જાપાનના દક્ષિણી મુખ્ય ટાપુ ક્યુશુના કુમામોટોમાં 7.1ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો છે. જાપાન હવામાન વિજ્ઞાન એજન્સી (JMA) અનુસાર, ભૂકંપની પ્રારંભિક તીવ્રતા 7.1 માપવામાં આવી છે. આંચકા બાદ પ્રશાસને સુનામીની ચેતવણી જાહેર કરી છે.આ ભૂકંપનું કેન્દ્ર સમુદ્ર સપાટીથી 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. દરમિયાન ચીનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે, જ્યાં કિંઘાઈમાં 5.0 ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે.
ભૂકંપની અસર બાદ તંત્રે તાત્કાલિક સુનામીની ચેતવણી જાહેર કરી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં લગભગ 1 મીટર એટલે કે 3.28 ફૂટ સુધીની ઊંચી લહેરો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ચેતવણી બાદ સ્થાનિક પ્રશાસને દરિયાકાંઠાના લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની અપીલ કરી છે અને લોકોને દરિયાથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે. હાલ નુકસાન અને જાનહાનિ અંગેની માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે, જ્યારે બચાવ અને રાહત ટીમોને એલર્ટ પર રાખવામાં આવી છે.
બ્રોડકાસ્ટર NHK ના અહેવાલ મુજબ, આ સ્તર સુધીની લહેરો પહેલેથી જ નોંધાઈ ચૂકી હોઈ શકે છે. જાપાન સરકારે ક્યુશુ આઈલેન્ડના કુમામોટો, નાગાસાગી, કાગોશિમા, ફુકુઓકા, સાગા, ઓઇતા અને મિયાઝાકી પ્રીફેક્ચર્સ માટે કટોકટી ભૂકંપ ચેતવણીઓ જારી કરી છે.
અત્યાર સુધી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ નથી. સ્થાનિક અધિકારીઓ ભૂકંપની અસરનું મૂલ્યાંકન કરી રહ્યા છે અને સુનામીના ખતરાને સતત મોનિટર કરી રહ્યા છે.અને પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે.
જાપાન વિશ્વભરમાં ભૂકંપ માટે સૌથી વધુ સંવેદનશીલ દેશોમાંનો એક છે. પરિણામે તેની ભૂકંપ અને સુનામી ચેતવણી પ્રણાલી વિશ્વની શ્રેષ્ઠમાંની એક માનવામાં આવે છે.
આ સિસ્ટમ લોકોને સેકન્ડોમાં ચેતવણીઓ મોકલે છે, જેનાથી જાનમાલનું નુકસાન ઓછું થાય છે. ક્યુશુ ટાપુના રહેવાસીઓને સતર્ક રહેવા અને અધિકારીઓની સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે. આગામી કલાકોમાં પરિસ્થિતિ વધુ સ્પષ્ટ થવાની અપેક્ષા છે.
