જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા દરબાર ગઢ થી બર્ધનચોક- માંડવી ટાવર સુધીના માર્ગ પરથી વાહનવ્યવહાર અને રાહદારીઓને અડચણરૂૂપ રેકડી, કેબિન, પથારા, ટેબલ વગેરે દૂર કરવાની કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવી છે.
ગઈકાલે જામનગરના દરબારગઢ સર્કલ, બર્ધનચોક સહિતના વિસ્તારમાં સિટી એ. ડિવિઝનના પી.આઈ. એન.એ. ચાવડા ની આગેવાનીમાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી હતી, અને અડધો ડઝન થી વધુ રેકડી, કેબીનો વગેરે કબજે કરી લઈ મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવી દેવામાં આવ્યા છે.મહાનગરપાલિકાના તંત્ર અને પોલીસ વિભાગની આ કાર્યવાહીને લઈને બર્ધન ચોક વિસ્તારમાં થોડો સમય માટે ધંધાર્થીઓમાં દોડધામ થઈ હતી.
આ ઉપરાંત જામનગરના રણજીત સાગર રોડ સહિતના અન્ય વિસ્તારોમાં મહાનગરપાલિકાના સ્ટ્રીટ લાઈટ ના પોલ ઉપર કિયોસ્ક બોર્ડ વગેરે મંજૂરી વિના લગાવાયેલા હતા, તેને ઉતારવા માટેની પણ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેના ભાગરૂૂપે છેલ્લા 3 દિવસના સમયગાળા દરમિયાન 400 થી વધુ ઉતારી લેવામાં આવ્યા છે, અને જામનગર મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવી દેવાયા છે. મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમ શહેરમાં દબાણ હટાવ ઝુંબેશ તેમજ ગેરકાયદે હોર્ડિંગ, કિયોસ્ક બોર્ડ વગેરે ઉતારવાની કામગીરી પણ અવિરત ચાલુ રખાઇ છે.
