તાલાલાના ગુંદરણમાં હાઈપ્રોફાઈલ જુગારધામ પર દરોડો, 14.85 લાખનો મુદ્દામાલ જપ્ત

સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ગાંધીનગરની ટીમે તાલાલાના ગુંદરણ અને ધાવા ગામ રોડ વચ્ચેની સીમમાં આવેલા એક જુગારધામ પર મોડી રાત્રે દરોડો પાડ્યો હતો. આ દરોડા…

સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ગાંધીનગરની ટીમે તાલાલાના ગુંદરણ અને ધાવા ગામ રોડ વચ્ચેની સીમમાં આવેલા એક જુગારધામ પર મોડી રાત્રે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન 13 જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા, જ્યારે 27 જુગારીઓ નાસભાગ કરીને ભાગી છૂટ્યા હતા. પોલીસે જુગારના અડ્ડા પરથી રૂા. 14.85 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

SMCની ટીમે જુગારધામ પરથી રૂા. 1,49,750 રોકડા, 22 ટુ-વ્હીલર, 4 ફોર-વ્હીલર અને 22 મોબાઈલ ફોન સહિત કુલ રૂૂ. 14,85,950નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તાલાલા પંથકના વાડી વિસ્તારમાં ખાનગીમાં ચાલતા આ જુગારધામ પર SMC ત્રાટકતા સ્થાનિક તાલાલા પોલીસને આ અંગે કોઈ જાણ ન હોવાનું સામે આવ્યું હતું. પકડાયેલા જુગારીઓ અને વાહનો સહિતનો મુદ્દામાલ મોડી રાત્રે તાલાલા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. SMCના મહિલા પીએસઆઈ કે.એચ. ઝણકાંત અને તેમની ટીમે આરોપીઓની પૂછપરછ શરૂૂ કરી હતી અને ભાગી છૂટેલા શખ્સોના નામ અને વિગતો મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આખી રાત SMCની ટીમે તપાસ ચલાવી હતી. પોલીસે પોતાના વાહનો મૂકીને ભાગી છૂટેલા વાહન માલિકો અને બે મોબાઈલ ફોનના માલિકોના આધારે કુલ 27 આરોપીઓને ભાગી છૂટેલા તરીકે દર્શાવ્યા છે. SMCના પોલીસકર્મી સોયબભાઈ સુલેમાનભાઈએ તાલાલા પોલીસમાં વિઠ્ઠલપુરના અયુબ હુસેનભાઈ ખાનાણી સહિત 13 શખ્સો વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઝડપાયેલા આરોપીઓની ધરપકડ કરી છે અને ભાગી છૂટેલા 27 આરોપીઓને પકડવા માટે શોધખોળ ચલાવી રહી છે.

ગુંદરણ ગીરની સીમમાં ચાલતા આ હાઈ-પ્રોફાઈલ જુગારધામ કોની રહેમનજર હેઠળ ચાલતો હતો અને સ્થાનિક પોલીસને તેની ગંધ સુદ્ધા કેમ ન આવી, તેવા અનેક સવાલો તાલાલા પંથકના લોકોમાં ઉઠી રહ્યા છે, કારણ કે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ છેક તાલાલાના ગુંદરણ-ધાવા સીમમાં ચાલતા જુગારધામ સુધી પહોંચી ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *