કામચોરી અને ભ્રષ્ટાચાર અટકાવવા હવે ‘પ્રિવેન્ટિવ વિજીલન્સ ઇન્સ્પેકશન’

ગુજરાત તકેદારી આયોગની માર્ગદર્શિકા મુજબ સરકારી કચેરીઓમાં નવી પધ્ધતિ, કામમાં ઢીલી નીતિ અપનાવતા બાબુઓ ઉપર રહેશે ખાસ નજર અરજી અગ્રાહ્ય રાખે તો તેના સ્પષ્ટ કારણો…

ગુજરાત તકેદારી આયોગની માર્ગદર્શિકા મુજબ સરકારી કચેરીઓમાં નવી પધ્ધતિ, કામમાં ઢીલી નીતિ અપનાવતા બાબુઓ ઉપર રહેશે ખાસ નજર

અરજી અગ્રાહ્ય રાખે તો તેના સ્પષ્ટ કારણો આપવા ફરજિયાત, સમયસર પ્રકરણના નિકાલ, બિનજરૂરી કાગળો માંગવા આવ્યા નથી તેની પણ થશે તપાસ

દર છ મહિને કચેરીઓના ઇન્સ્પેકશનનો અહેવાલ સરકારને આપવો પડશે, નાગરિકોની અરજીઓનું રહેશે અલગ રજીસ્ટર

ગુજરાત રાજ્યમાં સરકારી તંત્રમાં વ્યાપક બનેલા ભ્રષ્ટાચારને અંકુશમાં લેવા માટે હવે સરકાર દ્વારા અગાઉથી જ નિરીક્ષણ કરીને નિવારક પગલાં ભરવાની દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત તકેદારી આયોગની સૂચનાને આધારે રાજ્યના વિવિધ સરકારી વિભાગો અને કચેરીઓમાં હવે ’પ્રિવેન્ટિવ વિજિલન્સ ઇન્સ્પેક્શન’ પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી છે.

તાજેતરના સમયગાળામાં ગાંધીનગરથી લઈને ગ્રામ્ય વિસ્તારો સુધી સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર, કામમાં અનાવશ્યક વિલંબ, ખોટી તરફેણ અને નાગરિકોને કનડગત કરવામાં આવતી હોવાના અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા હતા. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા હવે ફરિયાદ આવ્યા બાદ પગલાં લેવાના બદલે, અગાઉથી જ વહીવટી પ્રક્રિયાની ચકાસણી કરીને ખામીઓને દૂર કરવાની નીતિ અપનાવવામાં આવી છે.
આ પહેલની શરૂૂઆત રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા રાજ્યભરની કચેરીઓમાં કરવામાં આવી છે. આ અંતર્ગત કોઈપણ ખાતા કે કચેરીમાં જો ભ્રષ્ટાચારી પદ્ધતિઓ અપનાવવામાં આવતી હોય, નિર્ણયો ઇરાદાપૂર્વક લંબાવવામાં આવતા હોય, કે નાગરિકો સાથે અસહકારભર્યું વલણ દાખવવામાં આવતું હોય તો તેની પર ખાસ નજર રાખવામાં આવશે. તેમજ કોઈ વ્યક્તિ કે સંસ્થાને ખોટી રીતે લાભ પહોંચાડવામાં આવતો હોય તેવા કિસ્સાઓની પણ તપાસ કરવામાં આવશે.

ગુજરાત તકેદારી આયોગની માર્ગદર્શિકા મુજબ દરેક વિભાગે દર છ મહિને પોતાની કચેરીઓનું પ્રિવેન્ટિવ વિજિલન્સ ઇન્સ્પેક્શન કરવું ફરજિયાત રહેશે અને તેનો વિગતવાર અહેવાલ સરકારને મોકલવાનો રહેશે. પ્રથમ અહેવાલ જાન્યુઆરીથી 30 જૂન સુધીના સમયગાળાનો રહેશે, જેને 20 જુલાઈ સુધીમાં સરકારને સુપરત કરવો પડશે.

તકેદારી નિરીક્ષણ દરમિયાન ખાસ કરીને અરજદારો સાથે સંબંધિત પ્રક્રિયાઓ પર ભાર મૂકવામાં આવશે. જો કોઈ અરજી ગ્રાહ્ય રાખવામાં આવી ન હોય તો તેના સ્પષ્ટ કારણો અરજદારને લેખિતમાં જણાવવામાં આવ્યા છે કે નહીં તેની તપાસ કરાશે. અપીલ રજિસ્ટરમાં અરજીઓનો સમયસર નિકાલ થયો છે કે નહીં, તેમજ અરજદાર પાસેથી બિનજરૂૂરી દસ્તાવેજો માંગવામાં આવ્યા નથી તે પણ ચકાસવામાં આવશે.

સાથે જ, દસ્તાવેજોની પૂર્તતામાં અનાવશ્યક વિલંબ કરવામાં આવ્યો નથી તેની પણ તપાસ થશે. પ્રજા સાથે સીધો અને વધુ સંપર્ક ધરાવતી કચેરીઓમાં નાગરિકોની અરજીઓ માટે અલગ રજિસ્ટર રાખવામાં આવે છે કે નહીં, તેમજ તે અરજીઓનું ક્રમ મુજબ અને સમયસર નિરાકરણ થાય છે કે નહીં તેની વિગતો પણ તપાસવામાં આવશે.

ફાઇલોની ચકાસણીથી માંડી બદલીઓ સુધી એસ.ઓ.પી.
તકેદારી ઇન્સ્પેક્શન દરમિયાન વિભાગ કે ખાતાના વડા દ્વારા રેન્ડમ રીતે ફાઈલોની ચકાસણી કરવામાં આવશે. સંવેદનશીલ જગ્યાએ કાર્યરત કર્મચારીઓની સમયાંતરે બદલી કરવામાં આવે છે કે નહીં, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી)નું પાલન થાય છે કે નહીં, તેમજ કર્મચારીઓને સમયસર તાલીમ આપવામાં આવે છે કે નહીં તેની પણ સમીક્ષા કરાશે. જો કચેરી દ્વારા કોઈ ઇજનેરી બાંધકામ, પ્રોજેક્ટ કે ખરીદી સંબંધિત કામગીરી કરવામાં આવી હોય તો તેનું નિરીક્ષણ ચેકલિસ્ટ મુજબ કરવું ફરજિયાત રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *