અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર દાવો કર્યો છે કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધને અટકાવ્યું હતું. તેમણે બંને દેશો પર ભારે ટેરિફ (આયાત શુલ્ક) લાદવાની ધમકી આપી હતી. ટ્રમ્પે જણાવ્યું કે તેમણે પરમાણુ શસ્ત્રો ધરાવતા આ બંને પડોશી દેશોને ચેતવણી આપી હતી કે જો સંઘર્ષ બંધ નહીં થાય, તો અમેરિકા સાથેનો તેમનો વેપાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે.
પોતાના રાજદ્વારી પ્રયાસોના વખાણ કરતા, ટ્રમ્પે નોબેલ શાંતિ પુરસ્કાર ન મળવા બદલ નિરાશા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે, તેમણે આઠ મોટા આંતરરાષ્ટ્રીય સંઘર્ષોને અટકાવ્યા છે, તેમ છતાં તેમને ક્યારેય તેનો શ્રેય આપવામાં આવ્યો નથી.
પોતાના સંબોધન દરમિયાન, ભારત અને પાકિસ્તાન વચ્ચેના સૈન્ય સંઘર્ષનો ઉલ્લેખ કરતા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, તમારી પાસે ભારત અને પાકિસ્તાન જેવા બે પરમાણુ શસ્ત્રો ધરાવતા દેશો છે, જેઓ લડી રહ્યા છે. મેં તેમને કહ્યું, ’મિત્રો, જો તમે આ રીતે લડવાનું ચાલુ રાખશો, તો તમે અમેરિકા સાથે વેપાર કરી શકશો નહીં. હું તમારા બંને પર 250% જેટલો ભારે ટેરિફ લાદી દઈશ, જેનાથી તમારો તમામ વેપાર ઠપ્પ થઈ જશે. ટ્રમ્પે દાવો કર્યો કે આ સૈન્ય સંઘર્ષ દરમિયાન બંને પક્ષોના કુલ 11 વિમાનો તોડી પાડવામાં આવ્યા હતા.
