવારે કોઈના જીવનમાં ખુશીઓના કાયમી રંગ ભરવાનો ઉમદા નિર્ણય લીધો હતો.ડાયાલિસીસ કરાવવા જતી વેળા માથાનો દુ:ખાવો થયો હતો. જે બ્રેઈન હેમરેજ હતું.
તેમને ઓમ્બ્યિુલન્સ હોસ્પિટ. બાદ તાત્કાલિક બી. ટી. સવાણી કિડની હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા. અહીં ડો. કાર્તિક કાછડીયા, ડો. કરણ મોઢવાડિયા અને ડો. આનંદ કારીયા સહિતની ટીમે તેમને ’બ્રેઈન ડેડ’ જાહેર કર્યા. કોર્ડિનેટર ડો. અમિત ગોહેલે ત્વરિત ગતિએ SOTTO સાથે સંકલન સાધ્યું. સુરતની કિરણ હોસ્પિટલની ટીમ લિવર લેવા માટે રાજકોટ દોડી આવી હતી. અને ધૂળેટીનાં દિવસે એટલે કે, 4 માર્ચ, 2026ના રોજ અશોકભાઈના લિવર મેળવવાનું ઓપરેશન સફળતાપૂર્વક પાર પડ્યું હતું. રાજકોટ ટ્રાફિક પોલીસના સહયોગથી ’ગ્રીન કોરિડોર’ બનાવવામાં આવ્યો અને આ લિવરને એર એમ્બ્યુલન્સ મારફતે સુરત મોકલવામાં આવ્યું, જ્યાં તે એક દર્દીના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરી તેને નવું જીવન આપવામાં આવ્યું.
જે વ્યક્તિ કિડની ટ્રાન્સપ્લાન્ટની રાહ જોતી હતી તેનું લિવર કોઈ વ્યક્તિની જીંદગી બચાવી ગયું
3 માર્ચ, 2026ની એ સવાર અશોકભાઈના પરિવાર માટે કાળમુખી સાબિત થઈ. દર વખતની જેમ અશોકભાઈ ડાયાલિસિસ માટે નીકળ્યા હતા, રસ્તામાં અચાનક માથું દુખવા લાગ્યું અને જોતજોતામાં તેઓ બેભાન થઈ ગયા. તેમને તાત્કાલિક ઓલમ્પસ હોસ્પિટલ ખસેડાયા, જ્યાં તબીબોએ તપાસ બાદ જણાવ્યું કે તેમને બ્રેઈન હેમરેજ થયું છે અને બચવાની શક્યતા નહિવત છે. જે વ્યક્તિ પોતે વર્ષોથી કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી ફરીથી સ્વસ્થ થવાના સપના જોતી હતી, આજે એ જ વ્યક્તિ જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી હતી. આ કપરા સમયે દિવ્યમ હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટર નિશાબેન મહેતાએ અશોકભાઈના પુત્ર મીતભાઈને એક નવી રાહ ચીંધી. ભલે અશોકભાઈની કિડનીઓ કામ નથી કરતી, પણ જો તેમનું લીવર સારું હોય તો તે કોઈના મૃત્યુના મુખમાંથી બચાવી શકે છે. પત્ની ઉષાબેન, દીકરી આરઝૂબેન અને પરિવારના તમામ સભ્યોએ એક સૂરે સંમતિ આપી કે, અમારા સ્વજન ભલે અમારી વચ્ચે ન રહે, પણ તેમના અંગો કોઈના શરીરમાં ધબકતા રહે તો તેનાથી મોટી શ્રદ્ધાંજલિ બીજી શું હોઈ શકે?
