ભારતની ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન પી. વી. સિંધુ અને મેન્સ ડબલ્સની ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-વન જોડી સાત્વિકસાઇરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ ગઇકાલે મલયેશિયા ઓપન સુપર 1000 બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં ચાઇનીઝ તાઇપેઇના હરીફોને પરાજિત કરીને વિજયી શરૂૂઆત કરી હતી.
30 વર્ષીય સિંધુ પગની ઈજાને કારણે લાંબા સમય સુધી નહોતી રમી શકી. ગઇકાલે તેણે ધમાકેદાર કમબેક કર્યું હતું જેમાં તેણે સિંગલ્સના પ્રારંભિક રાઉન્ડમાં તાઇપેઇની સુન્ગ શુઓ યુનને 51 મિનિટમાં 21-14, 22-20થી હરાવી દીધી હતી. સિંધુની હાલમાં વિશ્વમાં 18મી રેન્ક છે અને હવે તે પ્રી-ક્વોર્ટર ફાઇનલમાં જાપાનની વર્લ્ડ નંબર-નાઇન તોમોકા મિયાઝાકી સામે રમશે. સિંધુ અગાઉ મિયાઝાકીને એક વખત હરાવી ચૂકી છે અને એક મેચમાં ખુદ સિંધુનો પરાજય થયો હતો.
