ભુજ નજીક ‘નમો રેપિડ ટ્રેન’માં મધરાત્રે વીજળી ગુલ

અમદાવાદથી ભુજ આવી રહેલી ’નમો રેપિડ ટ્રેન’માં ગત મોડી રાત્રે અચાનક ટેકનિકલ ખામી સર્જાતા ટ્રેન અધવચ્ચે જ થંભી ગઈ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, રાત્રે 11:15…

અમદાવાદથી ભુજ આવી રહેલી ’નમો રેપિડ ટ્રેન’માં ગત મોડી રાત્રે અચાનક ટેકનિકલ ખામી સર્જાતા ટ્રેન અધવચ્ચે જ થંભી ગઈ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, રાત્રે 11:15 વાગ્યાની આસપાસ ભુજથી માત્ર 28 કિલોમીટર દૂર કુકમા સ્ટેશન નજીક પાવરની સમસ્યા (વીજળી ગુલ) થવાને કારણે ટ્રેનનું એન્જિન બંધ પડી ગયું હતું. આ ખામીના કારણે ટ્રેન તેના નિર્ધારિત સમય કરતા 3 કલાકથી વધુ મોડી પડી છે અને મુસાફરોને મોડી રાત્રે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

આ ટ્રેન સંપૂર્ણપણે વાતાનુકૂલિત હોવાથી, પાવર ફેલ થતાં જ કોચની અંદર ગરમી વધવા લાગી હતી. વેન્ટિલેશન બંધ થઈ જવાના કારણે મુસાફરોને ગુંગળામણ અને શ્વાસ લેવામાં તકલીફ અનુભવાવા લાગી હતી. પરિસ્થિતિ બગડતા આખરે રાહત માટે ટ્રેનના દરવાજા મેન્યુઅલી ખોલવાની ફરજ પડી હતી. મુસાફરો રાતના અંધકારમાં પરેશાન જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં જ રેલવે તંત્ર હરકતમાં આવ્યું હતું અને ટ્રેનને આગળ વધારવા માટે તાત્કાલિક બીજા એન્જિનની વ્યવસ્થા કરવામાં આવતાં મુસાફરોએ હાશકારો અનુભવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *