આંધ્રપ્રદેશના અનાકાપલ્લે જિલ્લામાં મોડી રાત્રે એક મોટી ટ્રેન દુર્ઘટના બની હતી. ઝારખંડના ટાટાનગરથી કેરળ જતી ટાટા-એર્નાકુલમ એક્સપ્રેસમાં ભીષણ આગ લાગી હતી. બે એસી કોચમાં આગ લાગતાં ડબ્બા સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા છે. આ અકસ્માતમાં એક મુસાફરનું મોત નિપજ્યું છે. જ્યારે અન્ય મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. આ ઘટના બની ત્યારે મોટાભાગના મુસાફરો ગાઢ નિંદ્રામાં હતા.
જ્યારે ટ્રેનમાં આગ લાગી, ત્યારે બંને કોચમાંથી એકમાં 82 અને બીજામાં 76 મુસાફરો હતા. પોલીસને B1 કોચમાંથી એક મૃતદેહ મળ્યો. મૃત્યુ પામનારની ઓળખ 70 વર્ષીય ચંદ્રશેખર સુંદરમ તરીકે થઈ છે.
https://x.com/ians_india/status/2005463240713855296?s=20
અહેવાલો અનુસાર, ટ્રેન જ્યારે અનાકાપલ્લે જિલ્લાના એલામંચિલી સ્ટેશન નજીકથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક એસી કોચમાંથી ધુમાડાના ગોટા અને આગની જ્વાળાઓ નીકળતી જોવા મળી હતી. ટ્રેનમાંથી આગ નીકળતી જોઈ લોકો પાયલટે તાત્કાલિક એલામંચિલી સ્ટેશન પર ટ્રેન રોકી દીધી હતી, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. આગ ટ્રેનના B1, B2 અને M1 કોચમાં ફેલાઈ હતી. રેલવે કર્મચારીઓએ તાત્કાલિક અન્ય કોચને આ સળગતા ડબ્બાથી અલગ કરી દીધા હતા.
ચાલુ ટ્રેનમાં આગ લાગતા મુસાફરોમાં ભારે નાસભાગ અને ગભરાટ ફેલાઈ ગયો હતો. ઘણાં મુસાફરો સામાન છોડીને જીવ બચાવવા ટ્રેનમાંથી નીચે કૂદી પડ્યા હતા. રેલવે દ્વારા અસરગ્રસ્ત મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.
https://x.com/ecor_railfans/status/2005470886242185609?s=20
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે B-1 એસી કોચના બ્રેક જામ થવાને કારણે આગ લાગી હતી. B-1 કોચમાં મુસાફરી કરી રહેલા વિશાખાપટ્ટનમના રહેવાસી 70 વર્ષીય ચંદ્રશેખર સુંદરનું આ અકસ્માતમાં મોત થયું હતું. લગભગ બે ડઝન અન્ય મુસાફરોને પણ નાની મોટી ઈજા થઇ છે. તેમનો બધો સામાન પણ આ અકસ્માતમાં નાશ પામ્યો હતો.
અકસ્માતને કારણે, વિશાખાપટ્ટનમ-વિજયવાડા રેલ રૂટ પર ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે. રેલ્વે અધિકારીઓએ જણાવ્યું હતું કે સવારે 3:30 વાગ્યા પછી વૈકલ્પિક ટ્રેનો અને બસોનો ઉપયોગ કરીને મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
ગૃહમંત્રી અનિતાની પ્રતિક્રિયા
આંધ્રપ્રદેશના ગૃહમંત્રી વાંગલાપુડી અનિતાએ એર્નાકુલમ એક્સપ્રેસમાં આગની ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું. તેમણે અધિકારીઓ સાથે ફોન પર વાત કરીને સંપૂર્ણ માહિતી મેળવી અને ઘાયલોને શ્રેષ્ઠ તબીબી સંભાળ પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો. મંત્રીએ રેલ સેવાઓ ઝડપથી પુનઃસ્થાપિત થાય તે સુનિશ્ચિત કરવા માટે જરૂરી પગલાં લેવા વિનંતી કરી. તેમણે મૃતકોના પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી.
