પરીક્ષાની તૈયારી કરવી કે ઇન્ટર્નશિપની વ્યવસ્થા?

NEPએ ઇન્ટર્નશિપ ફરજિયાત કરી કોલેજ-ભવનોએ વિદ્યાર્થી પર જવાબદારી નાખતા દોડધામ અમદાવાદનવી એજ્યુકેશન પોલિસી અંતર્ગત છેલ્લા સેમેસ્ટરમાં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ માટે ઇન્ટર્નશીપ ફરજિયાત કરવામાં આવી…

NEPએ ઇન્ટર્નશિપ ફરજિયાત કરી કોલેજ-ભવનોએ વિદ્યાર્થી પર જવાબદારી નાખતા દોડધામ

અમદાવાદનવી એજ્યુકેશન પોલિસી અંતર્ગત છેલ્લા સેમેસ્ટરમાં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ માટે ઇન્ટર્નશીપ ફરજિયાત કરવામાં આવી છે. અત્યાર સુધી યુનિવર્સિટી દ્વારા ઇન્ટર્નશીપની જવાબદારી સ્વીકાર્યા બાદ હવે કોલેજો અને ડિપાર્ટમેન્ટને માથે જવાબદારી ઢોળી દેવામાં આવી હતી. અનેક કોલેજોએ હવે છેલ્લીઘડીએ વિદ્યાર્થી પર જવાબદારી નાખતા દોડાદોડી થઇ ગઇ છે.

નવી એજ્યુકેશન પોલિસી લાગુ કરવામાં આવ્યા બાદ વિદ્યાર્થીઓને જે કોર્સમાં પ્રવેશ લીધો હોય તેમાં પ્રેક્ટિકલ જ્ઞાન મળી રહે તે માટે ખાસ છેલ્લા સેમેસ્ટરમાં ઇન્ટર્નશીપની વ્યવસ્થા ગોઠવી હતી. નવી એજ્યુકેશન પોલિસી 2020 લાગુ કરવામાં આવી ત્યારથી ઇન્ટર્નશીપની સ્પષ્ટતા કરી દેવામાં આવી છે.

આમ છતાં ગુજરાત યુનિવર્સિટી સહિત રાજ્યની અનેક યુનિવર્સિટીઓએ વિદ્યાર્થીઓ છેલ્લા સેમેસ્ટરમાં આવે ત્યાં સુધી કોઇપણ આગોતરી વ્યવસ્થા કરી નહોતી. સૂત્રો કહે છે કે, હવે નવી એજ્યુકેશન પોલિસી પ્રમાણે જે વિદ્યાર્થીઓએ પહેલા સેમેસ્ટરમાં પ્રવેશ લીધો હતો તેઓ હવે ત્રીજા વર્ષના છેલ્લા સેમેસ્ટરમાં આવી ચુક્યા છે. નિયમ પ્રમાણે છેલ્લા સેમેસ્ટરમાં ઇન્ટર્નશીપ ફરજિયાત છે. અત્યાર સુધી યુનિવર્સિટી દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે, ઇન્ટર્નશીપની તમામ વ્યવસ્થા યુનિવર્સિટી દ્વારા કરવામાં આવશે. એટલે કે વિદ્યાર્થીઓએ પોતાની રીતે ઇન્ટર્નશીપ માટે કોઇ જગ્યાએ દોડાદોડી કરવાની રહેતી નથી. આશ્ચર્યની વાત એ કે, થોડા સમય પહેલા જ યુનિવર્સિટીએ કોલેજ સંચાલકો, પ્રિન્સિપાલ સાથે બેઠક કરીને કોલેજોને પણ પોતાની રીતે ઇન્ટર્નશીપ માટેની વ્યવસ્થા કરવા માટે તાકીદ કરવામાં આવી હતી.

જે કોલેજ દ્વારા વિદ્યાર્થીઓ માટે ઇન્ટર્નશીપની વ્યવસ્થા કરવામાં ન આવે તેના માટે યુનિવર્સિટી વ્યવસ્થા કરશે તેવી સ્પષ્ટતા પણ કરવામાં આવી હતી. સૂત્રો કહે છે કે, હાલની સ્થિતિ એવી છે કે, કોલેજ દ્વારા ઇન્ટર્નશીપની કોઇ વ્યવસ્થા કરવામાં આવી નથી. મોટાભાગની યુનિવર્સિટી દ્વારા પણ આ પ્રકારની કોઇ વ્યવસ્થા થઇ શકી નથી. જેના કારણે છેવટે વિદ્યાર્થીઓને પોતાની રીતે ઇન્ટર્નશીપ કરી લેવાની સૂચના આપી દેવામાં આવી છે. હાલમાં કેટલાક વિદ્યાર્થીઓએ જુદી જુદી જગ્યાએ ઇન્ટર્નશીપ કરવા માટે દોડધામ પણ શરૂૂ કરી દીધી છે. યુનિવર્સિટીઓ દ્વારા ઇન્ટર્નશીપને લઇને હાથ ઊંચા કરી દેવામાં આવતાં વિદ્યાર્થીઓએ હવે જાતે જુદી જુદી કંપનીઓ અને એજન્સીઓ પાસે ઇન્ટર્નશીપ માટે જવું પડે છે.

GTUએ પેઇડ ઇન્ટર્નશિપ શરૂ કરી
ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી દ્વારા આઇટી અને કોમ્પ્યુટર બ્રાન્ચમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે પેઇડ ઇન્ટર્નશીપની વ્યવસ્થા કરવામાં આવી છે. જે વિદ્યાર્થીઓ ઇચ્છે તેઓએ નિર્ધારિત કરેલા 6 હજાર રૂૂપિયા ભરીને સારી કંપનીમાં ઇન્ટર્નશીપ કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. યુનિવર્સિટીના સૂત્રો કહે છે કે, કોઇપણ વિદ્યાર્થી માટે પેઇડ ઇન્ટર્નશીપ કરવી ફરજિયાત નથી. ઇચ્છે તે વિદ્યાર્થીઓ સારી કંપનીમાં ઇન્ટર્નશીપ કરવા ઇચ્છતા હોય તેઓએ ભાગ લઇ શકે છે. અન્યથા વિદ્યાર્થીઓ જાતે ઇન્ટર્નશીપ કરે તો તેને પણ માન્ય ગણવામાં આવતી હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *