હાલની 50% અનામતની મર્યાદા રદ કરો, સહકારી સંસ્થાઓમાં મહિલા અનામતની જોગવાઇ કરો: ઓબીસી જન અધિકાર સમિતિનો સૌરાષ્ટ્ર ઝોનનો પરિસંવાદ યોજાયો
ઓબીસી જન અધિકાર સમિતિ દ્વારા રાજકોટ ખાતે યોજવામાં આવેલા સૌરાષ્ટ્ર ઝોનના પરિસંવાદમાં વિવિધ માંગણીઓ જેવી કે જાતિ આધારિત જનગણના કરવા અને તે મુજબ ઓબીસી વસતીને અનામત આપવા, હાલની અનામતની મર્યાદા 50%ની છે તે દૂર કરવા, ઓબીસી વસતીના આધારે બજેટની ફાળવણી કરવા, સહકારી સંસ્થાઓમાં એસ.સી, એસ.ટી, ઓ.બી.સી, મહિલાઓને વસતીના આધારે અનામત આપવા તથા ઝવેરી આયોગના રિપોર્ટનો સ્વીકાર કરવા સહિતની બાબતોનો સમાવેશ થાય છે.
ઓબીસી જન અધિકાર સમિતિ એટલે કે ઘઉંઅજ દેશભરમાં તાત્કાલિક વસતી ગણતરી કરાવી તેમાં તમામ જાતિ આધારિત જણ ગણના કરવામાં આવે અને વહેલામાં વહેલી જાહેર કરવામાં આવે તે માટે જાગરુકત માટે ગુજરાતમાં ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એમ ચાર ઝોન માં ઝોન વાઈઝ જન જાગૃતિ અર્થે પરિસંવાદ સેમિનાર નું આયોજન છે જેમાં વિદ્વાન વક્તાઓ, નિષ્ણાંતો, સામાજીક આગેવાનો, અને રાજકીય આગેવાનોને નિમંત્રણ આપી જન જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે, જે હેઠળ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત ઝોન બાદ સૌરાષ્ટ્ર ઝોનનો પરિસંવાદ રાજકોટ ખાતે યોજાયો હતો.
ભારત સરકારે જ્યારે એસ.સી./એસ.ટી.અને અન્ય પછાત વર્ગ માટે અનામતની ખાસ જોગવાઈઓ કરી ત્યારે તેની સામે વાંધા લેનારાઓ દ્વારા કાનૂની લડત અપાઈ, જેમાં નામદાર સુપ્રિમ કોર્ટ દ્વારા સુનિશ્વિત કરવામાં આવ્યું કે સરકાર પછાત વર્ગના લોકો માટે કુલ જગ્યાના 50 % થી વધુ જગ્યા ઉપર અનામત લાગુ કરી શકે નહીં. આ સંજોગોમાં દેશમાં સરકારે ભરવાની થતી તમામ જગાઓને આ નિયમ લાગુ કરવામાં આવ્યા. આપણા ગુજરાતની વાસ્તવિકતા એવી હતી કે રાજ્યમફાં વસતા એસ.સી. ની વસતી 7 % હતી, રાજ્યમાં વસતા એસ.ટી. ની વસતી 14 % હતી , અને અન્ય પછાત વર્ગની વસતી 52 % હતી. આમ રાજ્યમાં જ્યારે વંચિત ગરીબ અને પછાત વર્ગના લોકોની વસતિ ( એસ.સી. +એસ.ટી. + ઓબીસી ) 73 % હતી અને 27 % ઓપન કેટેગરીની વસતી હતી ત્યારે રીઝર્વેશ 50 % સીટ પુરતું જ લાગુ કરવાની જોગવાઈના કારણે રાજ્ય સરકારે એસ.સી. માટે 7% + એસ.ટી માટે 14 % સીટ અનામત રાખવાનું નક્કી કરાયું, જેથી એસ.સી. અને એસ. ટી.ને તેમની વસતિના પ્રમાણ માં અનામત જોગવાઈનો લાભ અપાયો હતો. આ ઉપરાંત માજી સૈનિકો તથા વિકલાંગો માટે 2% રીઝર્વેશન રાખવામાં આવેલ હતું. આમ ભરવાની થતી 100 જગ્યા સામે રાજ્ય સરકારે અનામત રખાયેલ 50 % જગ્યા સામે 23 % રીઝર્વેશન આપી દીધું હતું , જેની સામે કોઈને પણ વાંધો હોઈ શકે નહીં. આ પછી રીઝર્વેશનની બાકી રહેલ 27 % જગાઓ અન્ય પછાત વર્ગને આપવાની સરકારે જોગવાઈ કરી , જેના કારણે અન્ય પછાત વર્ગને ખરેખર મળવા પાત્ર 52 (બાવન) % જગા સામે માત્ર 27 % જગાઓ આપી અન્ય પછાત વર્ગના હક્કની 25 % જગાઓ ઓપન કેટેગરીમાં મૂકી દીધી છે. જેના કારણે રાજ્યના અન્ય પછાત વર્ગના લોકોમાં વર્ષોથી અન્યાય થયાની લાગણી જન્મી છે, જેનો અસંતોષ આજે પણ પ્રવર્તે છે.
ઉપસ્થિત અગ્રણીઓ
આ પરિસંવાદ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ડો. રવિકાંત જી, વિધાનસભા વિપક્ષ નેતા અમિતભાઈ ચાવડા, સેવાદળના રાષ્ટ્રીય સંયોજક લાલજીભાઈ દેસાઈએ પધારેલ લોકોને સંબોધિત કર્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે અઈંઈઈ સેક્રેટરી ઋત્વીક ભાઈ મકવાણા, ચંદ્રિકાબેન ચુડાસમા પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશ, પૂર્વ ધારાસભ્ય વિક્રમભાઈ માડમ, પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ, ગુજરાત કોંગ્રેસ ઓબીસી વિભાગ પ્રમુખ રાજેશભાઈ ગોહિલ, ગુજરાત કોંગ્રેસ ઓબીસી વિભાગના કાર્યકારી પ્રમુખ મહેશ રાજપૂત તેમજ રાજેશભાઈ આહીર, ગાયત્રીબા વાઘેલા, હીરાભાઈ જોટવા ઉપસ્થિત રહ્યા હતાં.