રાજકોટમાં ત્રણ સ્થળે વડાપ્રધાનની સુરક્ષા વ્યવસ્થાનું રિહર્સલ યોજાયું

મારવાડી યુનિવર્સિટી, બેડી યાર્ડ ખાતે હેલીપેડ સ્થળ અને હીરાસર એરપોર્ટ ખાતે સુરક્ષ વ્યવસ્થા માટે 4338 પોલીસે મોરચો સંભાળ્યો આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાઈબ્રન્ટ સમિટ માટે…

મારવાડી યુનિવર્સિટી, બેડી યાર્ડ ખાતે હેલીપેડ સ્થળ અને હીરાસર એરપોર્ટ ખાતે સુરક્ષ વ્યવસ્થા માટે 4338 પોલીસે મોરચો સંભાળ્યો

આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાઈબ્રન્ટ સમિટ માટે રાજકોટ આવી રહ્યાં હોય ત્યારે રાજકોટમાં વડાપ્રધાનની સુરક્ષા માટે ત્રણ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેને લઈને રાજકોટમાં ગુજરાતભરમાંથી પોલીસના ઘાડેધાડા ઉતારી દેવામાં આવ્યા છે. વાઈબ્રન્ટ સમીટને લઇ રાજકોટમાં વડાપ્રધાનની સુરક્ષા માટે બે આઈજી કક્ષાના અધિકારી અને 11 ડીસીપી કક્ષાના અધિકારી મળી કુલ 4338 પોલીસને સુરક્ષા વ્યવસ્થા માટે તૈનાત કરવામાં આવ્યા છે. વડાપ્રધાનની સુરક્ષા વ્યવસ્થા સંભાળતી એસપીજીની ટીમ પણ રાજકોટ આવી છે ત્યારે ગઈકાલે સાંજે એસપીજીની ટીમે રાજકોટમાં પોલીસ અધિકરીઓ સાથે સુરક્ષા વ્યવસ્થાનું ત્રણ સ્થળે રિહર્સલ કર્યું હતું. જેમાં મારવાડી યુનિવર્સીટી, બેડી ખાતે તૈયાર કરેલ હેલીપેડ અને હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે રિહર્સલ કર્યું હતું.

આવતીકાલે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રાજકોટની મારવાડી યુનિવર્સિટી ખાતે વાઈબ્રન્ટ ગુજરાત રીઝનલ સબ સમિટનું ઉદઘાટન થનાર હોય જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના આગેવાનો ઉપસ્થિત રહેનાર હોય ત્યારે વડાપ્રધાનની સુરક્ષા વ્યવસ્થાનું ત્રણ સ્થળે રિહર્સલ કર્યું હતું. વડાપ્રધાનની સુરક્ષા વ્યવસ્થા સંભાળતા એસ.પી.જી.ની ટીમ રાજકોટ આવી હતી અને સુરક્ષા વ્યવસ્થા અંગે સ્થાનિક પોલીસ અધિકારીઓ સાથે બેઠક પોજી હતી. પોલીસ કમિશ્નર બ્રજેશકુમારબગડીયા, ડીસીપી ઝોન-1 હેતલ પટેલ, ડીસીપી ઝોન-2 રાકેશ દેસાઈ, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, ડીસીપી ટ્રાફીક હરપાલસિંહ જાડેજા સહીતના અધિકારીઓ સાથે બેઠક યોજી ગઈકાલે વડાપ્રધાનની સુરક્ષા વ્યવસ્થાનું રિહર્સલ કર્યું હતું.

મારવાડી યુનિવર્સીટી, બેડી ખાતે તૈયાર કરેલ હેલીપેડ અને હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે રિહર્સલ કર્યું હતું. વડાપ્રધાનની સુરક્ષા માટે રાજકોટમાં બે આઈજી કક્ષાના અધિકારી તેમજ 11 ડીસીપી, 30 એસીપી, 90 પીઆઈ, 235 પીએસઆઈ, 2560 હેડ કોન્સ્ટેબ-કોન્સ્ટેબલ, 450 હોમગાર્ડ, 750 ટીઆરબી જવાન સાથે એસઆરપીની ત્રણ કંપની કે જેમાં 210 એસઆરપી જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.

આ તમામે ગઈકાલે સાંજથી બંદોબસ્તની ફરજ સ્થળે ચાર્જ સાંભળી લીધો છે. વડાપ્રધાનની સુરક્ષામાં ચકલુ પણ ન ફરકે તેવી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વડાપ્રધાનના બેડી યાર્ડ ખાતે હેલીપેડ ખાતે આગમનથી લઈ મારવાડી યુનિવર્સિટી ખાતે કાર્યક્રમ સ્થળ સુધી તેમજ એરપોર્ટ ખાતે સજ્જડ સુરક્ષા ગોઠવવામાં આવી હોય તેનું ગઈકાલે રિહર્સલ યોજાયું હતું. આ રિહર્સલમાં વાયુસેનાના હેલિકોપ્ટર પણ જોડાયા હતા.

પોલીસ અધિકારીઓ માટે બ્લેઝર થી લઇ કોટી જેવા ખાસ ડ્રેસ કોડ તૈયાર
વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટનું ઉદ્દઘાટન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાજકોટ આવી રહ્યા છે તેમની સાથે દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ સહીતના ટોચના અગ્રણીઓ સહિતના નેતાઓ રાજકોટ આવવાના હોય ત્યારે વીવીઆઈપી-વીઆઈપીની સુરક્ષા માટે તૈનાત પોલીસ અધિકારીઓ અને પોલીસ માટે ખાસ ડ્રેસ કોડ તૈયાર કરવામાં આવ્યો છે. સરકારના આદેશથી 1100 જોડી કપડાં, 200 કોટી અને 100 બ્લેઝર બનાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.રાજકોટમાં વૈશ્વિક કક્ષાનો કાર્યક્રમ જેથી સરકાર દ્વારા નક્કી કરાયેલા પ્રોટોકોલ પ્રમાણે પોલીસ માટે ડ્રેસ કોડ નક્કી કરવામાં આવ્યો છે. આ પ્રોટોકોલને ધ્યાનમાં રાખી બંદોબસ્તમાં તૈનાત રહેનાર 1100 જવાનો માટે એક જ રંગની કપડા તેમજ પોલીસ અધિકારીઓ માટે 100 બ્લેઝર તો એસીપી- પીઆઈ સહિતના માટે 200 કોટીનો ઓર્ડર આપવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *