સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર જલારામ ખાતે પૂજ્ય સંત શ્રી જલારામ બાપાની 227મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણીને લઈને તૈયારીઓએ જોર પકડ્યું છે. તા. 16 નવેમ્બર, સોમવારના રોજ કારતક સુદ સાતમના પવિત્ર દિવસે બાપાની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવશે. જેને લઈને સમગ્ર વીરપુર ધામને વેપારીઓ, સેવાભાવી યુવાનો અને ગ્રામજનો દ્વારા રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે. રાત્રિના સમયે મુખ્ય માર્ગો, બજારો અને વિવિધ વિસ્તારો લાઈટોની ઝગમગાહટથી ઝળહળી ઊઠતાં સમગ્ર વીરપુરમાં જાણે દિવાળી જેવો માહોલ સર્જાયો છે.
જન્મજયંતિના પવિત્ર અવસરને લઈને વીરપુરમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ દિવાળીના વેકેશનને કારણે યાત્રાધામમાં ભાવિકોની ભારે અવરજવર જોવા મળી રહી છે. પરિવાર સાથે ધાર્મિક સ્થળોએ દર્શન કરવા નીકળેલા શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં જલારામ બાપાનાં દર્શનાર્થે વીરપુર પહોંચી રહ્યા છે. જલારામ બાપાની 227મી જન્મજયંતિ નિમિત્તે દર્શનાર્થે આવનારા લાખો ભાવિકોને કોઈ અગવડતા ન પડે તે માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. મંદિરથી લઈને ધર્મશાળા અને પ્રસાદ કેન્દ્ર સુધી વિવિધ સ્થળોએ વીરપુર સહિત આજુબાજુનાં આશરે 15 ગામોના 300થી વધુ સ્વયંસેવકો સેવા માટે ખડેપગે રહેશે.
સ્વયંસેવકો દ્વારા દર્શન વ્યવસ્થા, સેવા અને ભાવિકોની સુવિધા સહિતની જવાબદારીઓ નિભાવવામાં આવશે.દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ગ્રામજનો દ્વારા પૂજ્ય જલારામ બાપાના જીવનચરિત્ર અને તેમના સેવાકાર્યોને ઉજાગર કરતી વિવિધ ઝાંખીઓ સાથે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે 227મી જન્મજયંતિ હોવાથી શોભાયાત્રા દરમિયાન ભાવિકોને 227 કિલો બુંદીના પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. આ આયોજનને લઈને પણ ભાવિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.આમ, અન્નદાન, માનવસેવા, પરોપકાર અને સમર્પણનો અનોખો સંદેશ આપનાર પૂજ્ય જલારામ બાપાની 227મી જન્મજયંતિને યાદગાર બનાવવા માટે સમગ્ર વીરપુર ધામ સજ્જ બન્યું છે. રંગબેરંગી રોશનીથી ઝળહળતું વીરપુર અને સેવાભાવી સ્વયંસેવકોની તૈયારીઓ વચ્ચે હવે ભક્તો આતુરતાપૂર્વક જન્મ જયંતિના પવિત્ર દિવસની રાહ જોઈ રહ્યા છે.
