સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારે બહુમતિથી જીતનાર ભાજપે રોટેશન- અનામતના વાંકે અનેક પંચાયતોમાં સત્તાની સીટો ગુમાવી તો કયાંક ‘આપ’ અને ‘કોંગ્રેસ’નો ટેકો લઇને પોતાની ‘ખુરશી’ ગોઠવી
ગુજરાતના રાજકારણમાં સત્તાની ખુરશી માટે એવા અનોખા સમીકરણો રચાયા છે, જેને જોઈને ભલભલા રાજકીય પંડિતો પણ માથું ખંજવાળતા થઈ ગયા છે! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારે બહુમતીથી જીતનાર ભાજપ માટે રોટેશન અને અનામતના ગણિતે એવી જાળ બિછાવી કે સત્તા બચાવવા ક્યાંક કટ્ટર હરીફ કોંગ્રેસ સાથે ’લગ્ન’ કરવા પડ્યા, તો ક્યાંક આમ આદમી પાર્ટી (અઅઙ)ના શરણે જવું પડ્યું. જાણો ગુજરાતની પંચાયતોમાં ખેલાયેલા આ હાઈવોલ્ટેજ ડ્રામાની રસપ્રદ ઈનસાઈડ સ્ટોરી… આણંદમાં પણ હાઈકોર્ટ પહોંચીને ભાજપે જીત મેળવી છે. રોટેશન પદ્ધતિ અને એસ સી. અનામતના કારણે ભાજપ માટે કેટલીક પંચાયતોમાં જીત છતાં સત્તા મેળવી શકી નથી.
દાહોદમાં આપના પ્રમુખ અને ભાજપના ઉપપ્રમુખ
ધાનપુર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ બંને પદની હાઈવોલ્ટેજ ચૂંટણી પ્રક્રિયા આખરે પૂર્ણ થઈ ગઈ છે. પ્રમુખ અને ઉપપ્રમુખ બંને પદ પર ભાજપ-આપને 12-12 સરખા મત મળતા ભારે રોમાંચ સર્જાયો હતો. બંને પદ માટે ટાઈ થતાં આખરે કાયદાકીય જોગવાઈ મુજબ ચિઠ્ઠી ઉછાળીને વિજેતા નક્કી કરાયા હતા. પ્રમુખ પદની ચિઠ્ઠીમાં આમ આદમી પાર્ટીના સોનલબેન ભુરીયાનું નામ નીકળતા તેઓ પ્રમુખ તરીકે વિજેતા જાહેર થયા છે. ઉપપ્રમુખ પદની ચિઠ્ઠીમાં ભાજપના નયનભાઈ બારીઆનું નામ ખુલતા તેઓ ઉપપ્રમુખ તરીકે વિજેતા જાહેર થયા હતા.
લાઠીમાં આપના ઉમેદવારને ભાજપનો ટેકો
લાઠી તાલુકા પંચાયતના પ્રમુખ મુદ્દે રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ મોટો ખેલ પાડ્યો છે. કોળી સમાજમાંથી આવતા અને આપમાંથી ચુંટાયેલા સદસ્યને ભાજપે પ્રમુખ પદ સોંપી દીધું છે. હિરા સોલંકીના જમાઈ ચેતન શિયાળે સમગ્ર ઓપરેશન પાર પાડ્યું હોવાની ચર્ચા છે. લાઠી તાલુકા પંચાયતમાં ભાજપના સમર્થનથી આપમાંથી વિજેતા થયેલ સદસ્ય પ્રમુખ બન્યા છે. ભાજપને બહુમતી મળી હતી પરંતુ એકપણ ઓબીસી ઉમેદવાર વિજેતા ના થતા ભાજપ ટેન્શનમાં હતું. કોંગ્રેસના ઓબીસી સદસ્યને પ્રમુખ બનાવવા પડે તેવી સ્થિતિ હતી.
અરવલ્લી : મેઘરજમાં કોંગ્રેસનો ખેલ પડી ગયો
મેઘરજ તાલુકા પંચાયતમાં કોંગ્રેસની વધુ બેઠકો છતાં ભાજપે સત્તા હાંસિલ કરી લીધી છે. કોંગ્રેસના 11 સભ્યોમાંથી બે સભ્યોએ ભાજપને ટેકો જાહેર કર્યો છે. એક અપક્ષ તેમજ બે કોંગ્રેસના સહિત 13 બેઠકો સાથે ભાજપને સત્તા મળી ગઈ છે. ચૂંટણી હોલમાં બે કોંગ્રેસ સભ્યોએ ભાજપને મત આપ્યા હતા. કોંગ્રેસના સભ્ય ભરત ખાંટ ભાજપના ટેકાથી પ્રમુખ બન્યા હતા. ઉપપ્રમુખ પદે અરવિંદ ખરાડી ચૂંટાયા હતા. વધુ બેઠકો છતાં કોંગ્રેસે સત્તા પર આવવાની તક ગુમાવી દીધી હતી.
