રાજ્યના 5.08 કરોડમાંથી 4.34 કરોડ મતદારોએ ફોર્મ પરત કર્યા, તમામ જિલ્લામાં 100 ટકા કામગીરી
18 લાખના અવસાન, 9.69 લાખ મતદારો સરનામા પર મળ્યા નહીં, 40.26 લાખનું સ્થળાંતર અને 3.81 લાખના ડબલ નામ
ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ભારતના ચૂંટણીપંચની સુચના અનુસાર ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂૂ કરવામાં આવેલી (ખાસ સઘન સુધારણા) ઝુંબેશના ગણતરીના તબક્કાની સમયમર્યાદા વધારી તા.14 ડિસેમ્બર કરવામાં આવી હતી. જેથી ફોર્મ પરત આવવા માટે ત્રણ દિવસનો વધારાનો સમય મળ્યો હતો. ત્યારે રાજ્યભરમાં ગણતરીના તબક્કાની 100 % કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. હવે તા.19-12-2025ના રોજ મુસદ્દા મતદારયાદી પ્રસિધ્ધ કરવામાં આવનાર છે હવે માત્ર ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. ત્યારે હજૂ 44.54 લાખ મતદારોનું મેપિંગ બાકી હોવાનુ જણાવાય છે.
રાજ્યમાં 5.08 કરોડ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું.જે પૈકી 4.34 કરોડ મતદારોએ ગણતરી ફોર્મ પરત કર્યા છે.આ તમામ ફોર્મનું સંપૂર્ણ ડિઝીટાઇઝેશન કરવામાં આવ્યું છે. 44.45 લાખ જેટલા મતદારોનું મેપીંગ થયું નથી.ગણતરીના તબક્કામાં રાજ્યના તમામ 33 જિલ્લાઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન દર્શાવી 100 ટકા કામગીરી પૂર્ણ કરી છે. જેથી સરવાળે રાજ્યની કુલ 182 વિધાનસભા મતવિસ્તારમાં ચકાસણીની 100 ટકા કામગીરી સંપન્ન થઈ ચૂકી છે.
ગણતરીના તબક્કાના છેલ્લા ચરણ સુધીમાં ધ્યાને આવ્યું કે 18,07,277 અવસાન પામેલ મતદારો મતદારયાદીમાં સામેલ હતા. જ્યારે 9,69,813 મતદારો તેમના સરનામે ગેરહાજર જોવા મળ્યા, સાથોસાથ 40,26,010 વધુ મતદારો કાયમી સ્થળાંતરિત થઈ ચૂક્યા હોવાનું ધ્યાને આવ્યું છે. જ્યારે 3,81,534 મતદારો રિપીટેડ હોવાનું ધ્યાને આવ્યું છે.
મુસદ્દા મતદારયાદી પ્રસિધ્ધ થયા બાદ, તા.19-12-2025 થી તા.18-01-2026 સુધી મતદારયાદી સબંધી વાંધા-દાવા રજૂ કરી શકાશે. જે ભારતના નાગરિક છે અને જઈંછ પછી કોઇ કારણસર ડ્રાફટ રોલમાં નામ નથી સામેલ થયું તો તેવા નાગરિકો આધાર પુરાવા સાથે ફોર્મ નં.6 ભરીને મતદાર યાદીમાં નામ દાખલ કરાવી શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે મતદાર યાદીમાં બે જગ્યાએ નામ રાખવું તે ગુનો બને છે.
રાજકોટ જિલ્લામાં પણ 2.25 લાખનું મેપિંગ બાકી, નોટિસો અપાશે
રાજકોટ શહેર અને જિલ્લામાં હજુ પણ 2.25 લાખ લોકોનું મેપિંગ બાકી હોવાની વિગતો સામે આવી છે. આ ગંભીર બાબતને ધ્યાને લઈ તંત્ર દ્વારા આવતીકાલથી જ આ તમામ લોકોને નોટિસ ફટકારવાની કામગીરી શરૂૂ કરવામાં આવશે. આગામી 12 ફેબ્રુઆરી 2026 સુધીમાં આ તમામ લોકોને વ્યક્તિગત રીતે બોલાવી તેમના પ્રશ્નો અને વાંધા-સૂચનો સાંભળી નિકાલ કરવામાં આવશે.
