ગોંડલ તાલુકાના કોલીથડ ગામમાં ગોંડલ તરફ જતા માર્ગ પર માર્ગ અને મકાન વિભાગ દ્વારા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ્ય રોડની બંને બાજુએ થયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરી માર્ગને પહોળો કરવાનો હતો.
આ કાર્યવાહી રાજકોટના માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર એસ.આર. પટેલની સૂચના હેઠળ હાથ ધરવામાં આવી હતી. ગોંડલ તાલુકાના માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર એમ.આઈ. જાડેજા અને મદદનીશ ઈજનેર ડી.ડી. ભારાઈની આગેવાની હેઠળની ટીમે આ કામગીરીનું સંચાલન કર્યું હતું.
ખાસ કરીને કોલીથડ બસ સ્ટેન્ડ અને તેની આસપાસના વિસ્તારમાં રોડની હદમાં આવતા દબાણોને હટાવવા માં આવ્યા હતા. રોડની કુલ હદરેખા 20 મીટરની હોવાથી, રોડની બંને બાજુએથી 10-10 મીટરના વિસ્તારમાં આવતા તમામ પ્રકારના ગેરકાયદેસર બાંધકામો અને દબાણોને દૂર કરવામાં આવ્યા હતા. આ કામગીરીને કારણે રોડ પહોળો થતા ટ્રાફિકની સમસ્યા હળવી થશે અને વાહનવ્યવહાર વધુ સુવિધાજનક બનશે.