ગીર સોમનાથ: કેબિનેટ મંત્રીના ગઢમાં કોંગ્રેસનું શાસન
કોડીનાર તાલુકા પંચાયતમાં અપક્ષ ઉમેદવારે કોંગ્રેસને ટેકો જાહેર કર્યો છે. કેબિનેટ મંત્રી પ્રદ્યુમન વાજા અને દિનુ સોલંકીના ગઢમાં હવે કોંગ્રેસની સત્તા આવી ગઈ છે. અપક્ષ ઉમેદવાર અસ્મિતા જાદવે કોંગ્રેસ પક્ષને ટેકો જાહેર કર્યો છે. તાલુકા પંચાયતના પ્રમુખ અનુપાબેન સોલંકી અને ઉપપ્રમુખ તરીકે હર્ષા બેન ગાધે નિયુક્ત થયા છે. કોડીનાર તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પાસે 12, ભાજપ 11 જ્યારે અપક્ષ 1 સભ્ય જીત્યા હતા. ભાજપના ગઢમાં કોંગ્રેસે સત્તા કબજે કરતાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
ભરૂૂચ: ’આપ’ને રોકવા ભાજપ-કોંગ્રેસના ’લગ્ન’ થઈ ગયા!
ભરૂૂચની નેત્રંગ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં ઉલટી ગંગા વહી છે. આપને સત્તા સ્થાનેથી દુર રાખવા ભાજપ-કોંગ્રેસ એક સાથે આવી ગયા છે. પ્રમુખ તરીકે ભાજપના મગન વસાવા ચૂંટાયા તો ઉપપ્રમુખ તરીકે કોંગ્રેસના નયના પ્રજાપતિએ પદ સંભાળ્યું છે. તાલુકા પંચાયતની ચૂંટણીમાં કુલ 16 બેઠકો પૈકી 8 બેઠક આપ, 7 બેઠક ભાજપ અને 1 બેઠક કોંગ્રેસે જીતી હતી. આપના 1 સભ્યનું નિધન થયું હતું. ભાજપે સત્તા ટકાવી રાખવા કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું છે.
દાંતા અને વડગામમાં ભાજપે ખેલ પાડ્યો
બનાસકાંઠાના વડગામ અને દાંતા તાલુકા પંચાયતમાં ભારે હોબાળા અને ધક્કામુક્કી વચ્ચે કોંગ્રેસના આંતરિક ભંગાણ તેમજ અપક્ષના ટેકાથી ભાજપે ‘ઓપરેશન લોટસ’ પાર પાડી સત્તા મેળવી લીધી છે; વડગામ તાલુકા પંચાયતમાં કુલ 28 બેઠક પૈકી કોંગ્રેસ પાસે 14 બેઠક સાથે સ્પષ્ટ બહુમતી જેવી સ્થિતિ હતી, જ્યારે ભાજપ પાસે 13 અને 1 બેઠક અપક્ષના ફાળે હતી. જોકે, પ્રમુખ પદની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જ કોંગ્રેસ અને ભાજપના સભ્યો વચ્ચે પંચાયત હોબાળો થયો હતો. આખરી ઘડીએ કોંગ્રેસના 14માંથી 1 સભ્ય ગેરહાજર રહેતાં કોંગ્રેસનું ગણિત બગડ્યું હતું અને અપક્ષ સભ્યે ભાજપને ખુલ્લું સમર્થન જાહેર કરી દેતાં સત્તાનું પલ્લું ભાજપ તરફ નમી ગયું હતું. દાંતા તાલુકા પંચાયતમાં પણ ભાજપે વર્ષો જૂના કોંગ્રેસના શાસનનો અંત આણીને ભગવો લહેરાવ્યો છે. દાંતામાં કોંગ્રેસના એક મહિલા સભ્ય ગેરહાજર રહેતાં પંચાયત ગુમાવવાનો વારો આવ્યો છે.
આણંદમાં ભાજપે કોંગ્રેસનો ખેલ પાડી દીધો
આણંદ જિલ્લા પંચાયત પ્રમુખની ચૂંટણીનો મામલામાં હવે નવો વળાંક આવ્યો છે. પ્રમુખપદની ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસનું પ્રમુખ પદનું સ્વપ્ન રોળાયું છે. પ્રમુખપદનું ભાજપના ઉમેદવારનું ફોર્મ રદ કરાયું હતું. જેથી ભાજપે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. ગત રોજ જ હાઇકોર્ટમાં રિટ દાખલ થઈ હતી. કોર્ટ દ્વારા ભાજપના મયુરી પટેલનું ઉમેદવારી પત્ર માન્ય રખાયું છે. જિલ્લા પંચાયતમાં ભાજપ 33 સભ્યો સાથે છે બહુમતીમાં છે. આ જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદ અનુસૂચિત જન જાતિ બેઠક માટે અનામત છે. હવે ભાજપના મયુરીબેન પટેલ પ્રમુખ પદે ચૂંટાઈ આવ્યા છે. ઉપપ્રમુખ પદે જીલુભા સિંધા બિન હરીફ ચૂંટાયા છે.
