રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદાજે 30 જેટલી સોસાયટીઓમાં લાગુ કરવામાં આવેલા અશાંતધારાની મુદત આગામી 27મી જૂને પૂર્ણ થવા જઈ રહી છે. વિસ્તારની વસ્તીની ભૌગોલિક સ્થિતિ અને શાંતિ-સલામતી જળવાઈ રહે તે હેતુથી રાજકોટ કલેકટર તંત્ર દ્વારા આ અશાંતધારાની મુદત લંબાવવા માટે રાજ્ય સરકાર અને ગૃહ વિભાગને દરખાસ્ત મોકલવામાં આવી છે.
રાજકોટ કલેકટર તંત્ર દ્વારા મોકલવામાં આવેલી આ દરખાસ્ત પર હવે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવશે. ગૃહ વિભાગની લીલી ઝંડી મળ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર જાહેરનામું બહાર પાડીને ભક્તિનગર પોલીસ સ્ટેશન હેઠળની આ 30 સોસાયટીઓમાં અશાંતધારાની મુદત આગામી વર્ષો માટે લંબાવી દેવામાં આવશે. હવે જોવાનું એ રહેશે કે કલેકટર તંત્ર દ્વારા મોકલવામાં આવેલી આ દરખાસ્ત પર રાજ્યના ગૃહ વિભાગ ક્યારે અને કેવો નિર્ણય લે છે.
અશાંતધારા હેઠળ આવરી લેવાયેલી મુખ્ય 30 સોસાયટીઓમાં નીચેના વિસ્તારોનો સમાવેશ થાય છે. જેમાં તિરૂૂપતિ સોસાયટી, નીલકંઠ પાર્ક સોસાયટી, મેહુલનગર દેવપરા, ગોકુલનગર, મેઘાણીનગર, કેદારનાથ સૂર્યોદય સોસાયટી, સોરઠીયાવાડી વિસ્તાર વિવેકાનંદ સોસાયટી, સાગર સોસાયટી, પુનીત સોસાયટી પટેલ નગર સોસાયટી, મહેશ્વરી સોસાયટી, પરસાણા સોસાયટીનવદુર્ગા સોસાયટી, રાધાકૃષ્ણ નગર અને મારૂૂતિ નગર સહિતના વિસ્તારોનો સમાવેશ થઇ છે.
જ્યારે કોઈ વિસ્તારમાં અશાંતધારો લાગુ હોય ત્યારે મકાન કે દુકાન વેચવા પર સીધા નિયંત્રણો આવી જાય છે. મિલકત વેચવા માટે કલેક્ટરને લેખિતમાં જાણ કરવી પડે છે અને મિલકત વેચવાનું ચોક્કસ કારણ જણાવવું પડે છે. આ ઉપરાંત, મિલકત કોને વેચી રહ્યાં છો તેની સંપૂર્ણ વિગતો પણ આપવી પડે છે. ત્યારબાદ કલેક્ટર ખરીદનાર અને વેચનાર બંને પક્ષોની સુનાવણી હાથ ધરે છે અને કલેક્ટરને યોગ્ય લાગે તો જ આ સોદો કાયદેસર ગણાય છે.
