મહિલા ફરાર : દેશી દારૂ સહિત 1.54 લાખનો મુદ્દામાલ કબજે લેતી
જેતપુરના ચારણ સમઢિયાળા ગામની સીમમાં સુરવો ડેમના કાંઠે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઉપર ગ્રામ્ય એલસીબીની ટીમે દરોડો પાડી ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. આ દરોડામાં મહિલા બુટલેગર ફરાર થઈ ગઈ હતી. એલસીબીએ દેશી દારૂ સહિત રૂા. 1.54 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
જેતપુર વિસ્તારમાં દેશી દારૂના હાટડાઓ ઉપર ગ્રામ્ય એલસીબીએ ધોસ બોલાવી છે. ત્યારે જેતપુરના સુરવો ડેમના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ઉપર એલસીબીના પીઆઈ વી.વી. ઓડેદરા અને તેમની ટીમ ત્રાંટકી હતી. દેશી દારૂ બનાવવાના સાધનો તથા આથો અને તૈયાર દેશી દારૂ સહિત રૂા. 1.54 લાખનો મુદ્દામાલ કબ્જે કરી એલસીબીએ જેતપુરના ખારચિયા ગામના જેઠા નારણ ચાવડા બોરડી સમઢિયાળાના વિવેક ધનજી હળવદિયા, જેતપુરના આશિષ પ્રવિણ વઘાસિયાની ધરપકડ કરી હતી. જ્યારે આ દરોડામાં મહિલા બુટલેગર સરોજબેન નારણભાઈ મકવાણા ફરાર થઈ ગઈ હતી.
જિલ્લા પોલીસવડા હિમકર સિંહની સુચનાથી એલસીબીના પીઆઈ વી.વી. ઓડેદરા સાથે પીએસઆઈ કે.એન. ચાવડા, એચ.સી. ગોહિલ, પી.એન. ટોટા, એએસઆઈ બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, અનિલભાઈ, નિલેશભાઈ ડાંગર, દિવ્યેશભાઈ સુવા, શક્તિસિંહ જાડેજા, અરવિંદસિંહ જાડેજા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.