આગામી હોળીના તહેવાર દરમિયાન દ્વારકાના જગતમંદિર મંદિર ખાતે ફૂલડોલ ઉત્સવ ઉજવશે. ત્યારે ફૂલડોલ ઉત્સવના સુચારુ આયોજન અંગે દ્વારકામાં જિલ્લા કલેકટર આર.એમ. તન્નાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં કલેકટર આર.એમ. તન્નાએ આગામી હોળીના તહેવાર ઊજવાતા ફૂલડોલ ઉત્સવ લઈને બહોળી સંખ્યામાં પધારતા દર્શનાર્થીઓ માટે ખાસ માર્ગ સલામતી, સ્વચ્છતા, આરોગ્ય, પાર્કિંગ વ્યવસ્થા, સી.સી. ટી.વી કેમેરાથી દેખરેખ રાખવા, પીવાના પાણીની વ્યવસ્થા, તેમજ વીજ પુરવઠો સતત જળવાઈ રહે તેની તકેદારી રાખવા સહિત દર્શનાર્થીઓને કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન થાય તકેદારી રાખતા સહિત તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી લેવા માટે સંબંધિત વિભાગોને સૂચનો કર્યા હતા.
આ મીટીંગમાં જિલ્લા વિકાસ અધિકારી એ.બી. પાંડોર, પોલીસ વડા નિતેશ પાંડેય, ઇન્ચાર્જ પ્રાંત અધિકારી હિમાંશુ ચૌહાણ, નાયબ કલેક્ટર એમ.બી. દેસાઈ, નગર પાલિકા પ્રમુખ કોમલબેન ડાભી, ડી.વાય.એસ.પી. સાગર રાઠોડ સહિત સંલગ્ન વિભાગના અધિકારીઓ, હોટેલ એસો.ના સભ્યો, પૂજારીઓ, દેવસ્થાન સમિતિના સભ્યો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
બેટ દ્વારકાના મંદિરે ફૂલડોલ, પાટોત્સવ પ્રસંગે દર્શનના સમયમાં ફેરફાર
શ્રીકૃષ્ણ ભગવાનની નિવાસભૂમિ બેટ દ્વારકા તીર્થક્ષેત્રમાં આવેલા દ્વારકાધીશના મંદિરમાં આગામી તા. 14 માર્ચના ફુલડોલ ઉત્સવ પ્રસંગે સવારે 11:30 થી બપોરે 12 દરમિયાન ઠાકોરજીના દોલોત્સવ દર્શન પરંપરાગત રીતે થશે.જ્યારે તા.15 મી માર્ચના રોજ દ્વિતીય પાટોત્સવ પ્રસંગે સવારે સવારે 7:30 વાગ્યે મંગલા આરતી, સવારે 8 વાગ્યે મોર આરતી, સવારે 11:30 વાગ્યે શૃંગાર આરતી, બપોરે 12 વાગ્યે મધ્યાહન આરતી, બપોરે 1 વાગ્યે મંદિર અનોસર થશે. સાંજના 4:30 વાગ્યે ઉત્થાપન દર્શન તથા રાત્રિના 8 વાગ્યે શયનના દર્શન થશે.
