રાજ્યના મહેસૂલી તલાટીઓ અને મહેસૂલી કર્મચારીઓના પડતર પ્રશ્નો તેમજ ઉતાવળે નક્કી કરાયેલા નવા જોબચાર્ટ સામે કર્મચારીઓમાં ભારે રોષ ફેલાયો છે. ગુજરાત રાજ્ય મહેસૂલી મહામંડળના આદેશ મુજબ રાજકોટ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી ‘વર્ક ટુ રૂૂલ’ અને ‘વર્ક વિથ ડિગ્નિટી’ના સિદ્ધાંત મુજબ કામ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ અંગે મુખ્યમંત્રી, મહેસૂલ મંત્રી અને મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવને પણ પત્ર પાઠવી વાંધાઓ રજૂ કરાયા છે.
મંડળ દ્વારા જણાવાયું છે કે વિભાગ દ્વારા ઉતાવળે બનાવેલા જોબચાર્ટમાં એવી અનેક વિસંગતતાઓ છે જે મહેસૂલ વિભાગ સાથે સંબંધિત નથી. જ્યાં સુધી આ વિસંગતતાઓ દૂર કરવામાં નહીં આવે અને જોબચાર્ટની પુન: સમીક્ષા નહીં થાય ત્યાં સુધી બિન-મહેસૂલી વધારાની કામગીરી ન કરવાનો નિર્ણય લેવાયો છે. સાથે જ, બઢતી સમયે કરાયેલા બિનજરૂૂરી જિલ્લા ફેર તાત્કાલિક રદ કરવાની માંગ કરાઈ છે.
મહેસૂલી કર્મચારીઓ સવારે 10:30 થી સાંજે 6:10 ના સત્તાવાર સરકારી કલાકો દરમિયાન જ ફરજ બજાવશે.કચેરી સમય પૂર્ણ થયા બાદ તેમજ જાહેર રજાઓના દિવસોમાં સામાન્ય કે ઓનલાઇન કામગીરીથી કર્મચારીઓ અળગા રહેશે. નિયત સમય સિવાય OTP કે Thumb/Biometricઆધારિત કોઈપણ કામગીરી કરવામાં આવશે નહીં.પંચાયત કચેરીની માફક ગ્રામ્ય સ્તરે અલગ રેવન્યુ કચેરી ઊભી કરવામાં આવે અને ગામ દીઠ અલગ મહેકમ મંજૂર થાય તો જ નવો જોબચાર્ટ અમલી બનાવવો શક્ય બનશે.
મહેસૂલી મંડળના આગેવાનોએ સ્પષ્ટ કર્યું છે કે કર્મચારીઓ પોતાના મૂળ વિભાગની કામગીરી પૂર્ણ નિષ્ઠા અને અંત:કરણપૂર્વક કરશે, પરંતુ અન્ય વિભાગોનું વધારાનું ભારણ અને કર્મચારીઓની ઉપેક્ષા હવે સહન કરવામાં આવશે નહીં. સરકારે તાત્કાલિક યોગ્ય ઉકેલ નહીં લાવે તો આગામી સમયમાં વિરોધ વધુ ઉગ્ર બને તેવી શક્યતા છે.
