ઘર છોડી દ્વારકા પહોંચેલા કિશોરને રેલવે પોલીસે શોધી પરિવારને સોંપ્યો

રાજકોટ રેલ્વે પોલીસ સ્ટેશનની ટીમે સતર્કતા અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી ઘરેથી રીસાઈને ભાગી ગયેલા 13 વર્ષીય કિશોરને ગણતરીની કલાકોમાં શોધી કાઢી તેના પરિવાર સાથે સુખદ…

રાજકોટ રેલ્વે પોલીસ સ્ટેશનની ટીમે સતર્કતા અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી ઘરેથી રીસાઈને ભાગી ગયેલા 13 વર્ષીય કિશોરને ગણતરીની કલાકોમાં શોધી કાઢી તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું છે.રાજકોટના ગાયકવાડી વિસ્તારમાં રહેતા હરેશભાઈ બખતીયાપુરી અને કવિતાબેનનો 13 વર્ષીય પુત્ર મોડી રાત્રિ સુધી મોબાઈલમાં વિડીયો ગેમ રમતો હતો. આ બાબતે માતાએ ઠપકો આપતા કિશોરને માઠું લાગી આવ્યું હતું અને તે વહેલી સવારે કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગયો હતો. બાદમાં તેણે કોઈ અજાણ્યા વ્યક્તિના ફોન પરથી માતાને ફોન કરી પોતે દ્વારકા જતો હોવાનું જણાવ્યું હતું. પરિવારે રાજકોટ રેલ્વે સ્ટેશન પહોંચી પોલીસનો સંપર્ક સાધ્યો હતો.

ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ રેલ્વેના ઉચ્ચ અધિકારીઓની સૂચના મુજબ રાજકોટ રેલ્વે પી.આઈ. એચ.એમ. રાણાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ક્વોડ, એલ.સી.બી., જામનગર રેલ્વે પોલીસ અને આર.પી.એફ.ની સંયુક્ત ટીમો બનાવવામાં આવી હતી. સ્ટેશનના સીસીટીવી ફૂટેજ તપાસી ટીમોને જામનગર, ખંભાળિયા અને દ્વારકા તરફ રવાના કરાઈ હતી.દરમિયાન, કિશોરે દ્વારકા ટાઉનની ’કેશવ’ પાનની દુકાન પરથી પોતાના નાનાજી વિનોદભાઈ ભાવનાણીને ફોન કરી ₹300 ઓનલાઈન મંગાવ્યા હતા. આ માહિતી મળતા જ પોલીસે તે દુકાન અને આસપાસના સીસીટીવી તપાસ્યા હતા, જેમાં કિશોર બપોરે 3:45 વાગ્યાની ઓખા-ભાવનગર લોકલ ટ્રેનમાં બેઠો હોવાનું જણાયું હતું.

રાજકોટ રેલ્વે સ્ટેશન પર તૈનાત સર્વેલન્સ ટીમના સાગરભાઈ રાજપૂત, દેવેન્દ્રભાઈ અને હોમગાર્ડ જયેશભાઈ પંડ્યાએ રાત્રે 9:00 વાગ્યે ટ્રેન રાજકોટ પહોંચતા જ ચેકિંગ કરી કિશોરને સહી-સલામત શોધી કાઢ્યો હતો. કિશોર અગાઉ પણ એકવાર ઘરેથી નીકળી ગયો હોવાનું પરિવારે જણાવ્યું હતું. પોલીસે બાળકને વાલીને સોંપતા પરિવારે રેલ્વે પોલીસની ત્વરિત કામગીરી બદલ હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

બાળક ગુમ મામલે 24 કલાકની રાહ જુઓ, કહેનાર મહિલા ASI સસ્પેન્ડ
રાજકોટમાં રેલ્વે સ્ટેશન પરથી બાળક ગુમ થતા તેના મામા ફરિયાદ કરવા માટે રેલવે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જો કે તે સમયે ફરજ પરના મહિલા ASI કામિનીબેન મારણકા ગોદડું ઓઢી સુતા હતા અને 24 કલાક રાહ જુઓ પછી ફરિયાદ કરવા આવજો તેવો જવાબ આપ્યો હતો. જે અંગેનો વીડિયો વાયરલ થયો હતો. જે બાદ બાળકને તો પોલીસે ગઈકાલે(21 નવેમ્બર) સાંજે શોધી લીધો છે. જોકે ગંભીર બેદરકારી બદલ પશ્ચિમ રેલવેના જઙ યશપાલ જગાણીયા દ્વારા 22 નવેમ્બર મહિલા ASI ને સસ્પેન્ડ કરાયા છે. મોબાઈલ ગેમ રમવા બાબતે માતાએ ઠપકો આપતા 13 વર્ષનો બાળક દ્વારકા ચાલ્યો ગયો હોવાનું સામે આવ્યું છે. રાજકોટ રેલવે સ્ટેશન પરથી 21 નવેમ્બરની વહેલી સવારે 12 વર્ષનો કિશોર અજાણ્યા શખ્સ સાથે જતો જોવા મળ્યા બાદ ગુમ થયો હોવાની ઘટના સામે આવી. કિશોરે અજાણ્યા નંબર પરથી ફોન કરીને પોતે દ્વારકા જઈ રહ્યો હોવાનું પરિવારને જણાવ્યું હતું. બીજી તરફ પરિવારજનો ફરિયાદ કરવા રેલવે પોલીસ સ્ટેશન પહોંચતા ફરજ પરના મહિલા ઙજઘએ ગોદડું ઓઢીને સૂતા-સૂતા 24 કલાક રાહ જોવાનું કહેતા પરિવારમાં રોષ ફેલાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *