રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો: 24 કલાકમાં 33 તાલુકામાં વરસાદ, સુરતમાં સૌથી વધુ અઢી ઈંચ

  રાજ્યમાં ચોમાસાએ હવે જોરદાર બેટિંગ શરુ કરી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 33 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરતમાં 2.60 ઇંચ તો…

 

રાજ્યમાં ચોમાસાએ હવે જોરદાર બેટિંગ શરુ કરી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 33 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરતમાં 2.60 ઇંચ તો સૌથી ઓછો વલસાડના ધરમપુરમાં 1 મિમી વરસાદ નોંધાયો છે. સુરતમાં વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસતાં અનેક વિસ્તારોમાં ઠંડક પ્રસરી છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

છેલ્લા 24 કલાકમાં સુરત શહેર બાદ તાપીના વાલોડમાં બે ઈંચ, જ્યારે સુરતના માંગરોળ અને કામરેજમાં પોણા બે ઈંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત પલસાણામાં દોઢ ઈંચ અને અરેઠમાં સવા ઈંચ વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લાના ઉમરગામ અને નાનાપોંઢામાં એક-એક ઈંચ, જ્યારે તાપીના કુકરમુડા, બોટાદના રાણપુર, નવસારીના ચીખલી અને વલસાડના પારડીમાં પોણો ઈંચ વરસાદ પડ્યો છે. કપરાડા અને વલસાડ શહેરમાં પણ અડધો ઈંચ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર, આગામી 2 દિવસમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ગુજરાતના વધુ કેટલાક ભાગોમાં આગળ વધશે. ત્યારબાદના 2-3 દિવસમાં તે બાકીના સમગ્ર ગુજરાતને આવરી લેશે. ત્યારે આજે વહેલી સવારથી અનેક જીલ્લાઓમાં વરસાદ પડ્યો હતો. આજે સવારે 4 થી 6 વાગ્યા સુધીના માત્ર બે કલાકમાં જ 10 તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *