રાજકોટ જિલ્લા પેન્શનર અને સિનિયર સિટીઝન સમાજનું આવેદન
રાજકોટ જિલ્લા પેન્શનર અને સિનિયર સિટીઝન સમાજ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને એક આવેદન પત્ર પાઠવીને પેન્શનરોના હિતમાં મહત્વની રજૂઆત કરવામાં આવી છે. સંસ્થાએ કેન્દ્ર સરકારના ધોરણે ગુજરાતમાં પણ વિધવા, ત્યક્તા અને અપરણિત પુત્રીઓને ફેમિલી પેન્શનનો લાભ આપવા માંગ કરી છે.
કેન્દ્ર સરકાર દ્વારા 2014થી અમલી બનેલા પરિપત્ર મુજબ, પેન્શનરના અવસાન બાદ તેની આશ્રિત પુત્રીઓને પેન્શન મળે છે, જેનો અમલ ગુજરાતમાં પણ કરવા માંગ ઉઠી છે. પેન્શનર સમાજે રાજ્ય સરકાર દ્વારા વિધવા અને અસહાય બહેનોને માસિક પેન્શન આપવાની યોજનાને બિરદાવી હતી, સાથે જ આ નવી માંગણી સ્વીકારવા આશા વ્યક્ત કરી છે. સંસ્થાના પ્રમુખ હારિતસિંહ જાડેજા અને અન્ય હોદ્દેદારોએ જણાવ્યું કે, આ નિર્ણયથી સ્વર્ગસ્થ કર્મચારીઓના પરિવારોને આર્થિક ટેકો અને ચિંતામુક્તિ મળશે.
