11 વરસમાં વડાપ્રધાન મોદીની 54મી કાશીયાત્રા: 14 કિલોમીટર લાંબા રોડ શોમાં જયજયકાર
એક તરફ પશ્ચિમ બંગાળમાં બીજા રાઉન્ડની વિધાનસભા ચૂંટણીના નગારા વાગી રહ્યા છે ને આખરી મતદાન ચાલુ થઇ ગયું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉતરપ્રદેશના જગવિખ્યાત તીર્થધામ કાશીમાં 14 કિલોમીટર લાંબો, હૈયેહૈયું દળાય એવી ભીડ સાથેનો ભવ્ય રોડ-શો કર્યો હતો ને છેવટે તેઓ કાશી વિશ્ર્વનાથ મહાદેવ મંદિરે પહોંચ્યા હતા. જયાં ગગનભેદી શંખનાદ અને ડમરૂની નાદ વચ્ચે તેઓએ શિવલિંગ પર રૂદ્રાભિષેક કર્યો હતો. કાશીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે 14 કિલોમીટર લાંબો રોડ શો કર્યો. તેઓ ઇકઠ ગેસ્ટ હાઉસથી કાશી વિશ્વનાથ મંદિર પહોંચ્યા. ગેટ પર જ 108 પંડિતોએ શંખનાદ સાથે તેમનું સ્વાગત કર્યું. હવે બાબા વિશ્વનાથના દર્શન-પૂજન કરી પછી તેમણે રુદ્રાભિષેક પણ કર્યો હતો.
રોડ શો દરમિયાન ભાજપના કાર્યકરો ઢોલ-નગારા પર નૃત્ય કરતા જોવા મળ્યા. વડાપ્રધાનનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું. કાફલા પર ફૂલો વરસાવવામાં આવ્યા. પીએમએ હાથ હલાવીને અભિવાદન કર્યું.
મંદિરથી પીએમ રોડ માર્ગે એરપોર્ટ પહોંચ્યા હતા, ત્યાંથી સીએમ યોગી સાથે હરદોઈ રવાના થયા હતા. જ્યાં ગંગા એક્સપ્રેસ-વેનું ઉદ્ઘાટન કર્યું હતું. 594 કિલોમીટર લાંબો આ એક્સપ્રેસ-વે મેરઠને પ્રયાગરાજ સાથે જોડશે. વડાપ્રધાનનો 11 વર્ષમાં આ 54મો કાશી પ્રવાસ છે. જોકે, આ 2026નો પહેલો પ્રવાસ છે. આ પહેલા, પીએમ નવેમ્બર 2025માં કાશી આવ્યા હતા.
કાશી વિશ્વનાથ મંદિરના દ્વાર પર 108 પંડિતોએ શંખ વગાડીને પીએમનું સ્વાગત કર્યું હતું. ત્યારે વાતાવરણ ગુંજી ઉઠયું હતું. પંડિતોએ ડમરૂૂ વગાડીને અને શંખ વગાડીને પીએમનું સ્વાગત કર્યું. પીએમએ હાથ જોડીને બધાનું અભિવાદન ઝીલ્યું હતું. વડાપ્રધાને તેમના કાશી પ્રવાસના પહેલા દિવસે 6,350 કરોડ રૂૂપિયાના 163 વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો. તેમણે નારી શક્તિ વંદન સંમેલનમાં પણ ભાગ લીધો હતો, જેમાં લગભગ 50 હજાર મહિલાઓ સામેલ થઈ હતી. મંચ પર રાજકારણ, સ્વયં સહાય જૂથ અને ચિકિત્સા ક્ષેત્ર સાથે જોડાયેલી 44 મહિલાઓ હાજર રહી હતી. વડાપ્રધાને કહ્યું કે સપા અને કોંગ્રેસે મહિલાઓને છેતર્યા છે. તમારા આરક્ષણનો હક લાગુ થાય, તેમાં કોઈ કસર બાકી નહીં રાખું.
