કોમન શૌચાલય હોવાથી વારંવાર પ્રિન્સિપાલ માનસિક ત્રાસ આપતા હોવાના પણ આક્ષેપ : મહિલા આચાર્યા દાદાગીરી કરતા હોવાની રાવ : વાલીઓમાં રોષ ફેલાયો
મનપાની શિક્ષણ સમિતિ સંચાલિત આકાશવાણી ચોકમાં આવેલ શાળા નંબર 92માં ફૂલ તોડવા બાબતે આંગણવાડીના ચાર વર્ષના બાળકને આચાર્ય ગાલ ખેંચી અને ફડાકો માર્યો હોવાનો આક્ષેપ આંગણવાડીના સંચાલક અને અન્ય બાળકો દ્વારા કરવામાં આવ્યો છે.
રાજકોટ મહાનગરપાલિકાના શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત આકાશવાણી ચોકમા આવેલી શાળા નંબર 92 પ્રાથમિક શાળાના પટાંગણમા વર્ષોથી એક સરકારી આંગણવાડી ચાલુ છે જેમા ગઈકાલે શિક્ષણજગત માટે એક ગંભીર ઘટના સામે આવી છે. આ પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલને શાળાના કેમ્પસમાં આવેલી આંગણવાડી કોઈ કારણોસર પસંદ ના હોવાથી અવારનવાર આંગણવાડીના બાળકોનો વાંક એક કે બીજા અન્ય કારણોના બાહના શોધી વારંવાર આશા વર્કર બહેનોને આંગણવાડી અન્ય જગ્યાએ શિફ્ટ કરવા ત્રાસ આપવાની અમોને રજૂઆત મળી છે.શાળા અને આંગણવાડીનો ટોઇલેટ બાથરૂૂમ કોમન હોવાથી નાના બાળકો જ્યારે ટોઇલેટ કે વોશરૂૂમ જતા હોય તે બાબત પણ પ્રિન્સિપાલ મેડમ પસંદ ના હોય તો આંગણવાડીના સંચાલિકાઓને અન્ય સેપરેટ ટોઇલેટ બનાવીને ઉપયોગ કરવા માટે ખોટી રીતે ધમકાવતા હોવાની શરમજનક વિગતો પણ સામે આવી છે.
ગઈકાલે આ આંગણવાડીના એક બાળક લઘુશંકા માટે ગયો હતો ત્યારે તેઓએ શાળાના પટાગણમા આવેલી એક છોડનુ ફૂલ તોડતા આ બાબતે પ્રિન્સિપાલ મેડમ આંગણવાડીના ઓરડામા આવી જોર જોરથી બાળકો અને સંચાલિકાઓ પર રાડો પાડી ત્યા ઓરડામા રહેલ નાના બાળકોની ખુરશીઓ પછાડી હતી અને ફૂલ તોડનાર બાળકને કાન પકડીને ગાલમા ફડાકા ઝીક્યા હતા.પ્રિન્સિપાલની આ હરકતથી આંગણવાડીના નાના માસુમ ભૂલકાઓ બીકના માર્યા રોવા લાગ્યા હતા અને જે બાળકને ફડાકા માર્યા તે બાળકને તાવ આવી ગયો હતો ઘરે જઈને જમવાનુ છોડી દીધુ હતુ.(આ બાબતો ભૂલકાઓના વાલીઓ પાસેથી ખરાઈ બાદ જ ઉલ્લેખ કરવામા આવેલો છે તેમ કોંગ્રેસનેતા રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું છે.
કાર્યવાહી નહીં થાય તો આંદોલન: કોંગ્રેસ
રાજ્યમા છેલ્લા થોડા સમયથી શૈક્ષણિક સંસ્થાઓમા નાના ભૂલકાઓનો માનસિક ત્રસ્ત અને દબાવના કારણોસર આત્મહત્યાના વધતા જતા કિસ્સાઓનો ચિંતાજનક વધારા વચ્ચે એક પ્રિન્સિપાલ દરરજાના શિક્ષક દ્વારા આવી હરકતથી કોઈ નાનો ભૂલકો અવળુ પગલુ ભરે તો તો તેનુ જવાબદાર કોણ? અમારી માંગ છે કે આ અતિ ગંભીર ઘટના બાબતે તપાસ કમિટીનુ રચના કરી જેમા બાળનિષ્ણાત અધિકારીનો સમાવેશ કરીને આંગણવાડીના બાળકોનુ કાઉન્સિલિંગ કરી નિવેદનો લેવામા આવે,આંગણવાડીના સંચાલક સ્ટાફના નિવેદનો અને જરૂૂર પડ્યે ભૂલકાઓના વાલીઓના નિવેદનો લઈને પારદર્શક તપાસ કરીને તાકીદે આ પ્રિન્સિપાલ વિરુદ્ધ ફોજદારી અને ખાતાકીય કડક કાર્યવાહી કરવામા આવે અને તપાસ પૂરી થાય ત્યાં સુધી આ શાળાના પ્રિન્સિપાલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરાઈ છે.
બાળકોને શિસ્તમાં રાખવા થોડું ખિજાવું પડે, ફડાકો નથી માર્યો: આચાર્ય
આ ઘટના અંગે પ્રિન્સીપાલ ધર્મિષ્ઠા જાગોદડિયાએ જણાવ્યું હતું કે, ફડાકો માર્યો નથી ગાલ ખેંચ્યો હતો ખુરશી પણ પછાડી નથી પગમાં આવી તો દૂર કરી હતી અને બાળકોને શિસ્તમાં રાખવા થોડો ડારો દેવો પણ પડે અને આ બાબતે વાલી પણ મળીને ગયા છે. નાના ભુલકાઓને થોડુ ખિજાય તો તેઓ તોફાન ઓછા કરે મે ફડાકો નથી માર્યો.
પ્રિન્સીપાલ બે વર્ષથી માનસિક ત્રાસ આપે છે: આંગણવાડી સંચાલિકા
આંગણવાડી અને શાળાનું શૌચાલય કોમન હોવાથી પ્રિન્સીપાલને તે ગમતું નથી અને કેમ્પસમાં બન્ને બિલ્ડીંગ સાથે હોવાથી વારંવાર આ ઘટનાનુંં પુનરાવર્તન થાય છે. છેલ્લા બે વર્ષથી આંગણવાડી ખાલી કરાવી છે એટલે માનસિક ત્રાસ આપે છે. અને અમને ત્રાસ આપતા હતા તે સહન કરી લીધો હતો પરંતુ હવે તો હદ કરી અને અમારા બાળકને ફડાકો મારી ચિટ્યો ભર્યો છે. તેવા આંગણવાડીના સંચાલિકાએ આક્ષેપ કર્યો છે.
મારા બાળકને ધગારો આવી ગયો છે, શાળાએ રજા રાખી : વાલી
ફડાકો મારવા બાબતે બાળકના વાલીએ જણાવ્યું હતુ ંકે, શાળાના આંગણામાં આવેલ ફુલવાડીમાંથી મારા બાળકે ફૂલ તોડતા આચાર્ય ફડાકો માર્યો હતો. અને ચિટકો ભર્યો હતો જેથી તેને ધગારો આવી ગયો હતો અને આજે શાળાએ પણ રજા રાખી છે આ બાબતે પ્રિન્સીપાલને રજૂઆત કરાઈ હતી જે બાબતે પ્રિન્સીપાલે હવે બીજીવખત ધ્યાન રાખીશ એવું આશ્ર્વાસન આપ્યું હતું.